ટોટલ ટાઇમપાસ : આ દુનિયામાં તારા જેવું કોઈ નહીં આવે
ટોટલ ટાઇમપાસ : આ દુનિયામાં તારા જેવું કોઈ નહીં આવે
આમિર ખાનના બર્થ-ડે નિમિત્તે કરીના કપૂર ખાને તેને વિશ કરતાં જણાવ્યું કે તારા જેવું આ દુનિયામાં હવે કોઈ નહીં આવી શકે. આમિરનો જન્મ ૧૯૬૫ની ૧૪ માર્ચે મુંબઈમાં થયો હતો. આમિરને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી પણ અનેક સેલિબ્રિટીએ બર્થ-ડે માટે વિશ કર્યું હતું. કરીનાએ આમિર સાથે ‘તલાશ : ધ આન્સર લાઇઝ વિધિન’ અને ‘3 ઇડિયટ્સ’માં કામ કર્યું હતું. હવે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં પણ બન્ને જોવા મળવાના છે. એ ફિલ્મમાંથી જ આમિરનો એક લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ-ડે માય લાલ. તારા જેવું હવે કોઈ આવશે પણ નહીં. આ હીરા સમાન ફિલ્મમાં તેં જે જાદુ રેલાવ્યો છે એ લોકોને દેખાડવા માટે હું આતુર છું.’
પ્રીતિ માટે ફોટોગ્રાફર બની કૅટરિના
ADVERTISEMENT
કૅટરિના કૈફ પ્રીતિ ઝિન્ટાનો જિમમાં એક્સરસાઇઝ કરતો ફોટો ક્લિક કરીને તેની ફોટોગ્રાફર બની ગઈ છે. પ્રીતિ અને કૅટરિનાની મુલાકાત અચાનક જ જિમમાં થઈ હતી. ટ્રેઇનરની મદદથી પ્રીતિ વર્કઆઉટ કરી રહી હતી અને કૅટરિનાએ તરત તેનો ફોટો ક્લિક કર્યો હતો. પ્રીતિએ બ્લૅક જિમ આઉટફિટ્સ પહેર્યા હતા. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી હતી કે ‘કૅટરિના કૈફ તમને જ્યારે જિમમાં મળી જાય અને તે તમારા માટે ફોટોગ્રાફર બની જાય.’
૩૦ એપ્રિલે થિયેટર્સમાં રિલીઝ થશે સૂર્યવંશી
અક્ષયકુમાર અને કૅટરિના કૈફની ‘સૂર્યવંશી’ ૩૦ એપ્રિલે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. રોહિત શેટ્ટીની શાનદાર ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગન પણ લીડ રોલમાં દેખાવાના છે. ફિલ્મને લઈને ટીઝર વિડિયો અક્ષયકુમારે શૅર કર્યો છે. એ વિડિયોમાં કહેવામાં આવે છે કે ‘આજથી એક વર્ષ પહેલાં ૨૦૨૦ની બીજી માર્ચે ‘સૂર્યવંશી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. અમારા દર્શકોએ અમને ભરપૂર પ્રેમ આપ્યો હતો. જોકે આ બધાની વચ્ચે કોરોનાને કારણે આખું વિશ્વ થંભી ગયું હતું. અમારે અમારી ફિલ્મની રિલીઝને ધકેલવી પડી હતી. સાથે જ અમે અમારા દર્શકોને વચન આપ્યું હતું કે ‘સૂર્યવંશી’ને યોગ્ય સમયે થિયેટર્સમાં જ રિલીઝ કરવામાં આવશે. અમે જાણીએ છીએ કે એક વર્ષ પસાર થઈ ગયું છે. જોકે વચન તો વચન છે. આખરે ઇન્તેજારની ઘડી ખતમ થઈ. આવી રહી છે પોલીસ. વર્લ્ડવાઇડ સિનેમામાં આ ફિલ્મ ૩૦ એપ્રિલે રિલીઝ થવાની છે.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘અમે તમને બધાને સિનેમાનો અનુભવ કરાવવાનું વચન આપ્યું હતું અને તમને એ અનુભવ મળવાનો છે. ફાઇનલી ઇન્તેજાર પૂરો થયો છે. આ રહી હૈ પોલીસ. ‘સૂર્યવંશી’ આ વર્ષે ૩૦ એપ્રિલે રિલીઝ થવાની છે.’
