લૉકડાઉનને લીધે લૂપ લપેટામાં ઘણાં બધા સુધારા કરવામાં આવ્યાં છે: તાહિર
તાહિર રાજ ભસિનનું કહેવું છે કે લૉકડાઉનમાં તેની આગામી ફિલ્મ ‘લૂપ લપેટા’માં ઘણાં ઇમ્પ્રૂવમેન્ટ્સ કરવામાં આવ્યાં છે. અતુલ કસબેકર અને તનુજ ગર્ગ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં તેની સાથે તાપસી જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ તેઓ નવેમ્બરમાં બહુ જલદી શરૂ કરશે. ફિલ્મ વિશે વાત કરતાં તાહિરે કહ્યું હતું કે ‘અમારી ‘લૂપ લપેટા’નું શૂટિંગ શરૂ કરવા માટે હું ઘણો આતુર છું. લૉકડાઉનમાં આ સ્ક્રિપ્ટમાં ઘણાં ઇમ્પ્રૂવમેન્ટ્સ કરવામાં આવ્યાં છે અને એ દરેક બદલાવને મેં નિકટથી જોયા છે. આ મારા માટે ચૅલેન્જિંગ ફિલ્મ રહેવાની છે. મેં અત્યાર સુધી જે ફિલ્મો કરી છે એમાંથી આ એકદમ અલગ હોવાથી હું ઉત્સાહિત છું. પ્રોડ્યુસર્સ અતુલ કસબેકર અને તનુજ ગર્ગ આ ફિલ્મને લઈને કોઈ કચાશ નહીં છોડે. તેમ જ તેમને અત્યારની પરિસ્થિતિની જાણ હોવાથી તેઓ સેફ્ટીની દરેક કાળજી લઈ રહ્યા છે જેથી સેટ પર સુરક્ષિત રીતે કામ કરી શકાય.’
તાપસી સાથે કામ કરવા વિશે પૂછતાં તાહિરે કહ્યું હતું કે ‘ફિલ્મમાં લીડ પેરની જોડી ડાન્સ ઍક્ટ જેવી હોય છે. બન્ને સારા ડાન્સ કરે તો પર્ફોર્મન્સ સારો હોય છે. તાપસી ખૂબ જ અદ્ભુત છે અને તેની સાથે મારી કેમિસ્ટ્રી લોકો પસંદ કરે એવી આશા છે. તેની એનર્જી અદ્ભુત છે. તેની સાથે કામ કરવા હું ખૂબ ઉતાવળો થઈ રહ્યો છું.’

