તેમનું માનવું છે કે આ ગીત બાળકોના મન પર ખરાબ છાપ પાડે છે
‘પઠાન’નું ‘બેશરમ રંગ’ ગીત સોશ્યલ મીડિયા પરથી હટાવવાની માગણી કરી બાળ કલ્યાણ સમિતિએ
‘પઠાન’નું ‘બેશરમ રંગ’ ગીત જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી જ એ વિવાદના વમળમાં ફસાયેલું છે. હવે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની ‘ધ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી’એ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને માગણી કરી છે કે આ ગીતને સોશ્યલ મીડિયા પરથી હટાવવામાં આવે. તેમનું માનવું છે કે આ ગીત બાળકોના મન પર ખરાબ છાપ પાડે છે. એ સંસ્થાએ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને લેખિતમાં માગણી કરી છે કે કિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ની કલમ હેઠળ અધિકારનો ઉપયોગ કરતાં ‘બેશરમ રંગ’ ગીત અને અશ્લીલ કન્ટેન્ટ પણ સોશ્યલ મીડિયા પરથી હટાવવામાં આવે. ‘ધ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી’ના પ્રેસિડન્ટ સતીશ કુમાર શ્રીવાસ્તવ અને ચાર સદસ્યોની બેન્ચનું કહેવું છે કે ઉત્તર પ્રદેશની સરકારે ટીનેજર્સને સ્માર્ટ મોબાઇલ ફોન્સ તેમના વિકાસ માટે આપ્યા છે. જોકે તેમને સોશ્યલ મીડિયા પર સરળતાથી મળી આવતી કન્ટેન્ટને જોતાં ન અટકાવી શકાય. એથી તેમની ભલાઈ માટે આવી કન્ટેન્ટને હટાવવી જરૂરી છે.