જોકે બન્ને અભિનેત્રીઓએ ના પાડી દીધા પછી આખરે કરીના કપૂરને સાઇન કરવામાં આવી હતી
‘યાદેં’ ફિલ્મ
બૉલીવુડમાં એવી અનેક ફિલ્મો છે જેની સ્ટારકાસ્ટ દમદાર હોય અને એને બનાવનાર ફિલ્મમેકર ટૅલન્ટેડ હોય છતાં પણ ફિલ્મ સદંતર ફ્લૉપ ગઈ હોય. આવી જ એક ફિલ્મ છે ફિલ્મમેકર સુભાષ ઘઈની ‘યાદેં’. આ ફિલ્મ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી અને એમાં એ સમયનાં ટોચનાં સ્ટાર્સ હૃતિક રોશન અને કરીના કપૂરની જોડી હતી. જોકે ફિલ્મ સદંતર નિષ્ફળ સાબિત થઈ હતી. આ ફિલ્મ સિંગલ પિતા અને તેની ત્રણ દીકરીઓ વચ્ચેની રિલેશનશિપની સ્ટોરી પર હતી અને એમાં કરીના કપૂર ખાને જૅકી શ્રોફની દીકરી ઈશા પુરીનો રોલ ભજવ્યો હતો.
હવે આ ફિલ્મ સાથે સંકળાયેલી કેટલીક અજાણી હકીકતો જાહેર થઈ છે. હકીકતમાં આ ફિલ્મમાં હૃતિક સામે હિરોઇન તરીકે કરીના પહેલી પસંદગી નહોતી. સુભાષ ઘઈ પોતાની આ ફિલ્મ માટે ફ્રેશ ચહેરો ઇચ્છતા હતા અને તેઓ આ રોલ માટે ૨૦૦૦માં મિસ વર્લ્ડ બનેલી પ્રિયંકા ચોપડાને સાઇન કરવા ઇચ્છતા હતા, પણ પ્રિયંકા ખાસ કૉન્ટ્રૅક્ટ સાથે બંધાયેલી હોવાને કારણે એ શક્ય બન્યું નહોતું. એ પછી આ રોલ હૃતિક રોશન સાથે ‘કહો ના પ્યાર હૈ’માં હિરોઇન તરીકે ચમકનારી અમીષા પટેલને ઑફર કરવામાં આવ્યો હતો. જોકે એ સમયે અમીષા પણ આ ફિલ્મ કરી શકે એમ નહોતી. આખરે આ ફિલ્મની ઑફર કરીના કપૂરને કરવામાં આવી અને કરીના આ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી.
ADVERTISEMENT
કરીનાને જ્યારે ‘યાદેં’ ઑફર થઈ ત્યારે તે કરીઅરના નબળા તબક્કામાંથી પસાર થઈ રહી હતી, કારણ કે તેની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ પછી બીજી ફિલ્મ ‘મુઝે કુછ કહના હૈ’ પણ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી. આ પછી તેણે ‘યાદેં’ સાઇન કરી હતી, પણ દર્શકોને આ ફિલ્મની વાર્તા કે પછી મ્યુઝિક પસંદ નહોતાં પડ્યાં.

