અભિનેતાઓ કરતા કરીના કપૂર વધુ ફી લે છે: અનિલ કપૂર
ફાઈલ તસવીર
બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અત્યારે ગર્ભાવસ્થાનો આનંદ માણી રહી છે. પરંતુ સાથે જ તેણે કામ કરવાનું પણ ચાલુ જ રાખ્યું છે. તે પોતાના ચેટ શો ‘વ્હૉટ વૂમન વૉન્ટ્સ’ (What Women Want) માટે શૂટિંગ કરી રહી છે. આ ચેટ શોમાં તાજેતરમાં બૉલીવુડ અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) મહેમાન તરીકે આવ્યા હતા અને તેમણે અનેક ખુલાસા કર્યા છે. અનિલ કપૂરે કરીના કપૂર ખાન ફિલ્મો માટે કેટલી ફી લે છે તે બાબતે કરેલી વાત ચર્ચાનો વિષય બની છે.
કરીના કપૂર ખાનના ચેટ શો ‘વ્હૉટ વૂમન વૉન્ટ્સ’માં અનેક બૉલીવુડ સેલેબ્ઝ આવે છે અને વાતોવાતોમાં કેટલાક ખુલાસા પણ કરે છે. આ અઠવાડિયે ચેટ શોમાં મહેમાન બનીને આવેલા અભિનેતા અનિલ કપૂરે પણ અનેક ખુલાસા કર્યા હતા. ચેટ દરમિયાન કરીના કપૂર ખાને અનિલ કપૂરને પુછયું કે, ‘હૉલીવુડમાં અભિનેતાઓ એવી જ ફિલ્મોમાં કામ કરે છે જેમાં અભિનેત્રીઓને સમાન ફી આપવામાં આવે છે. શું બૉલીવુડમાં પણ અભિનેતાઓએ આમ જ કરવું જોઈએ?’ જેના જવાબમાં અનિલ કપૂરે કહ્યું હતું કે, ‘તેં મારા કરતા વધારે પૈસા લીધા છે’. અનિલની આ વાત સાંભળીને ચોકી ગયેલી કરીનાએ કહ્યું કે, ‘અમે બેરિયર્સ તોડી રહ્યાં છીએ. પરંતુ હમણાં તમે કહ્યું તેમ ઘના લોકો હજી પણ...’
ADVERTISEMENT
ત્યારબાદ અનિલ કપૂરે એક કિસ્સો યાદ કર્યો હતો જેમાં પ્રોડયુસર્સ કરીના કપૂર ખાન સાથે ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ દરમિયાન ફી બાબતે ચર્ચા કરતા હતા. અનિલે કહ્યું, ‘પ્રોડયુસર્સ કહેતા હતા કે યાર આ તો હીરો કરતા વધુ પૈસા માંગે છે. મેં કહ્યું આપી દો. પછી મેં તેમને કહ્યું કે, બેબો (કરીના કપૂર ખાન) જે પણ માંગે તે આપી દો’. નોંધનીય છે કે, ‘વીરે દી વેડિંગ’ના પ્રોડયુસર્સ અનિલ કપૂર, રિયા કપૂર, શોભા કપૂર અને એકતા કપૂર હતા.
અભિનેત્રીઓને મળતી ફી વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે, ‘અભિનેત્રી કરતા અભિનેતાને ઓછી ફી મળે તેમા કોઈ જ વાંધો નથી અને મારી સાથે આવું ઘણીવાર બન્યું છે. એવી ઘણી ફિલ્મો છે જ્યાં મુખ્ય અભિનેત્રીએ મારા કરતા વધારે પૈસા લીધા અને મેં ખુશીથી કામ કર્યું છે’.
તમને જણાવી દઈએ કે અનિલ કપૂર અને કરીના કપૂર ખાને ‘બેવફા’ અને ‘ટશન’ ફિલ્મમાં સાથે કામ કર્યું છે અને હવે તેઓ ઘણા વર્ષો પછી કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં સાથે જોવા મળશે.

