જવાનને પછાડીને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ સ્ત્રી 2 : જવાનની હિન્દી આવૃત્તિનું કલેક્શન ૫૮૨.૩૧ કરોડ રૂપિયા હતું, મંગળવાર સુધીમાં સ્ત્રી 2નું થયું ૫૮૬ કરોડ રૂપિયા
`સ્ત્રી 2`નું સીન, `જવાન`નો સીન
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’એ ઇતિહાસ રચી દીધો છે. આ હૉરર કૉમેડી હિન્દી ફિલ્મજગતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘સ્ત્રી 2’એ બૉલીવુડના બાદશાહ ગણાતા શાહરુખ ખાનની ‘જવાન’ને પાછળ પાડીને આ ખિતાબ મેળવ્યો છે. ‘જવાન’ની હિન્દી આવૃત્તિનું લાઇફટાઇમ નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન ૫૮૨.૩૧ કરોડ રૂપિયા હતું, જ્યારે ‘સ્ત્રી 2’એ મંગળવારના અંતે કુલ ૫૮૬ કરોડ રૂપિયા રળી લીધા છે. બન્ને ફિલ્મોનો આ બિઝનેસ ભારતનો છે.
‘સ્ત્રી 2’નું નિર્માણ કરનારી કંપની મૅડૉક ફિલ્મ્સે આ સિદ્ધિ ઊજવવા સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને લખ્યું કે ‘વો સ્ત્રી હૈ ઔર ઉસને આખિર કર દિખાયા... હિન્દુસ્તાન કી સબસે સર્વશ્રેષ્ઠ નંબર વન હિન્દી ફિલ્મ ઑફ ઑલ ટાઇમ. યે ઇતિહાસ હમારે સાથ રચને કે લિએ સબ ફૅન્સ કો બહુત બહુત ધન્યવાદ. ‘સ્ત્રી 2’ થિયેટરોમાં હજી સફળતાપૂર્વક ચાલી રહી છે... થિયેટર આઓ, કુછ ઔર નએ રેકૉર્ડ્સ રચતે હૈં.’
ફિલ્મનાં હીરો-હિરોઇન રાજકુમાર અને શ્રદ્ધાએ પણ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પોસ્ટ શૅર કરી હતી.