વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોષીની આ ડૉક્યુમેન્ટરી જોતી વખતે તમારી અરેરાટી છૂટી જાય તો પણ એ જોવાનું ચૂકતા નહીં
ધ કાશ્મીર ફાઈલ્સ
‘ગદર 2’, ‘OMG 2’ અને ‘જેલર’
લૉન્ગ વીક-એન્ડ એવા આ શુક્રવારે આ ત્રણ ફિલ્મ રિલીઝ થઈ અને સૌથી સારી વાત જો કોઈ હોય તો એ કે આ ત્રણેત્રણ ફિલ્મો અત્યારે બૉક્સ-ઑફિસ પર સરસ બિઝનેસ કરે છે. ‘ગદર 2’નું તો ઍડ્વાન્સ બુકિંગ શરૂ થયું એ જ સમયથી સરસ બુકિંગ ચાલતું હતું અને શુક્રવાર પહેલાં જ સવાબે લાખથી વધારે ટિકિટનું બુકિંગ થઈ ગયું હતું પણ ‘OMG 2’ માટે થોડું ડાઉટફુલ દેખાતું હતું. જોકે એ ડાઉટ પણ શુક્રવારે જ નીકળી ગયો અને અક્ષયકુમાર-પંકજ ત્રિપાઠીની આ ફિલ્મ પણ બેસ્ટ પર્ફોર્મ કરતી થઈ ગઈ, તો સામે પક્ષે વધુ એક વખત પ્રૂવ થયું કે રજનીકાન્ત આજે પણ બધાના ફાધર છે. ‘જેલર’ને દરેકેદરેક ટેરિટરીમાં જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે અને એ જે રિસ્પૉન્સ છે એ રિસ્પૉન્સ આમ પણ ટ્રેડ-એક્સપર્ટ્સ એક્સપેક્ટ કરતા જ હતા. અલબત્ત, આ બધા વચ્ચે આપણે વાત કરવાની છે સાવ નવા જ અને ચોથા જ સબ્જેક્ટની, જે રિલીઝ થયો છે ઝી-ફાઇવ પર. ટાઇટલ છે એનું ‘ધ કશ્મીર ફાઇલ્સ ઃ અનરિપોર્ટેડ’.
વિવેક રંજન અગ્નિહોત્રીએ બનાવેલી આ ડૉક્યુમેન્ટરી તેની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’થી પણ વધારે મોટો બૉમ્બ છે. જો એ જોવાની હિંમત હોય તો જ તમે જોજો અને જો તમારી અંદર માણસાઈ આજે પણ જીવતી હોય તો જ તમે જોજો. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ જ્યારે રિલીઝ થઈ ત્યારે પહેલા બે દિવસ એના બૉક્સ-ઑફિસ રિપોર્ટ કંઈ ખાસ સારા નહોતા, પણ એ પછી માઉથ-ટુ-માઉથ પબ્લિસિટીની સાથે સોશ્યલ મીડિયા પર એ સ્તરે ગાજી કે ઑડિયન્સે ટિકિટ-વિન્ડો પર રીતસર લાઇન લગાવી દીધી અને ફિલ્મે બધા રેકૉર્ડ તોડ્યા. બહુ નાના બજેટમાં બનેલી આ ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં પણ સામેલ થઈ અને એ પછી તો ૧૦૦ કરોડની ક્લબને પણ તોડીને આગળ નીકળી ગઈ. એ સમયે ટીવીથી લઈને ન્યુઝપેપર્સમાં બધી જગ્યાએ વિવેક રંજન અગ્નિહોત્રી અને કો-પ્રોડ્યુસર પલ્લવી જોષીના અનેક લોકોએ ઇન્ટરવ્યુ કર્યા. એ ઇન્ટરવ્યુમાં ફિલ્મના મેકિંગ વિશે પણ પુષ્કળ વાતો થઈ. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે કાશ્મીરનો આ સબ્જેક્ટ લખતાં પહેલાં તે ઓછામાં ઓછા ૭૦૦ એવા લોકોને મળ્યા હતા જેઓ એ સમયે કાશ્મીરમાં રહેતા હતા. કાશ્મીરી પંડિતો કેવી-કેવી તકલીફમાંથી પસાર થયા એના વિશે એ બધાને રૂબરૂ મળીને તેમણે એ અનુભવના આધારે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ લખી. જોકે એ પછી ઘણા એવા વાંકદેખા હતા પણ ખરા, જેમણે એવું કહેવાનું શરૂ કર્યું હતું કે આટલા બધા લોકોને મળ્યા હોવાની અમને શંકા છે. આ શંકા દૂર કરવાનું કામ કરે છે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ ઃ અનરિપોર્ટેડ’.