નેપોટિઝમનો શિકાર બન્યો હોવાનું કબૂલ્યું ગોવિંદાએ
ગોવિંદાએ જણાવ્યું હતું કે તે પણ નેપોટિઝમનો શિકાર બન્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચને પણ અથાક સ્ટ્રગલ કરી હતી. ગોવિંદાએ એમ પણ જણાવ્યું છે કે તેણે અનેક સ્ક્રિપ્ટ વાંચી છે અને એમાંથી અમુક ફિલ્મ સાઇન કરશે સાથે જ કેટલીક પ્રોડ્યુસ પણ કરશે. નેપોટિઝમનો મુદ્દો બૉલીવુડમાં ખૂબ ચગ્યો છે. એને લઈને ગોવિંદાએ કહ્યું હતું કે ‘મારી પાસે જ્યારે કામ નહોતું ત્યારે હું પણ નેપોટિઝમનો ભોગ બન્યો હતો. મેં અમિતાભ બચ્ચનને પણ સ્ટ્રગલ કરતા જોયા છે. તેઓ જ્યારે સ્ટેજ પર આવતા તો ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો ઊભા થઈને ચાલવા માંડતા હતા. ખબર નહીં કે મને તેમને સપોર્ટ કરવાની સજા મળી છે. તેમને તો આઝાદ છોડી દીધા, પરંતુ મને પકડી લીધો.’
બહોત ખૂબ
અનુષ્કા શર્માએ તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ફોટોમાં તેના ચહેરા પર સનલાઇટ પડી રહી છે. બ્લુ જૅકેટ અને જીન્સમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. તે ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. તેના ફોટો તેના ફૅન્સને ખૂબ પસંદ પડે છે. અનુષ્કાએ ૧૧ જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો છે. તેનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. વામિકાની ઝલક જોવા માટે લોકો આતુર છે.
કોરોના પૉઝિટિવ થતાં સિદ્ધાંત થયો સેલ્ફ-ક્વૉરન્ટીન
સિદ્ધાંત ચતુર્વેદીને કોરોના થતાં તે સેલ્ફ-ક્વૉરન્ટીન છે. તે હાલમાં ઈશાન ખટ્ટર અને કૅટરિના કૈફ સાથે ‘ફોન ભૂત’નું શૂટિંગ કરી રહ્યો હતો. તાજેતરમાં જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર, મનોજ બાજપાઈ અને આશિષ વિદ્યાર્થીને કોરોના થયો છે. પોતાને કોરોના થયો હોવાની માહિતી ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સિદ્ધાંતે કૅપ્શન આપી હતી કે ‘મારા માટે લોકોએ દેખાડેલી ચિંતા માટે આભાર. હું કોવિડ-19 પૉઝિટિવ થયો છું. હું સ્વસ્થ અનુભવી રહ્યો છું અને ઘરમાં જ સેલ્ફ-ક્વૉરન્ટીન થયો છું. હું તમામ પ્રકારની સાવધાની રાખી રહ્યો છું અને ડૉક્ટર્સ જે સલાહ આપે છે એનું પાલન કરી રહ્યો છું. હું પૉઝિટિવ છું અને એનો સામનો કરી રહ્યો છું.’
ઝોમૅટોના ડિલિવરી મૅન માટે ન્યાય માગી રહી છે પરિણીતી ચોપરા
ઝોમૅટોના ડિલિવરી મૅન દ્વારા કથિતરૂપે એક મહિલાની મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. એને જોતાં પરિણીતી ચોપડાએ સત્ય બહાર આવે એવી અપીલ કરી છે. બૅન્ગલોરમાં રહેતી એક મહિલાએ આરોપ કર્યો હતો કે તેના ઘરે ફૂડ ડિલિવર કરવા આવેલા ડિલિવરી મૅને તેના પર હુમલો કરીને તેને ઈજાગ્રસ્ત કરી છે. જોકે આ ઘટના બાદ એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને ઝોમૅટો તે મહિલાની સારવારનો ખર્ચ ઉઠાવી રહી છે. તે ડિલિવરી મૅનનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘સત્યની તપાસ કરો. જો આ માણસને નાહક ફસાવવામાં આવતો હોય તો તેના પર આરોપ લગાવનારી મહિલાએ ભોગવવાનું આવશે. ઝોમૅટો ઇન્ડિયા સત્ય જાણો અને એ રિપોર્ટને જાહેર કરો. જો એ વ્યક્તિ નિર્દોષ હોય (એવું મને લાગી રહ્યું છે) તો તે મહિલાને દંડ થવો જોઈએ. આ ખરેખર અમાનવીય, શરમજનક અને હચમચાવનારું છે. મને જણાવો કે આ દિશામાં હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું.’
બીજી વાર પપ્પા બનશે હરભજન
ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ બીજી વાર પપ્પા બનવાનો છે. આ વાતની જાણકારી તેની પત્ની ગીતા બસરાએ પોતાના જન્મદિવસના બીજા દિવસે આપી હતી. ગીતાએ ૨૦૧૬ની ૨૭મી જુલાઈએ પહેલા સંતાનને જન્મ આપ્યો હતો. ગીતાએ પોતાની દીકરી હિનાયા અને પતિ હરભજન સિંહ સાથેનો એક ફોટો શૅર કરી આ વાતની જાણકારી આપી હતી. આ ફોટોમાં હિનાયાના હાથમાં કાળા રંગનું એક ટી-શર્ટ છે જેના પર લખ્યું છે કે તે જલદી મોટી બહેન બનવાની છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગીતાએ કૅપ્શન આપી હતી કે ૨૦૨૧ના જુલાઈમાં આવશે.
