પ્રતિભા અડવાણી અને લાલ કૃષ્ણ અડવાણીજી ઘણા લાંબા સમયથી મારા જીવનનો હિસ્સો રહ્યાં છે એટલે મારી DTUની કૉન્સર્ટ બાદ મેં તેમની સાથે લંચ કરવા વધુ એક દિવસ દિલ્હીમાં રહેવાનો નિર્ણય લીધો હતો
લાલ કૃષ્ણ અડવાણી અને પ્રતિભા અડવાણીને દિલ્હીમાં મળ્યો સોનુ નિગમ
જાણીતા સિંગર સોનુ નિગમે હાલમાં દિલ્હીમાં દિલ્હી ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટી (DTU)માં તેના કાર્યક્રમ બાદ ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી અને તેમની દીકરી પ્રતિભા અડવાણીની મુલાકાત લીધી હતી. તે દિલ્હીમાં જૂના મિત્રોને પણ મળ્યો હતો અને તેમના ઘરે પણ ગયો હતો.
આ મુદ્દે સોનુ નિગમે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લાલ કૃષ્ણ અડવાણી અને પ્રતિભા અડવાણી સાથે તેની તસવીર સાથેનો વિડિયો શૅર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે મને સિંધી જમવાનું ખૂબ પસંદ છે અને પ્રતિભા અડવાણીએ મને સિંધી કઢી ખવડાવી હતી. આ મુદ્દે તેણે એક કૅપ્શનમાં લાંબી નોટ પણ મૂકી હતી જેમાં સોનુએ લખ્યું હતું કે ‘પ્રતિભા અડવાણી અને લાલ કૃષ્ણ અડવાણીજી ઘણા લાંબા સમયથી મારા જીવનનો હિસ્સો રહ્યાં છે એટલે મારી DTUની કૉન્સર્ટ બાદ મેં તેમની સાથે લંચ કરવા વધુ એક દિવસ દિલ્હીમાં રહેવાનો નિર્ણય લીધો હતો. મારી મમ્મી સિંધીઓ વચ્ચે મોટી થઈ હતી એટલે સિંધી ભોજન મારા બાળપણમાં એક મહત્ત્વનો હિસ્સો રહ્યું હતું. પ્રતિભા આ વાત જાણે છે અને એટલે તેમણે દાલ-પકવાન સિવાય મારા માટે સિંધી કઢી પણ બનાવી હતી. અડવાણીજી ૯૭ વર્ષના છે અને હંમેશની જેમ ખૂબસૂરત છે. આ મારો એક્સટેન્ડેડ પરિવાર છે.’

