રણબીર અને આલિયા તરફ કર્યો આડકતરી રીતે ઇશારો
કંગના રનોટ
કંગના રનોટે બૉલીવુડની ફેમસ જોડી પર જાસૂસી કરવાનો આરોપ મૂક્યો છે. સાથે જ વાત-વાતમાં તેણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તરફ નામ લીધા વગર ઇશારો કરી દીધો છે. કંગનાનું કહેવું છે કે તેણે જે સાડી તેના ભાઈના રિસેપ્શનમાં પહેરી હતી એવી સાડી આલિયાએ તેનાં લગ્નમાં પહેરી હતી. ઇન્સ્ટાસ્ટોરી પર એક લાંબી પોસ્ટ શૅર કરીને કંગનાએ લખ્યું કે ‘હું જ્યાં પણ જાઉં છું મારો પીછો અને જાસૂસી કરવામાં આવે છે. રસ્તાઓ પર જ નહીં; પરંતુ મારા બિલ્ડિંગના પાર્કિંગમાં, મારા ઘરની ટેરેસ પર તેઓ ઝૂમ લેન્સ દ્વારા મને કૅપ્ચર કરે છે. દરેક જાણે છે કે પાપારાઝી સ્ટાર્સને કવર કરવા ત્યારે જ જાય છે જ્યારે તેમને માહિતી આપવામાં આવે છે. તેમણે સ્ટાર્સને ક્લિક કરવા માટે ચાર્જ લેવાનું શરૂ કરી દીધું હોય તો મેં કે પછી મારી ટીમે તેમને પૈસા નથી આપ્યા તો પછી કોણે આપ્યા છે? સવારે સાડાછ વાગ્યે મને ક્લિક કરવામાં આવી. તેમને મારા શેડ્યુલની માહિતી કોણે આપી? આ ફોટો સાથે તેઓ શું કરે છે? મેં આજે સવારે મારું કોરિયોગ્રાફી પ્રૅક્ટિસ સેશન પૂરું કર્યું હતું. એ વખતે સ્ટુડિયોમાં કોઈને આવવાની માહિતી નહોતી આપવામાં આવી તો પછી તેઓ રવિવારે આટલી ભારે સંખ્યામાં કઈ રીતે પહોંચી ગયા? મને એવું લાગે છે કે મારા વૉટ્સઍપ ડેટા, પ્રોફેશનલ ડીલ્સ કાં તો મારી પર્સનલ લાઇફની માહિતીઓ લીક થઈ છે. આ ઑબ્સેસ્ડ નેપો માફિયા એક વખત મારા ઘરના દરવાજે વગર બોલાવ્યે આવી ગયો હતો. તે વુમનાઇઝર તરીકે ઓળખાય છે અને કેટલીય મહિલાઓ સાથે તેના સંબંધો રહ્યા છે. જોકે હવે તે નેપો માફિયા બ્રિગેડનો વાઇસ-પ્રેસિડન્ટ છે. તેણે પોતાની વાઇફને પ્રોડ્યુસર બનવા માટે વિવશ કરી અને તે વધુમાં વધુ મહિલાપ્રધાન ફિલ્મો બનાવે. તે મારા જેવાં જ કપડાં પહેરે છે એટલું જ નહીં, તેણે તો મારા ઘર જેવું ઇન્ટીરિયર પણ ડિઝાઇન કરાવ્યું છે. તેણે મારા સ્ટાઇલિસ્ટને હાયર કર્યો. પોતાનાં લગ્નમાં તેણે એવી જ સાડી પહેરી જે મેં મારા ભાઈના રિસેપ્શનમાં પહેલી હતી. એ ખરેખર વિચિત્ર છે. મારા એક કૉસ્ચ્યુમ ડિઝાઇનર ફ્રેન્ડ છે જેને હું એક દાયકાથી પણ વધુ સમયથી જાણું છું, તે હવે આ કપલ સાથે કામ કરે છે. મારા ફાઇનૅન્સર અને બિઝનેસ પાર્ટનર્સ કોઈ પણ પ્રકારની માહિતી આપ્યા વગર જ ડીલ કૅન્સલ કરી દે છે. મને એવું લાગે છે કે તેઓ મને અલગ કરવાના અને મને માનસિક ત્રાસ આપવાના પ્રયાસ કરી રહ્યા છે. તે બન્ને એક જ બિલ્ડિંગમાં અલગ ફ્લોર પર રહે છે. મારી તેને સલાહ છે કે આવી વ્યવસ્થાને તેણે ના પાડવી જોઈએ અને તેના હસબન્ડ પર ચાંપતી નજર રાખવી જોઈએ. તે મારા ડેટા કેવી રીતે મેળવે છે અને એની પાછળનો ઉદ્દેશ શું છે, કારણ કે જો તે મુશ્કેલીમાં આવશે તો તેની વાઇફ અને તેનું બેબી પણ તકલીફમાં મુકાશે. તેણે પોતાની લાઇફ પોતાની મરજી પ્રમાણે જીવવી જોઈએ. સાથે જ ખાતરી કરી લેવી જોઈએ કે તેનો હસબન્ડ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં ન ફસાય. તને અને તારી દીકરીને ભરપૂર પ્રેમ.’