ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ની જાહેરાત કરી પરેશ રાવલ; હૉરર ફિલ્મો ડિરેક્ટ કરવાનું અઘરું લાગે છે રાશિ ખન્નાને અને વધુ સમાચાર
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તેઓ પોતાના ફૅન્સને વિવિધ સલાહ આપે છે અને સાથે જ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક બાબતો પણ શૅર કરે છે. ૮૧ વર્ષના અમિતાભ બચ્ચન હજી પણ ફિલ્મોમાં ઍક્ટિવ છે. તો સાથે જ ગેમ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ દ્વારા લોકોને કરોડપતિ પણ બનાવે છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર અમિતાભ બચ્ચને લખ્યું કે ‘સોશ્યલ મીડિયા એક બાર દેખના શુરુ કરો તો સમય કા પતા હીં નહીં ચલતા.’ અમિતાભ બચ્ચને કોઈ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જોકે તેમણે કોઈ ફિલ્મ, ઍડ કે પછી શોનું શૂટિંગ શરૂ કર્યું છે એની માહિતી નથી મળી શકી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી, ‘કામ પર છું, થોડો ફૉર્મલ, થોડો વ્યસ્ત. સૌની સાથે આ શૅર કરવા માગું છું અને આવી રીતે કામ કન્ટિન્યુ કરું છું અને કરવું પણ જોઈએ.’
બર્થ-ડે નિમિત્તે નવી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ની જાહેરાત કરી પરેશ રાવલ
ADVERTISEMENT
પરેશ રાવલનો આજે ૬૯મો બર્થ-ડે છે. એ નિમિત્તે તેમણે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તેમની સાથે અન્ય કોણ ઍક્ટર્સ હશે એ જાણવા નથી મળ્યું. ‘ધ તાજ સ્ટોરી’માં તાજ મહલના ઇતિહાસ અને મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવશે. એની જાહેરાત કરતાં સોશ્યલ મીડિયામાં સૌકોઈ તેમને શુભેચ્છા આપવા લાગ્યા છે. ફિલ્મની જાહેરાત સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરતાં પરેશ રાવલે લખ્યું કે ‘મારી આગામી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ની અનાઉન્સમેન્ટ કરું છું. એનું શૂટિંગ આ વર્ષે વીસમી જુલાઈએ કરવામાં આવશે.’
ફૅન્સને શું સલાહ આપી કાર્તિકે?
કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ને લઈને ખૂબ એક્સાઇટેડ છે. એને સંબંધિત માહિતીઓ તે સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. આ ફિલ્મ ૧૪ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મના પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે કાર્તિકે એક વર્ષ સુધી મીઠી વસ્તુઓ ખાવાનું બંધ કર્યું હતું. આ ફિલ્મ રિયલ લાઇફ પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર કાર્તિકના હોમટાઉન ગ્વાલિયરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે એનું ગીત ‘તૂ હૈ ચૅમ્પિયન’ આજે રિલીઝ થઈ રહ્યું છે. એ ગીત સાથે કાર્તિક એક મેસેજ પણ આપી રહ્યો છે. ગીતની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી, ‘પોતાની જાત પર ભરોસો કરો. આજે ગીત ‘તૂ હૈ ચૅમ્પિયન’ રિલીઝ થવાનું છે.’
અનુષ્કા શર્માની આ નાનકડી હૅન્ડબૅગની કિંમત ખબર છે તમને?
અનુષ્કા શર્મા હાલમાં જ તેના ક્રિકેટર હસબન્ડ વિરાટ કોહલી સાથે ડિનર-ડેટ પર ગઈ હતી. એ દરમ્યાન તેના હાથમાં બ્લૅક કલરની એક નાનકડી સ્ટાઇલિશ હૅન્ડબૅગ દેખાઈ હતી. ગૅબ્રિએલા હિયર્સ્ટ નીના બૅગ બ્રૅન્ડની આ બૅગની કિંમત અંદાજે ૨.૩ લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ કંપની એનું લિમિટેડ પ્રોડક્શન કરે છે અને સ્પેશ્યલ ઑર્ડર મુજબ બનાવી આપે છે. આ જ બાબત એ હૅન્ડબૅગને અનોખી અને અણમોલ બનાવે છે. આ હૅન્ડબૅગ બ્રિટિશ રૉયલ્સ અને હૉલીવુડ સ્ટાર્સની પણ ફેવરિટ છે.
હૉરર ફિલ્મો ડિરેક્ટ કરવાનું અઘરું લાગે છે રાશિ ખન્નાને
રાશિ ખન્નાનું માનવું છે કે હૉરર ફિલ્મોને ડિરેક્ટ કરવાનું અઘરું છે. રાશિ છેલ્લે ‘યોદ્ધા’માં દેખાઈ હતી. તે હવે ‘ધ સાબરમતી રિપોર્ટ’માં પણ દેખાવાની છે. તેણે ૨૦૧૩માં આવેલી ‘મદ્રાસ કૅફે’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. તેની ‘અરણમનઈ 4’ આવતી કાલે રિલીઝ થવાની છે. આ એક હૉરર-કૉમેડી ફિલ્મ છે. એમાં રાશિની સાથે તમન્ના ભાટિયા પણ જોવા મળવાની છે. હૉરર ફિલ્મો વિશે રાશિ કહે છે, ‘મને હૉરર ફિલ્મો જોવી ગમે છે. એથી મેં પહેલી વખત ‘અરણમનઈ 3’ જોઈ હતી. હૉરર ફિલ્મોમાં કામ કરવું અઘરું નથી પરંતુ એને ડિરેક્ટ કરવી અઘરી છે. ‘અરણમનઈ 4’માં મારા અને તમન્ના સિવાય અદ્ભુત કૉમેડિયન્સ જોવા મળશે, જેમણે ફિલ્મમાં અમેઝિંગ કામ કર્યું છે.’

