મૅરેજને લઈને લોકો ટ્રોલ કરે અને એનો સામનો તેના પાર્ટનર અને સેલિબ્રેશનમાં હાજર લોકોએ કરવો પડે એના ડરથી તેણે અત્યાર સુધી ફોટો જાહેર નથી કર્યા
તાપસી પન્નુંની તસવીર
તાપસી પન્નુએ તેના બૉયફ્રેન્ડ બૅડ્મિન્ટન-પ્લેયર મથાયસ બો સાથે ઉદયપુરમાં ચૂપચાપ લગ્ન કરી લીધાં છે. તાપસી કહે છે કે તે તેનાં લગ્નને પબ્લિક અફેર નથી બનાવવા માગતી અને એથી તે જ્યારે કમ્ફર્ટેબલ હશે ત્યારે જ લગ્નના ફોટો શૅર કરશે. તેનાં લગ્નનો વિડિયો થોડા સમય પહેલાં જ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. તાપસીએ લગ્નમાં રેડ લેહંગા પહેર્યો હતો. તેનો હસબન્ડ મથાયસ મૂળ ડેન્માર્કનો છે. તાપસીનાં લગ્નમાં માત્ર નજીકની ફૅમિલી અને ફ્રેન્ડ્સે હાજરી આપી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે લગ્નની જાહેરાત અથવા તો લગ્નના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરવાની છે? એનો જવાબ આપતાં તાપસી કહે છે, ‘કોઈ પબ્લિક ફિગર જ્યારે લગ્ન કરે તો તેમને ઘણી વાર ટ્રોલ કરવામાં આવે છે. હું પોતે એ વાતને લઈને ચોક્કસ નથી કે મારી પર્સનલ લાઇફ અને મારાં લગ્નમાં હાજર રહેલી વ્યક્તિઓને પણ આ ટ્રોલિંગનો ભાગ બનવા દઉં કે નહીં. ટ્રોલિંગ માટે હું તૈયાર છું, પરંતુ મારો પાર્ટનર કે લગ્નમાં હાજર લોકો નહીં. મને એ પણ ખાતરી નથી કે મારાં લગ્નને હું લોકો સામે રજૂ કરીશ તો તેઓ એનો કેવી રીતે સ્વીકાર કરશે. એથી મેં એને મારા સુધી જ સીમિત રાખ્યું છે. મારો ઇરાદો લગ્નને સીક્રેટ રાખવાનો કદી નહોતો. મારી નજીકના લોકો એ સેલિબ્રેશનમાં જોડાયા હતા. તેઓ હંમેશાંથી મારી રિલેશનશિપ અને મારા ઇરાદાને જાણતા હતા કે હું ક્યારે અને કેવી રીતે લગ્ન કરવાની હતી.’
લગ્નને લઈને લોકો કેવી રીતે જજ કરશે એને લઈને ચિંતિત તાપસી કહે છે, ‘મારે એને પબ્લિક અફેર નથી બનાવવું, કારણ કે એને એન્જૉય કરવાને બદલે હું એને લઈને ચિંતા કરવા લાગી જાત કે લોકો એનો કેવો અર્થ કાઢે છે. લોકો એને કેવી રીતે સ્વીકારે છે એના વિશે પણ ચિંતા વધી જાત. હું એ કરવા નહોતી માગતી, કારણ કે લાઇફમાં એક જ વખત લગ્ન થાય છે. હું એને સંબંધિત કંઈ શૅર નથી કરવા માગતી. મને નથી લાગતું કે હું એના માટે મેન્ટલી તૈયાર છું. હું જાણું છું કે જે લોકો હાજર હતા તેઓ મને જજ કરવા માટે નહીં, પરંતુ મારા માટે હાજર હતા. એથી હું એકદમ રિલૅક્સ્ડ હતી. જો ભવિષ્યમાં લગ્નના ફોટો શૅર કરવા માટે હું કમ્ફર્ટેબલ હોઈશ તો હું કરીશ. અમે નક્કી કરીશું કે ક્યારે, કેવી રીતે અને શું રિલીઝ કરવું છે.’

