સની દેઓલે ગરમીમાં વધુ ટેમ્પરેચર વધાર્યું; મેકઅપ આર્ટિસ્ટ બની પ્રિયંકાની દીકરી અને વધુ સમાચાર
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વરુણ ધવન અને તેની વાઇફ નતાશા દલાલ સોમવારે દીકરીના પેરન્ટ્સ બન્યાં છે. ગઈ કાલે નતાશાને હિન્દુજા હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે. એનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં વરુણે દીકરીને હાથમાં ઉઠાવી રાખી છે. પેરન્ટ્સ બનવાની ખુશી વરુણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. સૌએ તેમને શુભેચ્છાઓ આપી હતી.
સની દેઓલે ગરમીમાં વધુ ટેમ્પરેચર વધાર્યું
ADVERTISEMENT
સની દેઓલે તેનો નવો લુક જાહેર કર્યો છે. હાલમાં ગરમી ખૂબ જ વધુ પડી રહી છે અને સની દેઓલના નવા લુકને કારણે તેણે માહોલ વધુ ગરમ કરી નાખ્યો છે. તેણે ‘ગદર 2’ના ડાયલૉગ દ્વારા તેના સમર લુકને શૅર કર્યો હતો. આ ફોટોમાં તે ટૉપલેસ છે. ફોટો શૅર કરી સનીએ કૅપ્શન આપી હતી કે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા. નવો સમર લુક શૅર કરી રહ્યો છું.’
સેલ્ફી-ગેમ
સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની ટ્રાવેલ-ડાયરી શૅર કરી છે. તેણે પોતાનો ફોટો શૅર કર્યો છે. જોકે એ ફોટોમાં તેની વાઇફ કિયારા અડવાણી નથી દેખાતી. તે દરિયાની સામેની રેસ્ટોરાંમાં બેઠો છે. સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને તે દરિયાની સામે એકીટસે જોઈ રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પોતાના ફૅન્સને સવાલ કરતાં સિદ્ધાર્થે કૅપ્શન આપી, સેલ્ફી-ગેમ ઑન પૉઇન્ટ?
મેકઅપ આર્ટિસ્ટ બની પ્રિયંકાની દીકરી
પ્રિયંકા ચોપડા જોનસનો મેકઅપ તેની દીકરી માલતી મૅરી કરતી જોવા મળી રહી છે. તે હાલમાં ઑસ્ટ્રેલિયામાં હૉલીવુડની ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી છે. ગઈ કાલે ડૉટર્સ ડે હોવાથી પ્રિયંકાએ તેની દીકરીનો મેકઅપ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.
બર્થ-ડે હોવાથી તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં એકતા કપૂરે
એકતા કપૂર ગઈ કાલે ૪૯ વર્ષની થઈ ગઈ છે. બર્થ-ડે હોવાથી તે તિરુપતિ બાલાજીના મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા પહોંચી હતી. તેના પ્રોડક્શન-હાઉસનું નામ પણ બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ છે. ટેલિવિઝન અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેના કામથી તે ખૂબ ફેમસ છે. મંદિરની બહારની એક નાનકડી ઝલક તેણે શૅર કરી હતી. એમાં દેખાય છે કે તે બર્થ-ડે કેક કટ કરે છે. મંદિરની બહારની ઝલક દેખાડતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એકતા કપૂરે કૅપ્શન આપી, ‘વેન્કટરામન ગોવિંદા. સૌને હું પછીથી મેસેજ કરીશ. તમારા પ્રેમ માટે આભાર.’