સુશાંતની ડેથ-ઍનિવર્સરી નજીક હોવાથી કેદારનાથ ગઈ તેની બહેન; મમ્મી સ્મિતા પાટીલની કાંજીવરમ સાડીમાંથી સૂટ સિવડાવ્યો પ્રતીક બબ્બરે અને વધુ સમાચાર
ફાઇલ તસવીર
સલમાન ખાનની એક મહિલા ફૅનને પનવેલ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવી હતી. દિલ્હીની ૨૪ વર્ષની છોકરી એકલી તેના ફાર્મ-હાઉસની બહાર જઈને ધમાલ કરવા લાગી હતી. સલમાન હાજર નહોતો, પરંતુ ગામના લોકોએ તેને સમજાવી હતી. જોકે તે નહોતી સમજી અને સતત ધમાલ કરતી હોવાથી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે સમજાવ્યા પછી પણ તે નહોતી સમજી અને સતત લગ્ન કરવાની જ વાત કરી રહી હતી. પોલીસે તેને સોશ્યલ ઍન્ડ ઇવાન્જેલિકલ અસોસિએશન ફૉર લવ નામની સંસ્થાને સોંપી દીધી હતી. દિલ્હીથી તેના પેરન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા. આઠ દિવસના કાઉન્સેલિંગ બાદ એ છોકરીને રજા આપવામાં આવી હતી.
મમ્મી સ્મિતા પાટીલની કાંજીવરમ સાડીમાંથી સૂટ સિવડાવ્યો પ્રતીક બબ્બરે
ADVERTISEMENT
પ્રતીક બબ્બરે મમ્મી સ્મિતા પાટીલની કાંજીવરમ સાડીમાંથી સૂટ સિવડાવ્યો છે. તે હાલમાં જ ફ્રાન્સમાં કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં સ્મિતા પાટીલની ફિલ્મ ‘મંથન’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ગયો હતો. એ દરમ્યાન તેણે જે સૂટ પહેર્યો હતો એને ફૅશન-ડિઝાઇનર રાહુલ વિજયે ડિઝાઇન કર્યો હતો. રાહુલે ઇન્સ્ટાગ્રામ પર પ્રતીકનો ફોટો શૅર કરીને માહિતી આપી હતી કે તેમણે આ સૂટ સ્મિતા પાટીલની સાડીમાંથી બનાવ્યો હતો. આ સૂટ તેમણે ફક્ત ૪૮ કલાકમાં તૈયાર કર્યો હતો. તેમના માટે પણ આ આશ્ચર્યની વાત હતી કે તેમણે રેકૉર્ડ બ્રેક ટાઇમમાં સૂટ તૈયાર કર્યો હતો. તેમ જ સાડીમાંથી મેન્સવેઅર બનાવવો એ પણ એક ચૅલેન્જ હતી.
જવાનના ડિરેક્ટરને ઍરપોર્ટ સિક્યૉરિટીએ અટકાવતાં સલમાન ખાન આવ્યો મદદે
મુંબઈ ઍરપોર્ટ ‘જવાન’ના ડિરેક્ટર ઍટલીને અટકાવતાં સલમાન ખાન મદદ આવ્યો હતો. સોશ્યલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં સિક્યૉરિટી ગાર્ડ ઍટલીને અટકાવતો જોવા મળી રહ્યો છે. તેઓ પ્રાઇવેટ ઍરપોર્ટ પરથી ઇટલી અનંત અંબાણીની ઇવેન્ટમાં જઈ રહ્યા હતા ત્યારે સલમાનની સિક્યૉરિટીને કારણે ઍટલીને અટકાવવામાં આવ્યો હતો જેથી સલમાન પહેલાં જઈ શકે. જોકે સલમાને તરત જ વચ્ચે આવી સિક્યૉરિટીને કહ્યું હતું કે ઍટલી તેની સાથે જ આવી રહ્યો છે. ત્યાર બાદ સલમાન અને ઍટલી બન્ને હસતા જોવા મળ્યા હતા.
