બીએમસીની નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં ગયો સોનુ સૂદ
સોનુ સૂદ
બૉમ્બે હાઈ કોર્ટના ઑર્ડરને ફગાવતાં સોનુ સૂદે હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે. મુંબઈના જુહુમાં આવેલા તેના બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ માટે તેને બીએમસી દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. આ માટે તેણે બૉમ્બે હાઈ કોર્ટમાં થોડા સમય માટેની અરજી કરી હતી. ગુરુવારે સોનુ સૂદની આ અરજીને બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. બીએમસી દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્રૉપર્ટી સોનુ સૂદની નથી. જોકે બીએમસી દ્વારા આપવામાં આવેલી નોટિસ સોનુ સૂદના નામે છે અને એ હાલમાં સોનુ સૂદ દ્વારા ઑક્યુપાઇ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. સોનુ સૂદે છ સ્ટોરી બિલ્ડિંગ ‘શક્તિ સાગર’માં ગેરકાયદે બાંધકામ કરીને એને હોટેલમાં પરિવર્તન કરવાનું નક્કી કર્યું હતું એવો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે સોનુ સૂદે જવાબ આપ્યો હતો કે તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું અને તેણે જરૂરી તમામ પરવાનગી લીધી હતી.