બીજી આંખના મોતિયાના ઑપરેશન બાદ અમિતાભ બચ્ચન એકદમ સ્વસ્થ છે
અમિતાભ બચ્ચનની બીજી આંખનું મોતિયાનું ઑપરેશન પણ ગઈ કાલે કરવામાં આવ્યુ હતું. ઑપરેશન બાદ તેઓ એકદમ સ્વસ્થ છે. આ માહિતી તેમનું ઑપરેશન કરનાર ડૉક્ટર હિમાંશુ મહેતાએ આપી છે. જુહુસ્થિત વિઝન આઇ સેન્ટરમાં ડૉક્ટર હિમાંશુ મહેતાએ ૭૯ વર્ષના અમિતાભ બચ્ચનની આંખનું મોતિયાનું ઑપરેશન કર્યું હતું. આ અગાઉ ૧૫ દિવસ પહેલાં પણ તેમની એક આંખનું ઑપરેશન ડૉક્ટર મહેતાએ કર્યું હતું. ડૉક્ટર મહેતાએ ૧૫ વર્ષ અગાઉ અમિતાભ બચ્ચનનાં માતા તેજી બચ્ચન અને પાંચ વર્ષ પહેલાં જયા બચ્ચનની આંખનું ઑપરેશન પણ કર્યું હતું. મોતિયાના ઑપરેશન બાદ અમિતાભ બચ્ચનની હેલ્થ વિશેની માહિતી આપતાં ડૉક્ટર હિમાંશુ મહેતાએ કહ્યું હતું કે ‘અમિતાભ બચ્ચન સ્વસ્થ છે. તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.’
નૅશનલ અવૉર્ડ વિજેતા ડિરેક્ટર એસ. પી. જનનાથનનું નિધન
નૅશનલ અવૉર્ડ વિજેતા તામિલ ફિલ્મ ડિરેક્ટર એસ. પી. જનનાથનનું ગઈ કાલે કાર્ડિઍક અરેસ્ટને કારણે અવસાન થયું છે. તેઓ ગુરુવારે તેમના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. બાદમાં તેમને ચેન્નઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું ૬૧ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે હાલમાં જ વિજય સેતુપતિ અને શ્રુતિ હાસનની ‘લાબમ’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ૧૯૫૯ની ૭ મેના જન્મેલા જનનાથને તામિલ ફિલ્મ ‘ઈયાર્કઈ’ બનાવી હતી અને આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ફીચર ફિલ્મનો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. તેમના અવસાનના સમાચાર મળતાં જ તેમની ફૅમિલી અને ફ્રેન્ડ્સે સોશ્યલ મીડિયા પર શોકસંદેશ મોકલ્યા હતા.
સલમાન ખાન સાથે કામ કરવાનું મારું હંમેશાં સપનું રહ્યું છે : ઇમરાન હાશમી
ઇમરાન હાશમીએ જણાવ્યું છે કે તેનું સલમાન ખાન સાથે કામ કરવાનું હંમેશાંથી સપનું રહ્યું છે. તે સલમાનની ‘ટાઇગર 3’માં જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મમાં કૅટરિના કૈફ જાસૂસ ઝોયાના રોલમાં જોવા મળશે તો વિલનના રોલ માટે કદાચ ઇમરાન દેખાશે. તેણે હજી સુધી ફિલ્મ સાઇન નથી કરી. જો આ ફિલ્મ ઇમરાનને મળશે તો આ પહેલી વખત હશે કે તે સલમાન અને કૅટરિના સાથે કામ કરતો જોવા મળશે. યશ રાજ ફિલ્મ્સ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. સલમાન સાથે કામ કરવા માટે આતુર ઇમરાને કહ્યું હતું કે ‘મને આ ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવું ગમશે. સલમાન સાથે કામ કરવા માટે પણ ઉત્સાહિત છું. તેમની સાથે કામ કરવાનું મારું સપનું છે. આશા છે કે આ સપનું પૂરું થાય.’
નેટફ્લિક્સ , રવીના ટંડન અને તેનાં બાળકોની ખુશી...
‘મોહરા’, ‘અંદાઝ અપના અપના’, ‘લાડલા’, ‘દુલ્હેરાજા’ ફેમ રવીના ટંડન નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ ‘અરણ્યક’થી ડિજિટલ ડેબ્યુ કરવાની છે અને આ વિશે રવીના કરતાં તેનાં બાળકો વધુ ઉત્સાહી છે. છેલ્લે ૨૦૧૭માં થ્રિલર ફિલ્મ ‘માત્ર’માં જોવા મળેલી રવીના ‘અરણ્યક’માં પોલીસ-ઑફિસર કસ્તુરી ડોગરાનો રોલ કરી રહી છે. ‘અરણ્યક’ સુપરનૅચરલ થ્રિલર છે જેમાં એક ફૉરેનર પ્રવાસી ગુમ થયા બાદ રહસ્યમય ઘટના બને છે.

