ફોટોગ્રાફરનો ફોન કેમ ઝૂંટવી લીધો વરુણે?; નેપાલની સુંદરતાથી મોહિત થઈ તારા સુતરિયા અને વધુ સમાચાર
અમ્રિતા રાવ
અક્ષયકુમાર અને અર્શદ વારસી ‘જૉલી LLB 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સંધ્યાના રોલમાં અમ્રિતા રાવ દેખાવાની છે. ફિલ્મમાં સૌરભ શુક્લા અને હુમા કુરેશી પણ જોવા મળશે. આ કોર્ટરૂમ ડ્રામાની ફિલ્મમાં લોકોને મનોરંજન પણ ભરપૂર મળવાનું છે. અર્શદની વાઇફનો રોલ કરવાની છે અમ્રિતા. રાજસ્થાનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. એવું જાણવા મળ્યું છે કે લોકેશન સુધી કોઈ વાહન જઈ શકે એમ નહોતું એથી સૌએ ત્યાં સુધી ચાલીને જવું પડતું હતું. હાલમાં ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. ત્યાર બાદ દિલ્હીમાં શૂટિંગ કરવામાં આવશે. ભારતીય ન્યાયપ્રણાલીની આસપાસ આ ફિલ્મની સ્ટોરી ફરવાની છે. આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થવાની છે.
ફોટોગ્રાફરનો ફોન કેમ ઝૂંટવી લીધો વરુણે?
ADVERTISEMENT
વરુણ ધવન ગઈ કાલે જિમમાંથી બહાર નીકળતાં ફોટોગ્રાફર્સ તેને કૅમેરામાં કેદ કરવા માટે આતુર બન્યા હતા. એ જ વખતે વરુણે એક ફોટોગ્રાફરનો મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. સાથે જ તેની સાથે વરુણ મસ્તીના મૂડમાં દેખાયો હતો. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે એક ફોટોગ્રાફર ફોન પર વાત કરવામાં બિઝી છે. એથી વરુણ તેને કહે છે તૂ બાત કર લે યા ફોટો ખીંચ લે. બાદમાં વરુણ તેના હાથમાંથી ફોન ખેંચી લે છે અને વાત કરવા માંડે છે. પછી તે ફોટોગ્રાફરને ફોન આપીને જતો રહે છે. વરુણના આવા મજાકિયા વર્તનથી સૌકોઈ હસવા માંડે છે.
પ્રેગ્નન્સીની અફવા વચ્ચે લંડનથી મુંબઈ પાછી ફરી કૅટરિના કૈફ
કૅટરિના કૈફ થોડા સમયથી લંડનમાં રોકાઈ હતી. હવે તે શનિવારે રાતે મુંબઈ પાછી ફરી છે. સોશ્યલ મીડિયામાં તેનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં તે તેના હસબન્ડ વિકી કૌશલ સાથે ફરતી દેખાતી હતી. સાથે જ તે પ્રેગ્નન્ટ હોવાની પણ અફવા ફેલાઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે તે લંડનમાં બાળકને જન્મ આપવાની છે. એથી તે ત્યાં રોકાઈ છે. જોકે બન્નેમાંથી કોઈએ એ વિશે માહિતી નથી આપી. વિકીએ મેમાં તેનો બર્થ-ડે લંડનમાં વાઇફ કૅટરિના સાથે સેલિબ્રેટ કર્યો હતો.
બીચ-વેકેશન પસંદ છે કરિશ્મા તન્નાને
કરિશ્મા તન્નાને બીચ-વેકેશન ખૂબ જ પસંદ છે. તે હાલમાં યુરોપમાં વેકેશન માણી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં મોટા ભાગના ફોટો દરિયાકિનારાના છે. તે સ્પેનમાં વેકેશનની મજા માણી રહી છે. ફોટો શૅર કરીને કરિશ્માએ લખ્યું હતું કે મને શોધવી હોય તો દરિયા પાસે આવવું.
