આ ક્યારેય ન ભુલાયેલી ફિલ્મનો સેન્સરબોર્ડે કાતર ફેરવીને કાપી નાખેલો એક સીન સોશ્યલ મીડિયા પર ૪૯ વર્ષ પછી વાઇરલ થયો છે
`શોલે`માંથી કાપી નાખેલો સીન
૧૯૭૫માં રિલીઝ થયેલી હિન્દી સિનેમાની માસ્ટરપીસ ફિલ્મ ‘શોલે’ના ચાહકોને એના સીન અને ડાયલૉગ મોઢે યાદ છે. ‘તેરા ક્યા હોગા કાલિયા?’ અને ‘જો ડર ગયા, સમઝો મર ગયા’ કે ‘ઇતના સન્નાટા ક્યું હૈ ભાઈ?’ જેવા ડાયલૉગ લોકો બોલચાલમાં આજે પણ વાપરે છે. આ ક્યારેય ન ભુલાયેલી ફિલ્મનો સેન્સરબોર્ડે કાતર ફેરવીને કાપી નાખેલો એક સીન સોશ્યલ મીડિયા પર ૪૯ વર્ષ પછી વાઇરલ થયો છે. આ વર્ષે ૧૫ ઑગસ્ટે ‘શોલે’ની રિલીઝને ૫૦ વર્ષ પૂરાં થશે.
આ સીનમાં ડાકુ ગબ્બર સિંહ (અમજદ ખાન) યુવાન અહમદ (સચિન પિળગાવકર)ના વાળ ખેંચીને તેને ક્રૂરતાથી માર મારી રહ્યો છે અને પાછળ અન્ય ડાકુઓ ઊભા છે. આ સીન સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા વધુપડતી ક્રૂરતાનું કારણ આપીને કાપી નખાયો હતો. આ સીન ડાકુ ગબ્બર સિંહના કૅરૅક્ટરના ક્રૂર વ્યક્તિત્વને દર્શાવે છે અને પ્રશ્નો ઊઠ્યા છે કે જો આ સીન ફિલ્મમાં હોત તો ફિલ્મના ટોન અને દર્શકો પર એની શું અસર થાત.