સ્ત્રી 2, ખેલ ખેલ મેં અને વેદા
સ્ત્રી 2, ખેલ ખેલ મેં અને વેદાનાં પોસ્ટર્સ
દેશની આઝાદીનું પર્વ મનાવવાની સાથે લોકોને થિયેટરમાં ત્રણ અલગ-અલગ વિષય પર આધારિત ફિલ્મો જોવાની તક મળવાની છે. આજે થિયેટરમાં લોકોને ડરાવવા આવી રહી છે શ્રદ્ધા કપૂર. તેની હૉરર-કૉમેડી ‘સ્ત્રી 2’ આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘સ્ત્રી’ની સીક્વલ છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બૅનરજી લીડ રોલમાં છે. ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી મધ્ય પ્રદેશના ચંદેરી ગામની છે જ્યાં માથા વગરના પ્રાણીનો આંતક છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ પણ આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મ અક્ષય, તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, ફરદીન ખાન, પ્રજ્ઞા જયસ્વાલ અને આદિત્ય સીલની આસપાસ ફરે છે. તેઓ એક ગેમ રમે છે અને પુરુષોને પોતાના ફોન અનલૉક કરવા કહે છે જેથી તેમના ફોનમાં રહેલાં સીક્રેટ્સ તેઓ જાણી શકે. આ ફિલ્મને મુદસ્સર અઝીઝે ડિરેક્ટ કરી છે, જેણે અગાઉ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ ડિરેક્ટ કરી હતી.
ADVERTISEMENT
જૉન એબ્રાહમની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘વેદા’ પણ આજે રિલીઝ થઈ છે. ફિલ્મમાં શર્વરી વાઘ પણ છે. નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મની સ્ટોરી રાજસ્થાનના બાડમેરની છે, જે ઊંચ-નીચના ભેદભાવમાં માનતી સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં વેદાના રોલમાં શર્વરી છે જે બૉક્સર બનવા માગે છે. આર્મીમાંથી તગેડી મૂકવામાં આવેલા મેજર અભિમન્યુનું કૅરૅક્ટર ભજવનાર જૉન એબ્રાહમ તેની મદદ કરે છે.