શર્મિલા ટાગોરનું કહેવું છે કે વર્તમાનમાં અમિતાભ બચ્ચન માટે સ્પેશ્યલ સ્ક્રિપ્ટ લખવામાં આવે છે, પરંતુ જૂના જમાનાની અભિનેત્રીઓ માટે નથી લખવામાં આવતી.
શર્મિલા ટાગોર
શર્મિલા ટાગોરનું કહેવું છે કે વર્તમાનમાં અમિતાભ બચ્ચન માટે સ્પેશ્યલ સ્ક્રિપ્ટ લખવામાં આવે છે, પરંતુ જૂના જમાનાની અભિનેત્રીઓ માટે નથી લખવામાં આવતી. શર્મિલા ટાગોરે ૨૦૧૦માં આવેલી ‘બ્રેક કે બાદ’માં કામ કર્યું હતું. હવે તેઓ ફૅમિલી-ડ્રામા ‘ગુલમોહર’ ફિલ્મ દ્વારા પાછાં આવી રહ્યાં છે. આ ફિલ્મમાં તેમની સાથે મનોજ બાજપાઈ પણ જોવા મળશે. આ ફિલ્મ ત્રીજી માર્ચે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. વયસ્ક મહિલા ઍક્ટ્રેસિસ સાથે રોલની દૃષ્ટિએ ઓરમાયું વર્તન થાય છે. એ વિશે શર્મિલા ટાગોરે કહ્યું કે ‘આજે પણ વયોવૃદ્ધો પ્રત્યે ઓરમાયું વર્તન થાય છે, કારણ કે પાવરફુલ રોલ્સ તો પુરુષોને મળે છે. ઉદાહરણ તરીકે સ્પેશ્યલ સ્ક્રિપ્ટ અમિતાભ બચ્ચન માટે લખવામાં આવે છે, પરંતુ વહીદા રહમાનજી માટે અને વીતેલા જમાનાની અન્ય અભિનેત્રીઓ માટે નથી લખવામાં આવતી. સિનેમા સમાજનું પ્રતિબિંબ છે. એથી ફિલ્મનું ઇકૉનૉમિક્સ પણ અગત્યનું છે. તમારે દર્શકોને ખેંચી લાવવાના હોય છે. અનેક મૅચ્યોર ઍક્ટર્સ પણ છે. ઉદાહરણ તરીકે નીના ગુપ્તા અદ્ભુત ઍક્ટર છે. એવા અનેક કલાકારો છે. ડિજિટલ પ્લૅટફૉર્મ ઉત્કૃષ્ટ કલાકારોથી ભરેલું છે. સમય બદલાશે, પરંતુ સમય લાગશે.’