અમારી પાસેથી લતાજી ગીત લઈ લેતાં પછી જાતે જ એને લખતાં, એમાં અમુક શબ્દોને હાઇલાઇટ કરતાં, એમાં કોમા અને હાઇફન્સ મૂકતાં જેના અર્થની એમને જ ખબર હતી. કોઈ ગાયક પોતાની કરીઅરના પહેલા ગીતને બહુ ધ્યાનથી ગાય, જ્યારે લતાજી આવું દરેક ગીતો માટે કરતાં
Lata Mangeshkar Special
જાવેદ અખ્તર
‘૧૯૮૧માં આવેલી ફિલ્મ સિલસિલામાં ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’થી અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું. મારા શબ્દોને લતાજી અને કિશોરકુમારે જીવંત બનાવી દીધા હતા. દરેક ગાયક પોતાના પહેલા ગીતને બહુ ધ્યાન દઈને ગાય, પરંતુ લતાજી આવું દરેક ગીત માટે કરતાં, માનવ ઇતિહાસમાં આવા કલાકારો બહુ ઓછા જોવા મળે. તેઓ અલગ જ હોય. લતાજી મહારાષ્ટ્રીયન હોવાને કારણે મરાઠી તો સારું બોલતાં જ હતાં પરંતુ હિન્દી ફિલ્મોના ગીતો ગાવાને કારણે કરિઅરની શરૂઆતમાં જ ઉર્દૂનું ઉચ્ચારણ શીખી લીધું હતું. તમે એમના એક પણ ગીતમાં એવું શોધી ન શકો કે એમણે ખોટું ઉચ્ચારણ કર્યું હોય. તેઓ હંમેશ અમારી પાસેથી ગીતો લઈ લેતાં પછી તેઓ જાતે જ એને લખતાં, અમુક શબ્દોને હાઇલાઇટ કરતાં અને પછી કોમા અને હાઇફન્સ મૂકતાં. એનો અર્થ શું થાય એ માત્ર લતાજીને ખબર હતી. ત્યાર બાદ તેઓ માઇક પર જતાં, ત્યારે એમણે ગીતમાં આપેલા પોતાના યોગદાનને અમે જોતા. ગીત કે ટ્યુનમાં ફેરબદલ કર્યા વગર લતાદીદી પતા નહીં ગાને મેં ક્યા ડાલ દેતી થી. તેઓ ગીતના ભાવને સમજતાં. ‘યે કહા આ ગયે હમ’ આ ગીતમાં એક લાઇન હતી કે ‘હુઈ ઔર ભી મુલાયમ મેરી શામ ઢલતે ઢલતે’ - મુલાયમનો અર્થ થાય નરમ, પોચું - તો તે તેઓના ઉચ્ચાર દ્વારા તમે કંઈક નરમ અને પોચું અનુભવો. એમનાં દરેક ગીતમાં તમને આવો ભાવ જોવા મળે. આ બહુ જ મુશ્કેલ છે, કારણ કે તેઓ માત્ર પાંચ મિનિટમાં ગીત ગાઈ લેતાં. એમાં કોઈ રિહર્સલ પણ નહીં, એમની આવી ક્ષમતાને કારણે જ તેઓ મહાન હતાં.’