ફિલ્મનિર્માતા સુભાષ ઘઈએ આ પરિસ્થિતિ માટે જવાબદાર ફાઇનૅન્શ્યલ મિસમૅનેજમેન્ટ અને સ્ટાર્સની વધારે પડતી ફી તેમ જ ફિલ્મના ઊંચા બજેટની કડક આલોચના કરી
સુભાષ ઘઈ
હમણાં બૉલીવુડમાં મોટા ભાગની ફિલ્મો નુકસાન કરી રહી છે ત્યારે દિગ્ગજ ફિલ્મમેકર સુભાષ ઘઈએ આ પરિસ્થિતિ માટે જવાબદાર ફાઇનૅન્શ્યલ મિસમૅનેજમેન્ટ, સ્ટાર્સની વધુ પડતી ફી તેમ જ ફિલ્મના બહુ ઊંચા બજેટની કડક આલોચના કરી છે. તેમણે અભિનેતાથી નિર્માતા બનેલા કેટલાક લોકોમાં ક્રીએટિવ અને બિઝનેસ-સ્કિલની ખામી હોવાનો આરોપ પણ મૂક્યો છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં સુભાષ ઘઈએ જણાવ્યું છે કે ‘જ્યારે કોઈ ફિલ્મ ૧૦૦ રૂપિયામાં પણ બની શકે છે ત્યારે એનું બજેટ ૧૦૦૦ રૂપિયા જેટલું કરી નાખવામાં આવે છે. આ સંજોગોમાં બાકીના ૯૦૦ રૂપિયાનું ફાઇનૅન્શ્યલ શોષણ થાય એવી શક્યતા વધી જાય છે. એક જમાનામાં ફિલ્મનિર્માણ એ કામ પ્રત્યેના લગાવ અને સ્કિલ પર આધારિત હતું, પણ હવે આખી પ્રક્રિયા અલગ-અલગ વિભાગોમાં વિભાજિત કરી દેવામાં આવી છે એને કારણે કોઈ બજેટ-નિયંત્રણ પર ધ્યાન નથી આપી રહ્યું.’
ADVERTISEMENT
સ્ટાર્સની ફી વિશે વાત કરતાં સુભાષ ઘઈએ કહ્યું કે ‘અમે ક્યારેય સ્ટાર્સને બજેટના ૧૦-૧૫ ટકાથી વધુ રકમની ચુકવણી નથી કરતા, પણ આજે અભિનેતા લગભગ ૭૦ ટકા હિસ્સો પોતાના ખિસ્સામાં નાખી દે છે. આ ટ્રેન્ડ ફિલ્મનિર્માતાઓ દ્વારા નહીં પણ પોતાની બૅલૅન્સશીટમાં આંકડા વધારીને દેખાડવા માટે ઉત્સુક કૉર્પોરેટ પ્રોડક્શન હાઉસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.’

