વરુણ ધવને સારી ઍક્ટિંગ કરી છે, પરંતુ દીપક ડોબરિયાલ અને અભિષેક બૅનરજી ફિલ્મની જાન છે : સ્ટોરીને વધુ બૅલૅન્સ કરી શકાઈ હોત અને ક્રિતી તથા સૌરભ શુક્લા સહિત ઘણાં પાત્ર પર વધુ કામ કરી શકાયું હોત
ભેડિયા ફિલ્મ
ભેડિયા
કાસ્ટ : વરુણ ધવન, ક્રિતી સૅનન, અભિષેક બૅનરજી, દીપક ડોબરિયાલ, પાલિન કબાક, સૌરભ શુક્લા
ડિરેક્ટર : અમર કૌશિક
સ્ટાર: 3/5
ADVERTISEMENT
વરુણ ધવનની ‘ભેડિયા’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે માણસમાંથી ભેડિયા (કૂતરાથી વધુ હિંસક પ્રાણી - વરુ) બનતો જોવા મળી રહ્યો છે. જોકે આ પહેલી ફિલ્મ નથી જેમાં માણસ ભેડિયો બન્યો હોય. અગાઉ હૉલીવુડની ફિલ્મ સિરીઝ ટ્વાઇલાઇટ અને ફૉરેન વેબ-શો ધ વેમ્પાયર ડાયરીઝમાં પણ આ પ્રકારે માણસમાંથી ભેડિયો બનતો દેખાડવામાં આવ્યો છે. વરુણની ‘ભેડિયા’ને દિનેશ વિઝને પ્રોડ્યુસ અને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે.
સ્ટોરી ટાઇમ
ભાસ્કર એટલે કે વરુણ ધવન દિલ્હીમાં રહે છે. તે બિઝનેસમૅન બગ્ગા એટલે કે સૌરભ શુક્લા માટે અરુણાચલ પ્રદેશ જાય છે અને ત્યાંના લોકો પાસે જમીન ખરીદવાની જવાબદારી લે છે. તે અરુણાચલ પ્રદેશના ડેવલપમેન્ટ માટે જંગલમાંથી રસ્તો બનાવવા માગતો હોય છે અને એનો તે કૉન્ટ્રૅક્ટ લે છે. આથી ભાસ્કર તેના કઝિન જનાર્દન એટલે કે અભિષેક બૅનરજી સાથે અરુણાચલ પ્રદેશ જાય છે. ત્યાં તે લોકલ વ્યક્તિનું પાત્ર ભજવતા જોમિન એટલે કે પાલિન કબાક અને પાંડા એટલે કે દીપક ડોબરિયાલને મળે છે અને તેમની સાથે લોકલ વ્યક્તિને મનાવવા નીકળે છે. જોકે ત્યાંના લોકોનું કહેવું છે કે જંગલ સાથે જે ખરાબ કરે છે તેની સાથે હંમેશાં ખરાબ થાય છે. પરિણામે વરુણને એક ભેડિયો કરડે છે અને તે પોતે પણ ભેડિયો બની જાય છે. માણસમાંથી ભેડિયો બનતા એ જાનવરને ત્યાંના લોકો વિષ્ણુ કહે છે. ત્યાર બાદ શું થાય છે એ માટે ફિલ્મ જોવી રહી.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
અમર કૌશિકની આ ફિલ્મની સ્ટોરી બાલાના રાઇટર નીરેન ભટ્ટે લખી છે. નીરેને સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ દરેકની જવાબદારી પોતે ઉપાડી છે. તેણે વનલાઇનર્સ અમુક સારાં લખ્યાં છે, પરંતુ ઘણી જગ્યાએ જબરદસ્તીથી હસવું પડે એવું લાગે છે. જોકે અમર દ્વારા તેની ‘સ્ત્રી’ના રાઇટર્સ રાજ અને ડીકેને પસંદ કરવામાં આવ્યા હોત તો વધુ સારી ફિલ્મ બની શકી હોત. આની પાછળનું કારણ એ છે કે સ્ટોરીને બરાબર પકવવામાં નથી આવી. ફિલ્મમાં દીપક ડોબરિયાલનો એક ડાયલૉગ છે ‘એ, બી, સી તો સમજમાં આવી ગઈ, પરંતુ વાય સમજમાં નથી આવતો.’ આ વાય એટલે કે વરુણ કેમ ભેડિયો બને છે એની પાછળનું મોટિવ ઉપરછલ્લું છે તેમ જ સ્ટોરી બૅલૅન્સ નથી. દરેક પાત્રને બરાબર લખવામાં નથી આવ્યાં. અમર કૌશિકે તેની ટૅલન્ટ વડે ફિલ્મને શક્ય એટલી એન્ટરટેઇનિંગ બનાવવાની કોશિશ જરૂર કરી છે. આ તેનું હોમગ્રાઉન્ડ છે, પરંતુ એમ છતાં ફિલ્મ આશા પર ખરી નથી ઊતરી. ફિલ્મનું લોકેશન ખૂબ સુંદર છે અને દરેક દૃશ્યને ખૂબ સારી રીતે શૂટ પણ કરવામાં આવ્યાં છે. ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પણ જોરદાર છે. ભેડિયાના ટ્રાન્સફૉર્મેશનના દૃશ્યને પણ ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યું છે અને અમરે એના ડિરેક્શન દ્વારા ફિલ્મને બચાવવાની ઘણી કોશિશ કરી છે, પરંતુ ફિલ્મ જરૂર કરતાં વધુ લાંબી બની છે. નીરેન દ્વારા ફિલ્મમાં એક મેસેજ આપવામાં આવ્યો છે કે પ્રકૃતિ છે તો જ પ્રોગ્રેસ છે. આ સાથે જ નૉર્થ ઈસ્ટના લોકો સાથે જે ભેદભાવ થાય છે અને તેમની મજાક ઉડાડવામાં આવે છે એને પણ એક ડાયલૉગ દ્વારા લોકોનું ધ્યાન દોરવાની કોશિશ કરી છે.
