લાઇફમાં એક તબક્કો એવો પણ આવ્યો જ્યારે પૈસા માટે ફિલ્મોમાં કામ કર્યું
અનિલ કપૂર
અનિલ કપૂરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેની લાઇફમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેણે માત્ર પૈસા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. એ વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘કરીઅરની શરૂઆતમાં મારો પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. એથી માત્ર પૈસા ખાતર મેં કેટલીક ફિલ્મો સાઇન કરી હતી અને એનો કોઈ વસવસો નથી. એ ફિલ્મો હતી ‘અંદાઝ’ અને ‘હીર રાંઝા’. ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ બાદ મારો પરિવાર આર્થિક સંકડામણમાં સપડાયો હતો. આખો પરિવાર ગુજરાન ચલાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો. એ વાતનો સ્વીકાર કરવામાં મને જરા પણ શરમ નથી. હું અને મારો પરિવાર ખુશનસીબ છીએ કે એ કપરો સમય હવે પાછળ છૂટી ગયો છે. અમારી સામે હવે એવી કઠિન સ્થિતિઓ નથી. જોકે ભવિષ્યમાં ફરીથી એવો અઘરો સમય આવ્યો તો હું કે મારો પરિવાર કોઈ પણ કામ કરવામાં અચકાઈશું નહીં. મારા કુટુંબનું ભરણપોષણ કરવા માટે હું કંઈ પણ કરી શકું છું.’

