૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો એ સમયગાળામાં સુનીલ શેટ્ટી લૉસ ઍન્જલસમાં ‘કાંટે’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને તેની દાઢી અને ચહેરાના હાવભાવને કારણે પોલીસે તેને ગનપૉઇન્ટ પર પકડ્યો હતો
સુનીલ શેટ્ટી
૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો એ સમયગાળામાં સુનીલ શેટ્ટી લૉસ ઍન્જલસમાં ‘કાંટે’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને તેની દાઢી અને ચહેરાના હાવભાવને કારણે પોલીસે તેને ગનપૉઇન્ટ પર પકડ્યો હતો, હાથકડી પહેરાવી દીધી હતી અને ઘૂંટણિયે પાડી દીધો હતો.
આ ઘટના વિશે એક યુટ્યુબ ચૅનલ પર વાતચીત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો એ અરસામાં અમે લૉસ ઍન્જલસ પહોંચ્યા હતા. ટીવી પર આ સીન બતાવવામાં આવતા હતા અને તમામ લોકો ટેન્શનમાં હતા. ખૂબ જ તંગદિલીભરી પરિસ્થિતિ હતી. એ સમયે મને ગનપૉઇન્ટ પર પકડવામાં આવ્યો, કારણ કે મારે દાઢી હતી. થોડા દિવસ પહેલાં જ અમે શૂટિંગ શરૂ કર્યું હતું. હું હોટેલમાં જઈ રહ્યો હતો અને લિફ્ટમાં જવા જતો હતો ત્યારે મને ભાન થયું કે હું ચાવીઓ ભૂલી ગયો છું. ત્યાં એક અમેરિકન જેન્ટલમૅન હતો અને મેં તેને પૂછ્યું કે શું તારી પાસે ચાવીઓ છે? કારણ કે હું મારી ચાવી ભૂલી ગયો છું અને સ્ટાફ જતો રહ્યો છે. તે તાત્કાલિક બહાર દોડ્યો અને ધમાલ મચાવી દીધી. થોડી જ ક્ષણોમાં પોલીસ આવી અને મને કહ્યું કે બેસી જા અથવા અમે શૂટ કરી દઈશું.’
ADVERTISEMENT
સુનીલ શેટ્ટી માટે આ આખી ઘટના શૉકસમાન હતી. તેને ઘૂંટણિયે બેસી જવા કહેવામાં આવ્યું અને હાથકડી પહેરાવી દેવામાં આવી. થોડી જ ક્ષણોમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. નસીબજોગે ફિલ્મની પ્રોડક્શન ટીમ અને હોટેલનો પાકિસ્તાની મૅનેજર ત્યાં આવ્યો અને તેણે ખુલાસો કર્યો કે સુનીલ શેટ્ટી તો ઍક્ટર છે. સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે ‘એ પછી પ્રોડક્શન ટીમ આવી અને હોટેલ-મૅનેજરે બધું સમજાવ્યું. મને ત્યારે એ નહોતું સમજાતું કે આગલી ક્ષણે શું થવાનું છે. મેં કદાચ પેલા અમેરિકનને લિફ્ટ અને ચાવી એ બે શબ્દો ઇશારાથી કહ્યા હતા એટલે કદાચ તેને ગેરસમજ થઈ હશે. આને કારણે આ આખી ગરબડ થઈ હશે એવું હું માનું છું જે મારા વિરુદ્ધ ગઈ.’

