પહેલા દિવસે ૬૫.૫૦ કરોડનો રેકૉર્ડ કર્યા બાદ ત્રીજા દિવસે ૬૮.૭૨ કરોડનો કર્યો બિઝનેસ
જવાન ફિલ્મ
શાહરુખ ખાનની ‘જવાન’ દિવસે ને દિવસે નવા રેકૉર્ડ કરી રહી છે. પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી પહેલી હિન્દી ફિલ્મ બની હતી ‘જવાન’. હવે ત્રીજા દિવસે પણ એ ફિલ્મે પોતાનો જ રેકૉર્ડ બ્રેક કરીને એક દિવસમાં સૌથી વધુ બિઝનેસ કર્યો છે. એવું કહી શકાય કે બૉક્સ-ઑફિસ પર કલેક્શનની આંધી આવી છે. ઍટલીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ સૌને પસંદ પડી રહી છે. થિયેટરમાં પણ લોકોની દીવાનગી દેખાઈ રહી છે. શાહરુખની સાથે નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ છવાઈ ગયાં છે. ‘જવાન’ના હિન્દી વર્ઝનના ત્રણ દિવસના કલેક્શનની વાત કરીએ તો ગુરુવારે ૬૫.૫૦ કરોડ, શુક્રવારે ૪૬.૨૩ કરોડ અને શનિવારે ૬૮.૭૨ કરોડની સાથે કુલ મળીને ૧૮૦.૪૫ કરોડનો વકરો કરી લીધો છે. આ ફિલ્મ હિન્દીની સાથે તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ છે. તામિલ અને તેલુગુમાં ગુરુવારે ૯.૫૦ કરોડ, શુક્રવારે ૭ કરોડ અને શનિવારે ૯.૧૧ કરોડની સાથે કુલ મળીને ૨૫.૬૧ કરોડનો બિઝનેસ ત્રણ દિવસમાં કરી લીધો છે. શાહરુખ ખાનની ‘જવાન’ તેની જ ‘પઠાન’નો પણ રેકૉર્ડ બ્રેક કરી રહી છે. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ‘પઠાન’નો ત્રણ દિવસમાં બિઝનેસ ૧૬૧ કરોડનો થયો હતો. એથી એમ કહી શકાય કે ‘પઠાન’ પર ‘જવાન’ ભારે પડી રહી છે.
G20 સમિટની સફળતા પર દરેક ભારતીયને ગર્વ થઈ રહ્યો છે : શાહરુખ ખાન
શાહરુખ ખાને દિલ્હીમાં G20 સમિટની સફળતાને લઈને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે આજે દરેક ભારતીયને ગર્વ થઈ રહ્યો છે. આ સમિટનું પ્રતિનિધિત્વ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે કર્યું છે. G20 સમિટ વિશે શાહરુખ ખાને કહ્યું કે ‘ભારતની G20 સમિટની સફળતાપૂર્વક અધ્યક્ષતા માટે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી કૉન્ગ્રેચ્યુલેશન્સ. વિશ્વના તમામ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પરસ્પર દેશોની એકતાને પ્રોત્સાહન મળ્યું છે. આજે દરેક ભારતીયનાં દિલમાં સન્માન અને ગર્વની લાગણીઓ છલકાતી હશે. સર, તમારા નેતૃત્વ હેઠળ અમે સમૃદ્ધ બનીશું. અમે એકલા નહીં પડીએ,’
ADVERTISEMENT
‘જવાન’ની સીક્વલની હિન્ટ આપી શાહરુખે?
શાહરુખ ખાને તેની ‘જવાન’ની સીક્વલ બનશે એવી હિન્ટ આપી છે. આ ફિલ્મમાં કાલીના રોલમાં સાઉથનો વિજય સેતુપતિ જોવા મળી રહ્યો છે. શાહરુખના ફૅન્સ આ ફિલ્મને એક તહેવારની જેમ સેલિબ્રેટ કરી રહ્યા છે.શાહરુખ તેના ફૅન્સ સાથે એક્સ પર જોડાયો હતો. એક ફૅને તેને સવાલ કર્યો કે ‘સર કાલી કે સાથ ડીલ ક્યોં નહીં કર રહે. હું વિજય સેતુપતિ સરનો મોટો ફૅન છું.’
તો તેને જવાબ આપતાં શાહરુખે લખ્યું કે ‘હું પણ વિજય સરનો ફૅન છું. જોકે કાલીના કાળા ધનને તો લઈ આવ્યો. હવે જુઓ સ્વિસ બૅન્કમાંથી પણ અન્ય લોકોનું કાળું ધન લઈને આવવાનો છું. બસ, હવે વિઝાની રાહ જોઈ રહ્યો છું.’