સત્યાની રીરિલીઝ પ્રસંગે ઊર્મિલા માતોન્ડકરે ઠાલવ્યો પોતાના દિલનો ઊભરો
ઊર્મિલા માતોન્ડકર
બૉલીવુડમાં ઍક્ટ્રેસ અને ડિરેક્ટર્સની એવી અનેક જોડીઓ છે જેમણે સાથે મળીને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. આવી જ એક જોડી છે ઊર્મિલા માતોન્ડકર અને રામગોપાલ વર્માની. ‘રંગીલા’થી આ જોડીએ બૉલીવુડમાં ધમાલ મચાવી હતી અને અનેક હિટ ફિલ્મો આપી હતી. હાલમાં આ જોડીની ‘સત્યા’ ફરી રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ સમયે એક ઇન્ટરવ્યુમાં ઊર્મિલાએ રામગોપાલ વર્મા સાથેના સંબંધની તેમ જ બૉલીવુડમાં તેની કરીઅરના અંત માટે જવાબદાર કારણોની ચર્ચા કરી હતી.
આ ઇન્ટરવ્યુમાં ઊર્મિલાએ જણાવ્યું હતું કે તેની કારકિર્દી રામગોપાલ વર્માને કારણે નહીં પણ નેપોટિઝમને કારણે બરબાદ થઈ છે. તેને હંમેશાં આઇટમ-ગર્લ કે સેક્સ-સાઇરન તરીકે જોવામાં આવતી હતી. આ સાથે જ તેણે સ્પષ્ટતા કરી હતી કે રામગોપાલ વર્મા સાથે મારો કોઈ ઝઘડો નહોતો.
ADVERTISEMENT
ઊર્મિલાએ રામગોપાલ વર્મા સાથે ‘સત્યા’, ‘જંગલ’, ‘રંગીલા’ અને ‘ભૂત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘રંગીલા’ બૉક્સ-ઑફિસ પર ખૂબ સફળ રહી હતી અને એ ફિલ્મે ઊર્મિલા માતોન્ડકરને બૉલીવુડમાં ‘રંગીલા ગર્લ’ તરીકે સ્થાપિત કરી દીધી હતી. ઇન્ડસ્ટ્રીમાં એવી અફવા હતી કે અભિનેત્રીનું રામુ સાથે અફેર છે જેને લીધે તે તેની દરેક ફિલ્મમાં ઊર્મિલાને જ હિરોઇન તરીકે કાસ્ટ કરે છે. જોકે એક તબક્કે બન્ને વચ્ચે ઝઘડાના સમાચાર પણ આવ્યા હતા.
ઊર્મિલા માતોન્ડકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઘણી શાનદાર ફિલ્મો કર્યા છતાં ૯૦ના દાયકામાં મીડિયા ફક્ત મારા લુક અને અંગત જીવન વિશે જ વાત કરતું હતું. લોકો મારા અભિનય કરતાં મારા જીવનના બીજા પાસામાં વધુ રસ લેતા હતા. ઘણી ફિલ્મોમાં બહુ સારું કામ કર્યા છતાં ઇન્ડસ્ટ્રીમાં મને આઇટમ-ગર્લ અને સેક્સ-સાઇરન તરીકે જ જોવામાં આવતી હતી. હું ઇન્ડસ્ટ્રીના કોઈ પરિવારની નહોતી જેને લીધે મારે ઘણું સહન કરવું પડ્યું હતું. મારી કરીઅરનો ભોગ નેપોટિઝમે લીધો છે.’