દિશા સલિયનના પરિવારે કહ્યું: અમને શાંતિથી જીવવા દો, બધી માત્ર અફવાઓ છે
દિશા સલિયને 8 જૂને આત્મહત્યા કરી હતી
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના થોડાક દિવસ પહેલાં જ અભિનેતાની ભૂતપુર્વ મેનેજર 28 વર્ષીય દિશા સલિયને આત્મહત્યા કરી હતી. ત્યારથી દિશાની આત્મહત્યા વિશે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે, દિશા સલિયનનું અભિનેતા સુરજ પંચોલી સાથે અફેર હતું અને તે ગર્ભવતી પણ હતી. આ બધી ચર્ચાઓ અને ફૅક ન્યુઝથી ત્રસ્ત થયેલા દિશા સલિયનના પરિવારે નિવેદન બહાર પાડયું છે અને કહ્યું છે કે, અમને સહકાર આપો અને શાંતિથી જીવવા દો. સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ માત્ર અફવા છે. દિશાના પરિવારે સોશ્યલ મીડિયા પર કરેલા પોસ્ટમાં લોકોને અપીલ કરી છે કે, પરિવારના દુ:ખમાં વધારો ન કરો અને ખોટી અફવાઓ ન ફેલાવો.
દિશા સલિયનના પરિવારે કરેલા પોસ્ટમાં લખ્યું છે કે, જે કોઈ પણ આ વાંચી રહ્યું છે તે કદાચ અમને અને દિશાને ઓળખતા હશે અથવા તો નહીં ઓળખતા હોય. પરંતુ આપણા બધામાં એક બાબત સમાન્ય છે, કે આપણે માણસો છીએ અને આપણી દરેકની લાગણીઓ છે. એટલે અમે આશા રાખીએ છીએ કે તમે અમારી ભાવનાઓ સમજશો. અમે પરિવારના એક સભ્યને ગુમાવી દીધું છે. જેનું દુ:ખ બહુ જ છે. આ પરિસ્થિતિ અમારા માટે બહુ કપરી છે કારણકે અમે હજી સુધી એ ગમમાંથી બહાર નથી આવી શક્યા કે દિશા આ દુનિયામાંથી ચાલી ગઈ છે. આવા સમયે કેટલીક અફવાઓ, કૉન્સપિરેસી થિયરી અને અટકળો લગાવાવમાં આવી રહી છે જે અમને વધુ તકલીફ આપે છે. અ વાતો પાયાવિહોણી અને અફવાઓ છે, જે દિશાના માતા-પિતા અને પરિવારના દુ:ખમાં વધારો કરે છે.
ADVERTISEMENT
નિવેદનમાં આગળ લખ્યું હતું કે, જ્યારે અમે તકલીફમાં અને દુ:ખમાં છીએ ત્યારે બધાને નિવેદન કરીએ છીએ કે માત્ર મનોરંજન માટે સોશ્યલ મીડિયા પર ફરતા અપમાનજનક સમાચારો, નકલી અફવાઓને પ્રોત્સાહન આપવામાં સહાય ન કરો. જેઓ પોતાના હિત માટે કોઈના મૃત્યુનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને રોકવામાં સહાય કરો. દિશા કોઈની દીકરી હતી, કોઈની બહેન હતી, કોઈની મિત્ર હતી. તમારા બધા પાસે કોઈને કોઈ વ્યક્તિ છે જે આ બધી ભૂમિકાઓ તમારા જીવનામાં નિભાવે છે. તેમની સામે જોઈને વિચારજો કે તમારા પ્રિયજનો સાથે જો આવુ થાય તો તમને કેવું લાગશે. સહાનુભુતિ મુળ ગુણ છે જે આપણને માણસ બનાવે છે. તો પહેલા માણસ બનો. કૃપા કરીને દિશાની આત્માને શાંતિ આપો.
તમને જણાવી દઈએ કે, દિશા સલિયન સુશાંત સિંહ રાજપુત, ભારતી શર્મા જેવા સેલેબ્ઝની ભુતપુર્વ મેનેજર રહી ચુકી છે. તેણે આઠ જુને મલાડમાં આવેલી રિજન્ટ ગૅલેક્સી બિલ્ડિંગના 14માં માળેથી કુદીને આત્મહત્યા કરી હતી.