મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ બનાવનાર નાગરાજ સાથે થયેલી વાત વિશે અનુરાગ કશ્યપે કહ્યું
અનુરાગ કશ્યપ
ફિલ્મમેકર અનુરાગ કશ્યપનું માનવું છે કે વધુ પૈસા કમાવાની લાલચમાં મરાઠી ઇન્ડસ્ટ્રીમાં હવે સારી ફિલ્મો બનતી નથી. તેનું માનવું છે કે ‘સૈરાટ’ ફિલ્મે મરાઠી ઇન્ડસ્ટ્રીનું નુકસાન કર્યું છે. સાથે જ તેણે બૉલીવુડને લઈને પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. એ વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘દેશમાં પૅન-ઇન્ડિયા ફિલ્મો બની રહી છે અને દરેક જણ એ ફિલ્મ બનાવવામાં લાગી ગયા છે. એમાં સફળતા તો માત્ર પાંચથી દસ ટકા મળે છે. ‘કાંતારા’ અને ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ જેવી ફિલ્મો તમને હિમ્મત આપે છે તમારી સ્ટોરી લોકો સુધી પહોંચાડવાની. જોકે ‘KGF: ચૅપ્ટર 2’ને અપાર સફળતા મળી છે. તમે જ્યારે આવી ફિલ્મોનું અનુકરણ કરો અને એવા પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરો તો તમે વિનાશ તરફ આગળ વધી રહ્યા છો. એ જ વસ્તુને કારણે બૉલીવુડ બરબાદ થયું છે. તમારે એવી ફિલ્મો શોધવી જોઈએ જે તમને સાહસ આપે.’
સાથે જ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ બનાવનાર નાગરાજ સાથે થયેલી વાત વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘મેં નાગરાજ સાથે વાત કરી હતી અને મેં તેને કહ્યું કે ‘સૈરાટ’ બનાવીને અને એને મળેલી સફળતાથી તેં મરાઠી સિનેમાને નુકસાન પહોંચાડ્યું છે. અચાનક લોકોને એહસાસ થયો કે આવી ફિલ્મો બનાવીને પણ પૈસા રળી શકાય છે અને એથી તેમણે મરાઠી ઇન્ડસ્ટ્રીમાં સારી ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું. બધા લોકો ‘સૈરાટ’નું અનુકરણ કરવા લાગ્યા હતા.’