સુશાંતની ડેથ-ઍનિવર્સરી નજીક હોવાથી કેદારનાથ ગઈ તેની બહેન
સુશાંત સિંહ રાજપૂતની બહેન તેનો ભાઈ તેની આસપાસ હોય એ અહેસાસ કરવા માટે કેદારનાથ ગઈ છે. સુશાંત ૨૦૨૦ની ૧૪ જૂને તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે સુસાઇડ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એ વિશે હજી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન તપાસ કરી રહ્યું છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો શૅર કર્યા હતા. સુશાંતે જે જગ્યા પર મેડિટેશન કર્યું હતું ત્યાં જ તેણે પણ કર્યું હતું. તેમ જ સુશાંત જે સાધુને મળ્યો હતો એ જ સાધુને શ્વેતા પણ મળવા ગઈ હતી. કેદારનાથની મુલાકાત બાદ શ્વેતાને અહેસાસ થયો કે તેનો ભાઈ હજી પણ તેની અંદર જીવી રહ્યો છે અને તે સાથ છોડીને ક્યારેય નથી ગયો.
રજનીકાન્તની ધાર્મિક યાત્રા પૂરી થયા બાદ ઉત્તરાખંડ પોલીસે તેમને કર્યા સન્માનિત
રજનીકાન્ત કેદારનાથ અને બદરીનાથની યાત્રા પર નીકળ્યા હતા. તેમની આ યાત્રા બાદ ઉત્તરાખંડ પોલીસે તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું અને તેમને સન્માનિત પણ કર્યા હતા. દેહરાદૂન પહોંચ્યા બાદ રજનીકાન્ત કહે છે, ‘દર વર્ષે મને નવો અનુભવ થાય છે એને કારણે હું વારંવાર ધાર્મિક યાત્રા પર ઊપડી જાઉં છું. આ વર્ષે પણ મને અનોખો અનુભવ થયો છે.’ રજનીકાન્તને સન્માનિત કરતો ફોટો ઉત્તરાખંડ પોલીસે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કરીને લખ્યું કે ‘ભારતીય ફિલ્મ જગતના પ્રસિદ્ધ અભિનેતા રજનીકાન્તજીનું દેવભૂમિ પર આગમન થતાં તેમનું સ્વાગત કરીએ છીએ. શ્રી બદરીનાથ ધામનાં દર્શન કરીને તેઓ અભિભૂત થયા છે. તેમણે જનકલ્યાણ અને દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે.’
પ્યાર હો તો ઐસા
જાહ્નવી કપૂરનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે તેના બૉયફ્રેન્ડને ખવડાવતી જોવા મળી રહી છે. તે હાલમાં યુરોપમાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ક્રૂઝ પાર્ટીમાં હાજરી આપવા માટે તે તેના બૉયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ગઈ હતી. આ પાર્ટીમાં ઑપેરા સિંગર ઍન્ડ્રિયા બોસેલી પર્ફોર્મ કરી રહ્યો હતો ત્યારે જાહ્નવી ત્યાં ભોજનની મજા માણી રહી હતી. આ વિડિયો વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પર તેમને જલદી લગ્ન કરવા માટે લોકો કહી રહ્યા છે.
શાહરુખની કિંગનો નહીં, નેટફ્લિક્સના શોનો ફોટો થયો છે વાઇરલ
શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે સ્પેનમાં શૂટિંગ કરી રહ્યો હોવાની અફવા છે. હાલમાં જ એક ફોટો વાઇરલ થયો છે જેમાં તે એક ગ્રુપમાં બેઠો હોવાની ચર્ચા છે. આ ફોટોમાં તે બ્લુ કોટ અને વાઇટ પૅન્ટમાં જોવા મળી રહ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આ ફોટો સુજૉય ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ફિલ્મનો નથી. ૨૦૨૦માં નેટફ્લિક્સ પર બ્રિટિશ-સ્પૅનિશ મિસ્ટરી થ્રિલર શો ‘વાઇટ લાઇન્સ’ રિલીઝ થયો હતો. આ શોનું પાત્ર માર્કસ તેના ફ્રેન્ડ્સ સાથે માફિયા બૉસ ઓરિયોલને મળવા જાય છે. આ ફોટો એ દૃશ્યનો છે, નહીં કે શાહરુખની ફિલ્મનો.
