‘કૌન બનેગા શેખાવતી’
સોહા અલી ખાન
‘મુંબઈ મેરી જાન’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘તુમ મિલે’, ‘રંગ દે બસંતી’ જેવી ફિલ્મો માટે જાણીતી અભિનેત્રી સોહા અલી ખાન પણ હવે ડિજિટલ ડેબ્યુ કરવાની છે. સોહા ડિઝની પ્લસ હૉટસ્ટારની સિરીઝ ‘કૌન બનેગા શેખાવતી’માં મહત્ત્વનો રોલ કરવાની છે. ‘કૌન બનેગા શેખાવતી’ની વાર્તા રાજસ્થાનના એક રૂઢિચુસ્ત રાજાની ચાર દીકરીઓ આસપાસ ફરે છે અને સોહા અલી ખાન એમાંની એક દીકરી તરીકે જોવા મળશે. ‘બંદિશ બૅન્ડિટ્સ’ અને ‘રૂસ્તમ’ જેવા વેબ પ્રોજેક્ટ કરી ચૂકેલા નસીરુદ્દીન શાહ ‘કૌન બનેગા શેખાવતી’માં રાજાનો રોલ કરવાના છે. તો સોહા અલી ખાન ઉપરાંત અન્ય ત્રણ દીકરીઓ તરીકે લારા દત્તા, આન્યા સિંહ અને કૃતિકા કામરા જોવા મળશે. ‘પીપલી લાઇવ’, ‘લગાન’ ફેમ રઘુબીર યાદવ પણ આ હૉટસ્ટાર સ્પેશ્યલ સિરીઝમાં સામેલ થયા છે.
‘કૌન બનેગા શેખાવતી’ મરાઠી હિટ ફિલ્મ ‘રજવાડે ઍન્ડ સન્સ’થી પ્રેરિત છે એવું કહેવાય છે. આ સિરીઝને ‘કલ હો ના હો’ ફેમ નિખિલ અડવાણી પ્રોડ્યુસ કરવાના છે અને ‘બાઝાર’ બનાવનારા ગૌરવ ચાવલા એને ડિરેક્ટ કરશે.