ADVERTISEMENT
ઝીફાઇવ પર રિલીઝ થયેલી આ ડૉક્યુમેન્ટરી હજી તો પહેલો પાર્ટ છે, એના બીજા પાર્ટ્સ આવવાના બાકી છે, પણ આ પહેલો પાર્ટ પણ એ સ્તરે ધ્રુજારી ચડાવી દેનારો છે જે જોઈને તમને એમ થાય કે ખરેખર આ દેશના ઇતિહાસમાં કેવી-કેવી ઘાતકી ઘટનાઓ સમાયેલી છે. કાશ્મીરમાં રહેતા પંડિતો સાથે કેવું બન્યું હતું એ વાત કરવા માટે આ ડૉક્યુમેન્ટરીમાં ખુદ એ પંડિતો આવે છે, જેઓ કાશ્મીર છોડીને અન્ય શહેર કે દેશમાં વસવા માટે ચાલ્યા ગયાને પણ આજે દસકાઓ વીતી ગયા છે. કાશ્મીર યાદ કરીને આજે પણ તેમની આંખોમાં આંસુ આવી જાય છે. વિવેક અને પલ્લવી એ લોકોના ઇન્ટરવ્યુ લાવ્યા છે, તો સાથોસાથ તેમણે પણ આ ડૉક્યુમેન્ટરીમાં નૅરેટર તરીકે દેખા દીધી છે અને એમાં ફિલ્મને લગતી જર્ની વિશે પણ વાત કરવામાં આવી છે.
‘ધ કશ્મીર ફાઇલ્સ ઃ અનરિપોર્ટેડ’ની મને જો કોઈ વાત સૌથી વધારે ગમી હોય તો એ કે એ સમયના રિયલ ફુટેજનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે જોઈને ખરેખર આખા શરીરમાં ગુઝબમ્પ્સ જાગી જાય છે. આપણા જ દેશના એક હિસ્સામાં એવું બની રહ્યું હતું જેની કલ્પના કરવી પણ આપણે માટે અઘરી હતી. કાશ્મીરમાં લોકો હેરાન થતા હતા, દુખી થતા હતા અને રીતસર મરતા હતા, જ્યારે આપણે એ દિવસોમાં આપણા શહેરમાં સાવ શાંતિથી રહેતા હતા. મજાની લાઇફ હતી આપણી અને કાશ્મીરમાં જેકંઈ બનતું હતું એમાંથી આપણા સુધી માત્ર ૧ પર્સન્ટ જેટલું પહોંચતું હતું. ‘ધ કશ્મીર ફાઇલ્સ ઃ અનરિપોર્ટેડ’ જોયા પછી ખરેખર એવું થાય કે આપણા દેશની સરકાર જ નહોતી ઇચ્છતી કે કાશ્મીરમાં જઈને એ લોકો ત્યાંના પંડિતોને બચાવે, તેમને હેલ્પ કરે અને તેમના પર થતા ત્રાસને દૂર કરે. ફ્રીડમના નામે જે આતંક ત્યાં ફેલાયેલો હતો એ એવા સ્તરે હતો કે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હોય એ સરકારી ઑફિસરો પણ મોટા ભાગના સમયમાં રજા લઈને પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.
‘ધ કશ્મીર ફાઇલ્સ ઃ અનરિપોર્ટેડ’ મસ્ત વૉચ છે. કારણ કે એ આપણા દેશના એક એવા હિસ્સાની વાત કરે છે જ્યાં ૯૦ના એ પિરિયડમાં રીતસર રાક્ષસોનું રાજ ચાલતું હતું. ભગવાનનો આભાર માનવા પણ આપણે આ ડૉક્યુમેન્ટરી જોવી જોઈએ કે એણે આપણને એવું બધું જોવા માટે મજબૂર નથી કર્યા.