આવું માનતા વિપુલ અમૃતલાલ શાહ કહે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પોતાના સ્ટાર્સ પેદા કરી રહ્યું છે
વિપુલ શાહ
ડિજિટલ પ્લૅટફૉર્મની પાસે તેના પોતાના સ્ટાર્સ હોય છે અને આ ક્રમ સતત રહેવાનો છે, આવું માનવું છે વિપુલ અમૃતલાલ શાહનું. તેમણે વેબ-સિરીઝ ‘હ્યુમન’ને કો-ડિરેક્ટ કરી હતી. એમાં દેખાડવામાં આવ્યું હતું કે કઈ રીતે હિન્દી સિનેમામાં સ્ટાર કલ્ચર ઝાંખું પડતું જાય છે. તેમણે ‘આંખેં’, ‘વક્ત: ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’ અને ‘નમસ્તે લંડન’ જેવી કેટલીક ફિલ્મો પણ બનાવી છે.
ડિજિટલ પ્લૅટફૉર્મ વિશે વિપુલ શાહે કહ્યું હતું કે ‘મારું વ્યક્તિગત રીતે માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પાસે તેના પોતાના સ્ટાર્સ છે અને તે સતત સ્ટાર્સ બનાવતો રહેશે. આ માત્ર ભારત સુધી જ સીમિત નથી, વિદેશમાં પણ એવા અનેક ટૅલન્ટેડ છે જેઓ પૂરી રીતે ડિજિટલ પ્લૅટફૉર્મના સ્ટાર્સ છે અને તેમનું ફૅન-ફૉલોઇંગ પણ ઘણું છે. તેઓ જ્યારે કોઈ પણ શોમાં કામ કરે છે તો એ શો જોવા માટે ભારે સંખ્યામાં લોકો તેમને જોવા માટે આકર્ષાય છે. આમ છતાં ઘણા સમયથી ભારતમાં સ્ટાર સિસ્ટમ બદલાઈ હોવાનો અનુભવ થઈ રહ્યો છે. મને નથી લાગતું કે લોકો મોટા સ્ટાર્સને પ્રેમ કરવાનું બંધ કરી દેશે. તેઓ ૧૫-૨૦ વર્ષોથી મોટા સ્ટાર્સને ચાહે છે. એમાં નવા કલાકારોનો પણ ઉમેરો થતો ગયો છે. લોકો એકબીજા પ્રતિ પ્રેમ દેખાડતા રહેશે અને એમાંથી જ નવા સ્ટાર્સનો જન્મ થશે. જોકે સ્ટાર સિસ્ટમની જે રીતભાત છે એ મને લાગે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે બદલાઈ જશે. ખૂબ અનુશાસનની સાથે કામની રીત અને પ્રોફેશનલિઝમ આવી રહ્યું છે. આને કારણે જ સ્ટારની પરિભાષા બદલાઈ જશે. જોકે મને નથી લાગતું કે એવો કોઈ દિવસ નહીં આવે જ્યારે નવા સ્ટાર્સ નિખરીને નહીં આવે અને સ્ટાર્સની ઓળખાણ સ્ટાર્સ તરીકે નહીં થાય. આવું કદી નહીં થાય.’