પહેલા પાર્ટને ખૂબ ખેંચવામાં આવ્યો અને જીતેની સ્ટોરી ઘણી બોરિંગ બની જાય છે : ડ્રામા, ઍક્શન, ઇમોશન્સ બધું છે, પરંતુ ૨૦ વર્ષ બાદ સીક્વલ આવી હોવા છતાં એમાં નવીનતાનો અભાવ છે
ગદર 2 ફિલ્મ
ગદર 2
કાસ્ટ : સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, ગૌરવ ચોપડા, મનીષ વાધવા, સિમરત કૌર
ડિરેક્ટર : અનિલ શર્મા
રેટિંગ : 2/5
ADVERTISEMENT
૨૦૦૧માં આવેલી સની દેઓલની ‘ગદર’ની સીક્વલ બાવીસ વર્ષ બાદ ‘ગદર 2’ આવી છે. આ ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્માએ કામ કર્યું છે જેને અનિલ શર્માએ ડિરેક્ટ કરી છે.
સ્ટોરી ટાઇમ
પહેલી ‘ગદર’ પૂરી થઈ ત્યાર બાદ તેઓ ખૂબ પ્રેમ અને શાંતિથી જીવન વિતાવતાં હોય છે. તારા અને શકીનાનો દીકરો ચરણજિત એટલે કે જીતેને ભણવાને બદલે નાટકમાં ઇન્ટરેસ્ટ હોય છે. જોકે તેના દિમાગમાં પાકિસ્તાનનો જનરલ હમીદ ઇકબાલ ચાલતો હોય છે. તેણે તેના નાના એટલે કે અમરીશ પુરીને ફાંસીની સજા આપી છે એને લીધે તેની નાની પણ મરી જાય છે. એટલે તેના દિમાગમાં હમીદ ઇકબાલ પ્રત્યે ભારે ગુસ્સો હોય છે. બીજી તરફ તારા સિંહ કૅઝ્યુઅલી આર્મી જનરલને મળે છે. તે સિવિલિયન હાયર્ડ ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પાડતો હોય છે. એક વૉર દરમ્યાન તારા સિંહે ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડવી પડે છે. જોકે એ સમયે તેના પર હુમલો થાય છે અને કેટલાક ઇન્ડિયન આર્મી અને ટ્રક-ડ્રાઇવરને પકડી લેવામાં આવે છે. તારા સિંહનો અતોપતો ન લાગતાં જીતેને લાગે છે કે પાકિસ્તાને તેને બંદી બનાવી દીધો છે. એટલે તે તેના પાપેને બચાવવા પાકિસ્તાન જાય છે. ત્યાં તે પ્રેમમાં પડી જાય છે. જોકે તેને પોતાના પાપેથી વધુ મહત્ત્વનું કાંઈ નથી હોતું. દરમ્યાન તેને ખબર પડે છે કે તારા સિંહ પાકિસ્તાનમાં નથી અને એ દરમ્યાન તેને પાકિસ્તાનની આર્મી બંદી બનાવી લે છે. એ જાણીને તારા સિંહ ફરી પાકિસ્તાન તરફ પ્રયાણ કરે છે. જોકે આ વખતે તે તેના દીકરાને બચાવવા જાય છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ટોરી ઓરિજિનલ ફિલ્મની સ્ટાઇલમાં જ બનાવવામાં આવી છે. જૂની રેસિપીને નવી સ્ટાઇલમાં બનાવવાની કોશિશ પણ કરવામાં નથી આવી. અનિલ શર્માએ ઓરિજિનલ સ્ટાઇલમાં જ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને એને ટ્રીટમેન્ટ પણ એવી જ આપી છે. આ ફિલ્મમાં ઇમોશન, ડ્રામા, ઍક્શન અને સૉન્ગ બધું છે, પણ એ પહેલાં જોયું હોય એવું જ છે, નવીનતા જેવું બિલકુલ નથી. ડાયલૉગ પણ ખાસ નથી. કેટલાક ડાયલૉગને ઓવરડ્રામૅટિક બનાવવામાં આવ્યા છે. ફિલ્મની સ્ટોરીમાં પહેલા હાફને ખૂબ ખેંચવામાં આવ્યો છે અને તારા સિંહ જ્યારથી ગાયબ થઈ જાય છે ત્યાંથી ફિલ્મમાં દમ નથી રહેતો. ઉત્કર્ષ શર્મા પર ફિલ્મમાં વધુ ફોકસ કરવામાં આવ્યું છે. તેની લવ-સ્ટોરી જ્યારે ચાલતી હોય ત્યારે એકદમ બોરિંગ લાગે છે. સની દેઓલની ગેરહાજરી ત્યારે વર્તાય છે. જોકે તેની હાજરીથી ફિલ્મ ફરી પાટા પર આવી જાય છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે જ એવી રીતે લખવામાં આવ્યો છે કે એમાં નવીનતા શું દેખાડવી એ પણ સવાલ ઊભો કરે. પાકિસ્તાનીઓને વર્ષોથી જે રીતે દેખાડવામાં આવ્યા છે એવા જ આ ફિલ્મમાં પણ દેખાડવામાં આવ્યા છે. આ સાથે જ મેકર્સે ઘણી છૂટછાટ લીધી છે, પરંતુ એ સની દેઓલ હોય અને તેનો ઢાઈ કિલોનો હાથ હોય તો એ બધું જોવાની મજા પડે છે. ટૂંકમાં કહીએ તો, લૉજિક પાછળ ભાગવાની બિલકુલ જરૂર નથી. આ સાથે આઇકૉનિક હૅન્ડપમ્પ પણ દેખાડવામાં આવ્યો છે. એક સ્ટેપ આગળ જઈને સનીપાજીને વધુ ‘ગદર’નાક (ખતરનાક) દેખાડવાની કોશિશ કરવામાં આવી છે.
