‘ઓમ મંગલમ્ સિંગલમ્’માં આ જ વાત મલ્હાર અને આરોહી પુરવાર કરે છે અને હવે આ જ વાત સૌકોઈ ડિટિજલ પ્લૅટફૉર્મ ઓનર્સે પણ સમજવાની છે
પ્રતીકાત્મક તસવીર
નેટફ્લિક્સે હમણાં એક સર્વે કરાવ્યો, જેમાં જાણવા મળ્યું કે યંગસ્ટર્સને સૌથી વધારે જો કંઈ જોવામાં મજા આવતી હોય તો એ છે રિયલ ઇન્સિડન્ટ પર આધારિત ડૉક્યુમેન્ટરી અને એ જ કારણે નેટફ્લિક્સે નક્કી કર્યું કે હવે આવતાં બે વર્ષમાં કંપની ૫૦૦ કરોડનું ફન્ડ ડૉક્યુમેન્ટરી બનાવવા માટે ફાળવશે. કહેવાનો મતલબ એ કે ડૉક્યુમેન્ટરી હવે ધીમે-ધીમે નેટફ્લિક્સનું પ્રાઇમ ફોકસ બની જશે અને કહેવાનો બીજો અર્થ એ કે યંગસ્ટર્સને વલ્ગૅરિટી જોઈએ કે પછી ન્યુડિટી જોઈએ છે એ વાત સાવ ખોટી છે. એવું બની શકે કે એવું ઇચ્છનારી જનરેશન જુદી હોય, અમે યંગસ્ટર્સ તો એવું નથી જ ઇચ્છતા અને તેઓ એ પણ નથી ઇચ્છતા કે દરેક ચોથા અને પાંચમા ડાયલૉગ પર ગંદી ગાળ આવતી હોય.
ફ્રસ્ટ્રેશન વચ્ચે ગાળ બોલી જવાતી હોય છે એવું બધા માનતા હોય છે, પણ મારા સહિત હું એવા ૧૦૦ લોકોને ઓળખું છું જેમના મોઢે ક્યારેય એક પણ બૅડ વર્ડ્સ આવ્યા નથી અને આવે એવું દૂર-દૂર સુધી દેખાતું પણ નથી. ગાળ બોલવી, ટીવી પર ગાળ બોલવી અને બીજા સાંભળે એ રીતે ગાળ બોલવી એ અમારી જનરેશનનો સ્વભાવ જ નથી. એવું પણ ન સમજતા કે આ માત્ર ગુજરાતી યંગસ્ટર્સની જ વાત છે. ના, એવું બિલકુલ નથી. કોઈ પણ યંગસ્ટર્સ હોય એ દરેકને આ જ વાત લાગુ પડે છે. કારણ કે આ જનરેશન પાસે પોતાના ફ્રસ્ટ્રેશન કાઢવાના અન્ય રસ્તા છે અને એ રસ્તાઓમાં પહેલો રસ્તો છે કે એ તરત જ પોતાનું માઇન્ડ ડાઇવર્ટ કરે છે અને એવું કશું જોવા કે સાંભળવા બેસી જાય છે જે તેના મનમાં રહેલા ફ્રસ્ટ્રેશનને દૂર કરે છે.
ADVERTISEMENT
હમણાં હું પણ ફ્રસ્ટ્રેટ હતો અને એ ફ્રસ્ટ્રેશન વચ્ચે મેં એક ગુજરાતી ફિલ્મ જોઈ, ‘ઓમ મંગલમ્ સિંગલમ્’. અનફૉર્ચ્યુનેટલી, એ ફિલ્મ હું જોવાનું ચૂકી ગયો હતો. ક્યાં અટવાયો હતો અને કયા કામ વચ્ચે હું ભૂલી ગયો એ પણ મને અત્યારે યાદ નથી, પણ આપણે ત્યાં કહેવાય છેને કે ‘દેર સે આએ, દુરુસ્ત આએ.’ ફિલ્મ જોવા મળી એ જ સૌથી મોટી વાત છે.
‘ઓમ મંગલમ્ સિંગલમ્’ એક લાઇટ-હાર્ડેટ ફિલ્મ છે, જેમાં સીધા અને સરળ રીતે આગળ વધતા સંબંધો કેવી રીતે અચાનક છેક બ્રેકઅપ સુધી પહોંચી જાય છે એ કહેવામાં આવ્યું છે. તમને ક્યાંક ને ક્યાંક ફિલ્મ લંબાતી હોય એવું પણ લાગે, પણ હકીકત એ છે કે એમાં વાત એ જ છે જે આજના યંગસ્ટર્સની છે. હજી તો ઘણું બધું કરવાનું બાકી રહી ગયું છે એવું ધારતી નવી જનરેશન બીજાની પ્લેટમાં નવી વરાઇટી જોઈને જે રીતે પોતાની આઇટમના સ્વાદને ભૂલી જાય છે એવું જ અહીં બને છે. પોતે તો કશું જોયું જ નથી, પોતાને તો લાઇફ માણવાની પણ બાકી છે અને પોતે તો હંમેશાં બીજાના રસ્તે જ ચાલ્યો છે એવું ધારતો એક યંગસ્ટર કઈ રીતે પોતાની ગર્લફ્રેન્ડથી પૉઝ લઈને પોતાને જીવવું છે એ મુજબનું જીવન શરૂ કરે છે અને કઈ રીતે તે પર્સનલ અને પબ્લિક વાત વચ્ચેની લક્ષ્મણરેખા ભૂલી જાય છે એ ફિલ્મમાં કહેવામાં આવ્યું છે.
ફિલ્મ જોતી વખતે ક્યાંક તમે ખડખડાટ હસી પડો તો ક્યાંક તમારા ચહેરા પર સ્માઇલ આવી જાય. ક્યાંક તમે અંદરથી મુસ્કાન ફેલાવતા થઈ જાઓ અને ક્યાંક તમને એવું લાગવાનું શરૂ થઈ જાય કે આ તો આપણી જ વાત છે. હું કહીશ કે જો આ ફિલ્મ મલયાલમ કે તેલુગુ-તામિલમાં બની હોત તો આપણા ફિલ્મમેકર્સ એના રાઇટ્સ લેવા માટે દોડ્યા હોત, પણ કમનસીબે આ ફિલ્મ ગુજરાતીમાં બની છે.
‘ઓમ્ મંગલમ્ સિંગલમ્’ની સૌથી બ્યુટિફુલ મોમેન્ટ મારા મતે જો કોઈ હોય તો એ કે મલ્હાર ઠાકર ફિલ્મમાં બે વખત કોઈને સમજાય નહીં એ રીતે બોલે છે અને એ બન્ને વખત તેના એ ગોટાળા તેની ફ્રેન્ડ આરોહી બરાબર સમજી જાય છે. હા, જે તમને બરાબર સમજી શકે એ જ તમારા પાર્ટનર. પછી એ તમારી ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડની વાત હોય કે પછી વાત હોય તમને એન્ટરટેઇનમેન્ટ પ્રોવાઇડ કરતા ઓટીટી પ્લૅટફૉર્મની.
તમે કશું કહો નહીં તો પણ એ સમજી જાય અને તમે ગોટાળા વાળતા હો તો પણ તે સમજી જાય.

