બજરંગી ભાઈજાન 2ને ઍડ્વેન્ચર્સ ઑફ બજરંગી બનાવવા માગે છે કબીર ખાન; નેટફ્લિક્સની ફિલ્મ હમ તુમ મકતૂબમાં કામ કરશે રુબીના અને વધુ સમાચાર
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાને બુક વાંચવી ખૂબ જ પસંદ છે. રશ્મિકા મંદાના તેની ફિલ્મો અને રિલેશનશિપને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. તે હવે ‘પુષ્પા : ધ રૂલ’માં જોવા મળવાની છે. રશ્મિકાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં ઍના હુઆન્ગની બુક ‘કિંગ ઑફ રૉથ’ જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરીને રશ્મિકાએ કૅપ્શન આપી હતી કે ‘તમે એક વાર વાંચવાનું શરૂ કરો પછી ક્યારેય અટકી નહીં શકો. આ મારી સાતમી બુક છે અને એને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું.’
આજે ફરીથી રિલીઝ થઈ રહી છે ઝોયાની ઝિંદગી ના મિલેગી દોબારા
ADVERTISEMENT
ફિલ્મમેકર ઝોયા અખ્તરની પંદર વર્ષની જર્નીને સેલિબ્રેટ કરતા જુહુના PVR Inoxએ PVR Inox Lido લૉન્ચ કર્યું છે. એના અંતર્ગત તેની કેટલીક ફિલ્મોને રી-રિલીઝ કરવામાં આવી રહી છે. ઝોયાએ ૨૦૦૯માં આવેલી ફિલ્મ ‘લક બાય ચાન્સ’થી ડિરેક્શનમાં ઝંપલાવ્યું હતું. PVR Inoxમાં આયોજિત ફિલ્મ-ફેસ્ટિવલ દરમ્યાન ઝોયાની ‘લક બાય ચાન્સ’, ‘દિલ ધડકને દો’, ‘ગલી બૉય’ અને ‘તલાશ’ને ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે. એ વિશે ઝોયા કહે છે, ‘મેં જ્યારે એ વિશે સાંભળ્યું તો હું એક્સાઇટેડ થઈ ગઈ હતી, કારણ કે મારી ફિલ્મો ફરી એક વખત થિયેટરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. એ ફિલ્મો મને ખૂબ પસંદ છે. આ ઇન્ડસ્ટ્રીમાં મારું દિલ પરોવાયેલું છે. મારે હવે બીજે ક્યાંય નથી જવું. આ જ મારું ઘર છે.’
બજરંગી ભાઈજાન 2ને ઍડ્વેન્ચર્સ ઑફ બજરંગી બનાવવા માગે છે કબીર ખાન
સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. એની સીક્વલ વિશે ડિરેક્ટર કબીર ખાનને સતત પૂછવામાં આવે છે. જોકે તેણે ચોખવટ કરી છે કે તેની પાસે સીક્વલની સ્ક્રિપ્ટ નથી. જોકે હા, તે બજરંગીને ઍડ્વેન્ચરસ બનાવવા માગે છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કરીના કપૂર ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને મુન્નીના રોલમાં હર્ષાલી મલ્હોત્રા જોવા મળ્યાં હતાં. સીક્વલ વિશે કબીર કહે છે, ‘બજરંગી એક આઇકૉનિક પાત્ર છે. દર્શકો મને હંમેશાં કહે છે કે તેઓ એ કૅરૅક્ટરને ફરીથી જોવા માગે છે. જો તમે મને પૂછશો કે ફિલ્મને લઈને સ્ક્રિપ્ટ લખાઈ છે તો હું ના કહીશ. આઇડિયા ઘણા છે. બજરંગીને આગળ લઈ જવા માટે અનેક દિલચસ્પ આઇડિયા છે. બજરંગી અને ચાંદ નવાબને ઍડ્વેન્ચરસ બનાવી શકાય છે.’
પપ્પાએ શીખવેલી કઈ વાતને હજી પણ નથી ભૂલ્યો સંજય દત્ત?
સંજય દત્ત પિતા સુનીલ દત્તની ૯૫મી બર્થ-ઍનિવર્સરીએ તેમને યાદ કરીને ઇમોશનલ થયો હતો. સુનીલ દત્તનો જન્મ ૧૯૨૯ની ૬ જૂને થયો હતો. તેમનું મૃત્યુ ૨૦૦૫ની ૨૫ મેએ હાર્ટ-અટૅકને કારણે થયું હતું. તેમના ફોટો શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ-ડે ડૅડ. હું તમને ખૂબ જ મિસ કરું છું અને તમને ખૂબ જ પ્રેમ કરું છું. વિન્રમ રહેવું અને હંમેશાં જરૂરિયાતમંદની મદદ કરવી અને આપણી માન્યતા વિશે તમે મને જે શીખવ્યું છે એ હું આજ સુધી કરતો આવ્યો છું અને હજી પણ કરતો રહીશ.’
યે ઇશ્ક હાયે...
કરીના કપૂર ખાને હાલમાં જ અબુ ધાબીમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. તે એક બ્રૅન્ડની પ્રમોશનલ ઇવેન્ટમાં ગઈ હતી. આ ઇવેન્ટનો તેનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તે પિન્ક સાડીમાં જોવા મળી રહી છે. આ ઇવેન્ટમાં તે ‘જબ વી મેટ’ના ગીત ‘યે ઇશ્ક હાયે...’ પર ડાન્સ કરતી જોવા મળી હતી.
તેજસ્વી અને કરણનો સન્ડે પરાઠાથી શરૂ થાય છે અને આઇસક્રીમથી પૂરો થાય છે
તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ઘણા સમયથી રિલેશનમાં છે. ૨૦૨૧માં ‘બિગ બૉસ 15’ના શોમાં આ બન્ને એકમેકની નજીક આવ્યાં હતાં. સન્ડેના દિવસે પેટ ભરીને ટેસ્ટી ફૂડ ખાવા વિશે કરણ કહે છે, ‘અમે રવિવારે જે ખાવાની ઇચ્છા હોય એ ખાઈએ છીએ. એની શરૂઆત આલૂ અથવા ગોબી પરાઠાથી થાય છે. ત્યાર બાદ બીજું કાંઈ ખાઈએ, પછી પીત્ઝા અને છેવટે આઇસક્રીમ ખાઈએ છીએ. આપણે ખુશહાલ જીવન જીવવા માટે પૈસા રળીએ છીએ. બસ, એટલું જ છે કે ફૂડ આપણને ખુશ રાખે છે.’
નેટફ્લિક્સની ફિલ્મ હમ તુમ મકતૂબમાં કામ કરશે રુબીના
રુબીના દિલૈક હવે નેટફ્લિક્સની ‘હમ તુમ મકતૂબ’માં પલાશ મુચ્છલ સાથે કામ કરશે. ટીવીમાં કામ કર્યા બાદ રુબીનાએ ‘અર્ધ’ દ્વારા ફિલ્મી કરીઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને પલાશ મુચ્છલે ડિરેક્ટ કરી હતી. સિંગર-ફિલ્મમેકર પલાશે જ ૨૦૨૦માં ‘અર્ધ’ને પણ ડિરેક્ટ કરી હતી. રુબીના અને પલાશ બીજી વાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. ફોટો શૅર કરીને રુબીનાએ કૅપ્શન આપી હતી કે ‘અમે ‘હમ તુમ મકતૂબ’માં ફરી સાથે કામ કરી રહ્યાં છીએ. આ નેટફ્લિક્સની ફિલ્મ છે.’