નેપાલની સુંદરતાથી મોહિત થઈ તારા સુતરિયા
તારા સુતરિયા હાલમાં નેપાલની યાત્રાએ પહોંચી છે. ત્યાંના પશુપતિનાથના મંદિરે તે દર્શન કરવા ગઈ હતી. સાથે જ એ દેશની વાસ્તુકળા અને સંસ્કૃતિથી તે પ્રભાવિત થઈ છે. નેપાલની યાત્રાની ઝલક તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. મંદિરની બહાર તે હાથ જોડીને ઊભી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તારાએ કૅપ્શન આપી, ‘નેપાલમાં સવારે પ્રાર્થના કરી હતી. લાઇફમાં શાંતિ અને જે પ્રેમ મળ્યાં છે એ બદલ હું મારી ટીમ સાથે ભગવાનનો આભાર માનવા આવી હતી. પશુપતિનાથ મંદિરની ઊર્જા પાવન છે. અમે નસીબદાર છીએ કે એનો અનુભવ કરવા મળ્યો.’
બર્થ-ડે પર હસબન્ડ તરફથી રવીન્દ્રનાથ ટાગોરની બુક મેળવીને ભાવુક થઈ સોનમ
સોનમ કપૂર આહુજાનો ગઈ કાલે બર્થ-ડે હતો અને હસબન્ડ આનંદ એસ. આહુજાએ આપેલી ગિફ્ટથી તે ઇમોશનલ થઈ હતી. સોનમને તેના હસબન્ડે નોબેલ પુરસ્કૃત રવીન્દ્રનાથ ટાગોરની યાદગાર બુક ‘ગીતાંજલિ’ની પહેલી એડિશન ભેટ તરીકે આપી છે. આ બુક ૧૯૧૦માં પબ્લિશ થઈ હતી. એમાં કવિતાનો સંગ્રહ છે. એ બુકને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી, ‘મારા અદ્ભુત હસબન્ડે બર્થ-ડે પ્રેઝન્ટ તરીકે રવીન્દ્રનાથ ટાગોરની બુક ‘ગીતાંજલિ’ની પહેલી એડિશન આપી છે. એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવામાં આવી છે. થૅન્ક યુ આનંદ આહુજા. મને એ નથી ખબર કે મેં એવું તે શું કર્યું છે કે હું આ બુકને યોગ્ય છું.’
ભાઈ સાથે કેવી ફિલ્મ કરવી છે અપારશક્તિને?
આયુષમાન ખુરાના સાથે કામ કરવા આતુર છે તેનો ભાઈ અપારશક્તિ ખુરાના, પણ એને માટે તેની એક શરત છે. તેનું માનવું છે કે તેના માટે સ્ક્રિપ્ટ પણ સ્પેશ્યલ હોવી જોઈએ. ફિલ્મોની હટકે ચૉઇસ માટે આયુષમાન જાણીતો છે. તેની ફિલ્મો લોકોને ભરપૂર મનોરંજન આપે છે. આ જ કારણ છે કે અપારશક્તિની ઇચ્છા છે કે તેને મ્યુઝિક કાં તો સ્પોર્ટ્સ સંબંધિત ફિલ્મમાં સાથે કાસ્ટ કરવામાં આવે. તદુપરાંત અપારશક્તિનું એવું પણ કહેવું છે કે અમને બન્ને ભાઈઓને ‘જો જીતા વહી સિકંદર’ જેવી ફિલ્મોમાં કામ કરવાની તક મળે.
ગુમ હૈ કિસી કે પ્યાર મેં છોડવા વિશે ભાવિકા શર્માએ કહ્યું... હું શો નથી છોડી રહી
‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની ટીમ સાથે મતભેદ થવાથી ભાવિકા શર્મા શો છોડી રહી હોવાની ચર્ચા હતી. જોકે હવે તે આ શો નથી છોડી રહી. સ્ટાર પ્લસ પર આવતા આ શોમાં શક્તિ અરોરાને રિપ્લેસ કરવાની સાથે ભાવિકાને પણ બદલવામાં આવશે એવી ચર્ચા ચાલી હતી. આ વિશે પૂછતાં ભાવિકા કહે છે, ‘ના, એવું કંઈ નથી. મને શોમાં રાખવામાં આવી છે. હું શો નથી છોડી રહી. આ ખોટી વાત છે. આવું કંઈ નથી થઈ રહ્યું. અમે આ વિશે ચર્ચા કરી હતી અને એ ખૂબ જ સારી રહી હતી. અત્યાર સુધી તો આવી કોઈ વાત નથી.’

