તેને ક્રાઇમ થ્રિલર જોવાં ગમે છે. જોકે તેને એવું લાગે છે કે કેટલીક સિરીઝ એવી છે જેમાં તે બંધબેસતી નથી.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાનું કહેવુ છે કે તે એવી ફિલ્મોમાં કામ નહીં કરે જેને ફૅમિલી સાથે બેસીને ન જોઈ શકાય. તેની વેબ-સિરીઝ ‘દહાડ’ હાલમાં જ રિલીઝ થઈ છે. એ શોમાં તે પોલીસ અંજલિ ભાટીના રોલમાં દેખાઈ હતી. તેને ક્રાઇમ થ્રિલર જોવાં ગમે છે. જોકે તેને એવું લાગે છે કે કેટલીક સિરીઝ એવી છે જેમાં તે બંધબેસતી નથી. એ વિશે સોનાક્ષીએ કહ્યું કે ‘એમાંના કેટલાક શો છે જેવા કે ‘પાતાલ લોક’, ‘સેક્રેડ ગેમ્સ’ અને મિર્ઝાપુર’ મને ગમે છે. જોકે મને એની ખાતરી નથી કે હું એમાં બંધ બેસીશ કે નહીં. એમાં વધુ બોલ્ડ કન્ટેન્ટ છે. જોકે એને જોવાની મને મજા આવી હતી. હું હંમેશાં એવી ફિલ્મો કરવા માગું છું કે જેને આખા પરિવાર સાથે બેસીને જોઈ શકાય. જો એમાં કાંઈક એવું હોય જે જોઈને તેઓ અસહજ અનુભવે તો એમાં હું કામ નહીં કરું. એવી રીતે હું પસંદ કરીશ. એવું નથી કે મને કોઈએ કહ્યું છે. મારું એટલું જ માનવું છે કે મારી ફૅમિલી સાથે બેસીને હું જોઈ શકું અને તેઓ અનકમ્ફર્ટેબલ ન થવા જોઈએ. હું પૂરતું કામ કરુ છું. ૧૩ વર્ષથી હું હજી પણ સક્રિય છું. હું જેમાં કમ્ફર્ટેબલ હોઉં એ કામ કરું છું. એથી શરૂઆતમાં જ હું મારી ઇચ્છા વ્યક્ત કરી દઉં છું. મને કોઈ કામ ઑફર કરવામાં આવે અને હું એમાં કમ્ફર્ટેબલ ન હોઉં તો હું સ્પષ્ટ જણાવી દઉં છું. તેમને પણ એ વાતની જાણ હોવી જરૂરી છે. પછી તો તેમની મરજી છે કે મને રિપ્લેસ કરવી છે કે નહીં.’