મીઠી વસ્તુઓથી દૂર રહી ડ્રાયફ્રૂટ્સ ખાવાં જોઈએ તહેવાર દરમ્યાન: સોહા
સોહા અલી ખાન
સોહા અલી ખાન ઉત્સવ દરમ્યાન મીઠી વસ્તુઓથી દૂર રહીને ડ્રાયફ્રૂટ્સ ખાવાનો આગ્રહ રાખે છે. તેનું એમ પણ કહેવું છે કે સાકરને બદલે ગોળ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. આ વિશે વિસ્તારમાં જણાવતાં સોહા અલી ખાને કહ્યું હતું કે ‘દરેકને એ જાણ છે કે સાકર શેરડીમાંથી જ બનાવવામાં આવે છે. જોકે ગોળ વધુ કુદરતી છે અને એમાં ગળપણની પ્રક્રિયા પણ ઓછી છે. અમે જ્યારે નાનાં હતાં ત્યારે મારી મમ્મી એ વાતનું ખાસ ધ્યાન રાખતી હતી કે હું અને મારો ભાઈ જેમ બને એમ ઓછી મીઠી વસ્તુઓ ખાઈએ. એનું જ અનુકરણ કરતાં મારામાં પણ એ જ ગુણ આવ્યા છે. મારી અને મારી ફૅમિલીની હેલ્થને લઈને હું ખૂબ સજાગ રહું છું. તહેવારો દરમ્યાન હું ઘરે જે પણ મીઠી વસ્તુઓ બનાવું એમાં સાકરની જગ્યાએ ગોળનો ઉપયોગ કરું છું. ઘરે આમ પણ અમે મીઠા માટે ડ્રિન્ક્સ લઈએ છીએ. ગોળનો ઉપયોગ કરવાથી એ શરીરનું મેટાબોલિઝમ વધારે છે અને ધીમે-ધીમે ફૅટ ઘટાડવામાં મદદ કરે છે. સફેદ સાકરને બદલે ગોળ ખાવાથી શરીરમાંથી ઝેરી પદાર્થોને પણ એ બહાર કાઢવામાં મદદ કરે છે. મીઠા પદાર્થોથી દૂર રહેવા માટે હેલ્ધી ફૂડ્સ જેમ કે બદામ ખાવી હિતાવહ છે. એને દિવસ દરમ્યાન કોઈ પણ સમયે ખાઈ શકાય છે. ડાયાબિટીઝ અને વેઇટ મૅનેજમેન્ટ, હાર્ટ અને સ્કિનની હેલ્થ માટે એ ખૂબ ગુણકારી છે. આ બધાની સાથે જ તહેવારોમાં ઉત્સાહને જાળવી રાખવો પણ ખૂબ જરૂરી છે.’

