‘આદિપુરુષ’માં લક્ષ્મણનો રોલ કરનાર સની સિંહનું કહેવું છે કે તેની આ રોલ કરવાની કોઈ ઔકાત નથી.
લક્ષ્મણનો રોલ કરનાર સની સિંહ
‘આદિપુરુષ’માં લક્ષ્મણનો રોલ કરનાર સની સિંહનું કહેવું છે કે તેની આ રોલ કરવાની કોઈ ઔકાત નથી. આ ભૂમિકા ભજવવી તેના માટે મોટી વાત છે. રામાયણ પર આધારિત આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ થઈ છે. ઓમ રાઉતે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં રામના રોલમાં પ્રભાસ, સીતાના રોલમાં ક્રિતી સૅનન, હનુમાનના રોલમાં દેવદત્ત નાગે અને લંકેશના રોલમાં સૈફ અલી ખાન છે. લક્ષ્મણનો રોલ કેવી રીતે મળ્યો એ વિશે જણાવતાં સની સિંહે કહ્યું કે ‘ઓમ સરે જ્યારે મને મીટિંગ માટે બોલાવ્યો ત્યારે મને જાણ નહોતી કે કઈ ફિલ્મ છે. બીજી વખત થયેલી મીટિંગમાં તેમણે જણાવ્યું કે આ મોટી ફિલ્મ બનવાની છે અને મારે ભગવાન લક્ષ્મણની ભૂમિકા ભજવવાની છે. હું નસીબદાર છું કે તેમણે મને આ રોલ ઑફર કર્યો. અમારી તો ઔકાત જ નથી, આ રોલ ભજવવો ખૂબ મોટી વાત છે. એ વખતે હું ખૂબ ઇમોશનલ હતો. બાળપણથી જ મને રામાયણ પર પ્રેમ છે. હું ધાર્મિક માન્યતાવાળો માણસ છું. એ સ્ટોરીનાં બધાં પાત્રો મને પસંદ છે. એથી મને જ્યારે જાણ થઈ કે હું આ ફિલ્મ કરી રહ્યો છું તો હું ખુશ થયો હતો. ઓમ સર સ્પષ્ટ હોય છે કે તેમને શું જોઈએ છે. તેમણે સૂચના આપેલી કે મારો લુક ચોક્કસ પ્રકારનો હોવો જોઈએ. સાથે જ ડાયલૉગ્સ પણ કેવા રહેશે એ બધા પર પણ તેમણે ખાસ ધ્યાન આપ્યું હતું.’