વડા પ્રધાન સાથે બેસીને ફિલ્મ જોવા મળી એને વિક્રાંત મેસીએ ગણાવી જીવનની ઉચ્ચતમ ક્ષણ
બાલયોગી ઑડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોતા નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી દિલ્હીના સંસદભવનના બાલયોગી ઑડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોઈ હતી. આ ફિલ્મ ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતના ગોધરા સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચને સળગાવી દેવાની ઘટના પર આધારિત છે. એ ઘટનામાં ૫૯ નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. આ ફિલ્મમાં એ ઘટનાનું સત્ય રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના સ્ક્રીનિંગમાં હીરો વિક્રાંત મેસી, પ્રોડ્યુસર એકતા કપૂર અને તેના પપ્પા જિતેન્દ્ર પણ ઉપસ્થિત હતાં. વિક્રાંત મેસીએ આ ક્ષણને તેની કરીઅરની સૌથી ઉચ્ચતમ ક્ષણ ગણાવીને કહ્યું હતું કે આ એક સ્પેશ્યલ અનુભવ હતો.
વડા પ્રધાન સાથે બેસીને ફિલ્મ જોયા બાદ વિક્રાંત મેસીએ કહ્યું કે મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમામ કૅબિનેટ મિનિસ્ટર્સ અને સંસદસભ્યો સાથે બેસીને આ ફિલ્મ જોઈ હતી. આ એક સ્પેશ્યલ અનુભવ હતો. હું એ અનુભવને શબ્દોમાં વર્ણવી શકું એમ નથી, પણ હું ઘણો ખુશ છું. આ મારા જીવનની સૌથી ઉચ્ચતમ ક્ષણ છે, કારણ કે મેં વડા પ્રધાન સાથે બેસીને મારી ફિલ્મ જોઈ છે.