સની દેઓલની ‘ગદર 2’ અને અક્ષયકુમારની ‘ઑહ માય ગૉડ 2’ આ બન્ને ફિલ્મો આ વર્ષે ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. એને લઈને બૉક્સ-ઑફિસ પર ક્લૅશ થવાનો છે.
સની દેઓલ
સની દેઓલની ‘ગદર 2’ અને અક્ષયકુમારની ‘ઑહ માય ગૉડ 2’ આ બન્ને ફિલ્મો આ વર્ષે ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. એને લઈને બૉક્સ-ઑફિસ પર ક્લૅશ થવાનો છે. એથી સની દેઓલે જણાવ્યું કે જિસ ચીઝ કી બરાબરી નહીં હૈ તો મત કરો. ૨૦૦૧માં આવેલી ‘ગદર : એક પ્રેમ કથા’ની સીક્વલ છે ‘ગદર 2’. એ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે આમિર ખાનની ‘લગાન’ પણ રિલીઝ થઈ હતી. એથી ફિલ્મોની સરખામણી શું કામ કરવામાં આવે છે એને લઈને સનીએ સવાલ કર્યા છે. એ વિશે સનીએ કહ્યું કે ‘એ વખતે ‘ગદર’એ સો કરોડથી વધારે કલેક્શન કર્યું હતું. બીજી તરફ ‘લગાન’એ ઓછો બિઝનેસ કર્યો હતો. મને સમજમાં નથી આવતું કે લોકો સરખામણી શું કામ કરે છે, પછી ભલે વાત બિઝનેસની હોય કે પછી પસંદગીની હોય. ‘ગદર’ને લઈને કોઈ ધારણા નહોતી. લોકો વિચારતા હતા કે આ જૂના જમાનાની ફિલ્મ હશે, જૂનાં ગીતો હશે. બીજી તરફ ‘લગાન’ને લઈને વિચારતા હતા કે એ ક્લાસિક ફિલ્મ હશે. આવા લોકોએ ‘ગદર’ને પૂરી રીતે નીચે પછાડી હતી. જોકે લોકોને એ ફિલ્મ ગમી અને એ ફિલ્મ આગળ વધી. મને યાદ છે કે એક અવૉર્ડ શોમાં ‘ગદર’નું સ્પૂફ પણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ અમને કોઈ ફરક નહોતો પડ્યો. મારી અન્ય ફિલ્મ ‘ઘાયલ’ અને ‘દિલ’ સાથે પણ ક્લૅશ થયો હતો. એની કોઈ સરખામણી ન કરી શકાય, પરંતુ લોકોને એ ગમે છે. મારો કહેવાનો અર્થ એ છે કે જે ફિલ્મ વધારે સારી હોય છે એની તમે સરખામણી શરૂ કરી દો છો. જે વસ્તુની સરખામણી નથી થઈ શકતી તો એ ન કરો.’