પર્ફોર્મન્સ
વરુણ ધવને ભાસ્કરનું પાત્ર ખૂબ સારી રીતે કર્યું છે. તે જેટલો ક્યુટ લાગે છે એટલો ડરામણો પણ લાગે છે. તેની ઍક્ટિંગને કારણે ઘણી વાર હસવું પણ આવી જાય છે. જોકે તે ભેડિયો બની જતો હોય છતાં ફિલ્મ ડરામણી નથી લાગતી. ફિલ્મમાં ક્રિતી સૅનનનું પાત્ર નામ પૂરતું છે. તે ફિલ્મમાં ટ્વિસ્ટ જરૂર લાવે છે, પરંતુ તેના પાત્રને વધુ સારી રીતે લખવાની જરૂર હતી. દીપક ડોબરિયાલ પણ લિમિટેડ ટાઇમ માટે હોવા છતાં તે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે ચાર ચાંદ લગાવી દે છે. ફિલ્મમાં તેનું અને અભિષેક બૅનરજીનું પાત્ર ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. બન્નેને સ્ક્રીન પર જોવા અને તેમના કૉમિક ટાઇમિંગને કારણે તેઓ જે હ્યુમર ઊભું કરે છે એ જોવાની પણ મજા આવે છે. સૌરભ શુક્લા છે કે નહીં એ બધું સરખું જ છે. જોમિનનું પાત્ર ભજવતા પાલિને સારું કામ કર્યું છે. તેની નિર્દોષતા અને એક સમયે ગુસ્સામાં આવીને તેની સાથે જે ભેદભાવ થતા હોય અને તે જે ભડાશ કાઢે છે એ જોઈ શકાય છે.
મ્યુઝિક
ફિલ્મના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને કારણે ઘણી વાર દૃશ્યમાં જીવ આવી ગયો હોય એવું લાગે છે. આ સારા બૅકગ્રાઉન્ડ સ્કોરની ઇફેક્ટ છે કે તે કમજોર દૃશ્યને પણ સારું બનાવી દે છે. સચિન-જિગરની જોડીએ આ ફિલ્મનું આલબમ આપ્યું છે. બાકી સબ ઠીક. ગીતને સાંભળવા કરતાં સ્ક્રીન પર જ્યારે જોવાય છે ત્યારે ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ફિલ્મની શરૂઆતમાં એક લાઇટ નોટથી આ સૉન્ગ શરૂ થાય છે. ‘જંગલ મેં મંગલ’ સુખવિંદર સિંહ અને વિશાલ દાદલાણીએ ગાયું છે અને એ પણ એન્ટરટેઇનિંગ છે. ગીત સાથે સ્ટોરી ચાલતી રહી છે.
આખરી સલામ
માર્વલ સિનેમૅટિક યુનિવર્સ બાદ દરેક વ્યક્તિ પોતાનું યુનિવર્સ બનાવી રહ્યું છે. રોહિત શેટ્ટી હોય કે પછી યશરાજ ફિલ્મ્સ હોય કે લોકેશ કનગરાજ. આ લિસ્ટમાં હવે અમર કૌશિકનો પણ સમાવેશ થયો છે. ફિલ્મની એન્ડ ક્રેડિટમાં તેણે એ વાતની જાહેરાત કરી દીધી છે.