સૂદ ચૅરિટી ફાઉન્ડેશન દ્વારા આ નેક કામ કરવામાં આવશે
સોનુ સૂદ
સોનુ સૂદે વરિષ્ઠોની ઘૂંટણની સર્જરી કરાવવાની પહેલ શરૂ કરી દીધી છે. એને માટે તેણે ‘કદમ બઢાયે જા’ પહેલ શરૂ કરી છે. સૂદ ચૅરિટી ફાઉન્ડેશન દ્વારા આ નેક કામ કરવામાં આવશે. આ ફાઉન્ડેશન ફ્રીમાં ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ્સની સગવડ પૂરી પાડશે. આ બધી સર્જરી મુંબઈમાં થશે. એ વિશે સોનુ સૂદે કહ્યું કે ‘૫૦ વર્ષની ઉંમર બાદ ઘૂંટણની તકલીફ વધી જાય છે. કેટલાક ગંભીર કેસમાં ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂર પડે છે. આ સર્જરી ખર્ચાળ હોવાથી આ સારવાર બધાને પોસાય એમ નથી. સૂદ ચૅરિટી ફાઉન્ડેશન ‘કદમ બઢાયે જા’ પહેલ દ્વારા આવા પેશન્ટ્સને નૉર્મલ લાઇફ જીવવા માટે મદદ કરશે. હું જ્યારે સિનિયર સિટિઝનને જોઉં છું, જેમણે તેમનાં બાળકોને ચાલતાં શીખવાડ્યું છે તેઓ જ જ્યારે ચાલવામાં સક્ષમ નથી હોતા એથી તેમને જોઈને મને તકલીફ થાય છે. લોકો પોતાના પેરન્ટ્સની હેલ્થ તરફ કેમ ધ્યાન નથી આપતા. વરિષ્ઠો માટે આપણો સમાજ કેમ કાંઈ નથી કરતો. આ પહેલ દ્વારા હું મારાથી બનતા પ્રયાસ કરું છું. જો મારા હાથમાં હોત તો હું કોઈ પણ વરિષ્ઠને સારવારથી વંચિત ન રહેવા દેત. આજે આપણે જે છીએ તેમને કારણે જ છીએ. તેમની તરફ દુર્લક્ષ કેમ કરાય?’