ઑન-ઍર થશે તૂફાન
ઑન-ઍર થશે તૂફાન
ફરહાન અખ્તરની ‘તૂફાન’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૨૧ મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મને ‘ભાગ મિલ્ખા ભાગ’ના રાકેશ ઓમપ્રકાશ મેહરાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક કપૂર અને હુસેન દલાલ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર શૅર કરીને ફરહાને ટ્વીટ કર્યું હતું કે ‘તૂફાન હૂં છોટે, તેરા મૌસમ બિગાડ દૂંગા. ૧૨ માર્ચે બપોરે ૧૨ વાગ્યે ટીઝર રિલીઝ થશે. ૨૧ મેએ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિમીયર ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર થશે.’
ફરહાનની પ્રશંસા કરતાં રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કહ્યું હતું કે ‘તેની સારી બાબત એ છે કે તે તેના પાર્ટની ઍક્ટિંગ નથી કરતો, પરંતુ એને પૂરી રીતે જીવે છે. ‘તૂફાન’ની સ્ટોરી આપણને પ્રોત્સાહન અને પ્રેરણા આપશે કે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ અને આપણા સપનાને પૂરા કરવા માટે સતત પ્રયાસ કરીએ. વિશ્વના દર્શકોને અમારી ફિલ્મ દેખાડવા માટે અમે ઉત્સાહિત છીએ.’
પોતાનો અનુભવ શૅર કરતાં આ ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિધવાણીએ કહ્યું હતું કે ‘અમે સતત એવા નવા કન્સેપ્ટ માટે કામ કરવા માગતા હતા જે લોકોને મનોરંજનની સાથે જ પ્રેરણા પણ આપે. ‘તૂફાન’ દ્વારા અમે એક પ્રેરણાત્મક સ્પોર્ટ્સ-ડ્રામા દેખાડીશું. ફિલ્મની સ્ટોરી બૉક્સિંગ પર આધારિત છે, જેમાં દેખાડવામાં આવશે કે ડોંગરી વિસ્તારમાં રહેતો એક ગુંડો કઈ રીતે તેના જીવનમાં આવતા તમામ ઉતાર-ચડાવને મહાત આપીને સફળતા મેળવે છે.’
ફરહાનની સાથે અન્ય મોટી સેલિબ્રિટીઝ પણ તૈયાર છે ઑનલાઇન ડેબ્યુ માટે
ADVERTISEMENT
રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડીકેની ઍક્શન-થ્રિલર સિરીઝમાં શાહિદ કપૂર જોવા મળશે, જેનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. જોકે શાહિદ ભરપૂર ઍક્શનમાં જોવા મળશે.
સોનાક્ષી સિંહા પણ પોલીસના અવતાર દ્વારા તેનો ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. આ સિરીઝનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ એમાં વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ જોવા મળશે.
માધુરી દીક્ષિત નેને પણ ‘ફાઇન્ડિંગ અનામિકા’ દ્વારા તૈયારી કરી રહી છે. આ શો વિશે વધુ માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ એ નેટફ્લિક્સ માટે કામ કરી રહી છે. આ સિરીઝને કરિશ્મા કોહલી અને બિજોય નામ્બિયાર ડિરેક્ટ કરી રહ્યાં છે.
જુહી ચાવલાની પણ વેબ-સિરીઝની હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે જેનું વર્કિંગ ટાઇટલ ‘હશ હશ’ રાખવામાં આવ્યું છે. આ સિરીઝમાં કાસ્ટ અને ક્રૂ તમામ મહિલાઓ હશે. આ શો દ્વારા આયેશા ઝુલકા પણ ડેબ્યુ કરી રહી છે.
રવીન ટંડન પણ ‘અરણ્યક’ દ્વારા એન્ટ્રી કરી રહી છે. એમાં તે કસ્તુરી દુર્ગાનું પાત્ર ભજવી રહી છે જે એક પોલીસ હોય છે. આ સિરીઝને વિનય વ્યાકુલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.