પર્ફોર્મન્સ
તારા સિંહના રોલમાં સની દેઓલની જગ્યાએ બીજું કોઈ નહીં ચાલે. ૨૦ વર્ષ બાદ પણ સની દેઓલ તારા સિંહનું પાત્ર ખૂબ સરળતાથી ભજવી શકે છે એમાં બેમત નથી. સની દેઓલનો સ્ક્રીન-ટાઇમ ખૂબ ઓછો છે, પરંતુ તે જ્યારે-જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે મજા પડી જાય છે. તેનો ઢાઈ કિલોનો હાથ હજી પણ એટલો જ પાવરફુલ છે. અમીષા પટેલ પાસે આ ફિલ્મમાં ખૂબ ઓછો સમય છે. પહેલી ફિલ્મમાં તેનું પાત્ર પૅરૅલલ હતું, પરંતુ અહીં તો તે બૅકસાઇડ પર જતી રહે છે. આ ફિલ્મમાં સૌથી વધુ સ્ક્રીન-ટાઇમ કોઈને આપવામાં આવ્યો હોય તો એ ઉત્કર્ષ શર્માને. જોકે તેની ઍક્ટિંગમાં એટલી મજા નથી. તેની ડાયલૉગ ડિલિવરીમાં પણ એટલી મજા નથી. ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, હૈ ઔર રહેગા’ ડાયલૉગ જ્યારે તેના મોઢેથી સંભળાય છે ત્યારે એમાં એટલો દમ નથી દેખાતો. તેનો ડાન્સ પણ ખાસ નથી. તેની ઍક્શન થોડી ચાલેબલ છે, પરંતુ તે ફુલ ઍક્શન હીરો પણ નથી લાગતો. તે જ્યારે પૃથ્વીરાજ કપૂર, રાજેશ ખન્ના અને દિલીપકુમારની ઍક્ટિંગ કરે છે ત્યારે એ દૃશ્ય જોવાનું નથી ગમતું. આ ફિલ્મમાં સિમરત કૌરે મુસ્કાનનું પાત્ર ભજવ્યું છે. તેને જે કામ સોંપવામાં આવ્યું હતું એને તેણે સારી રીતે ભજવ્યું છે. મનીષ વાધવાએ પાકિસ્તાનના જનરલનું પાત્ર ભજવ્યું છે. તેને ક્રૂર દેખાડવામાં આવ્યો છે, પરંતુ એ ફક્ત શબ્દોમાં જ છે. સ્ક્રીન પર તો તે જૂના જમાનાની ફિલ્મોમાં જે પ્રકારે જનરલને દેખાડવામાં આવતા હતા એવો જ દેખાય છે. આ સાથે જ ગૌરવ ચોપડાને વેડફી નખાયો છે.
મ્યુઝિક
મિથુન દ્વારા આ ફિલ્મનું મ્યુઝિક આપવામાં આવ્યું છે. જૂની ફિલ્મનાં બે ગીત ‘મૈં નિકલા ગડ્ડી લેકે’ અને ‘ઉડજા કાલે કાવા’નો આ ફિલ્મમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એને રીક્રીએટ કરવામાં આવ્યા હોવા છતાં એ ખૂબ સારાં છે. આ સાથે જ ‘ખૈરિયત’ સૉન્ગ પણ સારું છે.
આખરી સલામ
સની દેઓલની આ ફિલ્મ ફક્ત તેના ફૅન્સ માટે છે. ઓરિજિનલ ‘ગદર’નો ફિલ્મમાં ચાર્મ જરૂર છે, પરંતુ એમાં નવીનતા જેવું કાંઈ નથી. મલ્ટિપ્લેક્સમાં જોવા કરતાં ફિલ્મને સિંગલ થિયેટર્સમાં સરદારોની વચ્ચે જોવાય તો ફિલ્મમાં એક અલગ મજા આવશે.
ફાલતુ, ઠીક-ઠીક,
ટાઇમ પાસ,
પૈસા વસૂલ,
બહુ જ ફાઇન