મમ્મી સાથે ફરી ડિનર-ડેટ પર નીકળી દીપિકા
દીપિકા પાદુકોણ ફરી એક વખત તેની મમ્મી ઉજ્જલા પાદુકોણ સાથે શનિવારે રાતે મુંબઈની રેસ્ટોરાંમાં ડિનર કરવા પહોંચી હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ફ્લોરલ ટૉપમાં દીપિકાના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાય છે. તેને જોઈને લોકો તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા. શુક્રવારે રાતે પણ તે બહાર ડિનર કરવા ગઈ હતી. દીપિકાનો હસબન્ડ રણવીર સિંહ ઇટલીમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનને એન્જૉય કરી રહ્યો છે.
પાર્ટી તો બનતી હૈ
ઇટલી બાદ ફ્રાન્સમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં સેલિબ્રિટીઝ ખૂબ એન્જૉય કરી રહી છે. એના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય છે તો કેટલીક સેલિબ્રિટીઝ એ પાર્ટીના ફોટો શૅર કરે છે. ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથેનો ફોટો સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. તો બીજી તરફ બેસ્ટીઝ શનાયા કપૂર, સુહાના ખાન અને અનન્યા પાંડે પણ આ ઇવેન્ટને એન્જૉય કરતી જોવા મળી હતી. એનો ફોટો શનાયાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.
સાઉથની ફિલ્મમાં કામ કરીને મમ્મીની નજીક હોવાનો અહેસાસ થાય છે જાહ્નવીને
જાહ્નવી કપૂર સાઉથની ફિલ્મ ‘દેવરા’માં જુનિયર NTR સાથે દેખાવાની છે. આ ફિલ્મ દસ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે. જાહ્નવીની મમ્મી શ્રીદેવીએ અનેક સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કર્યું છે. એથી સાઉથની ફિલ્મમાં કામ કરીને મમ્મીની નજીક હોવાનો અહેસાસ જાહ્નવીને થાય છે. ૨૦૧૮માં દુબઈમાં શ્રીદેવીનું અવસાન થયું હતું. સાઉથમાં કામ કરવા વિશે જાહ્નવી કહે છે, ‘સાઉથનું આ વાતાવરણ, એ વિશે સાંભળવું અને એ ભાષામાં વાત કરવાનું મને ક્યાંક ને ક્યાંક મારી મમ્મીની નજીક હોવાનો અહેસાસ અપાવે છે. મમ્મીએ NTR સર અને રામચરણ સરના પરિવાર સાથે કામ કર્યું હતું. એથી મારા માટે પણ સન્માનની વાત છે કે મને અતિશય ટૅલન્ટેડ ઍક્ટર્સ સાથે કામ કરવાની તક મળી છે.’
દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી મિસ્ટર & મિસિસ માહી
જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘મિસ્ટર & મિસિસ માહી’એ પહેલા દિવસ કરતાં બીજા દિવસે ઓછો વકરો કર્યો છે. શુક્રવારે આ ફિલ્મે ૬.૮૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. પહેલા દિવસ કરતાં બીજા દિવસે ઓછો બિઝનેસ થયો છે અને એ ફક્ત ૪.૫૦ કરોડની સાથે ટોટલ ૧૧.૩૫ કરોડ રૂપિયા છે. આ ફિલ્મ ક્રિકેટની આસપાસ ફરે છે. આ ફિલ્મ ખાસ કરીને મહિલાઓને ક્રિકેટ રમવાના તેમના સપનાને પ્રેરિત કરશે એવી આશા હતી. જોકે આ ફિલ્મને જોઈએ એવો બિઝનેસ નથી મળ્યો. પહેલા વીક-એન્ડમાં ફિલ્મ કેવો બિઝનેસ કરે છે એ જોવું રહ્યું.

