સિદ્ધાર્થની આ કંપની સ્વતંત્ર સંગીતને પ્રોત્સાહન આપે છે
સિદ્ધાર્થ કશ્યપ
એકંદરે રાજનીતિમાં જોવા મળે છે કે પિતાની રાજનૈતિક સફર પુત્ર આગળ વધારે, પરંતુ મધ્યપ્રદેશનો એક યુવાન એવો છે જેણે રાજનીતિ સાંઠ-ગાંઠ છોડી સંગીતના સૂર પકડ્યા છે. આ વાત છે એસકે મ્યુઝિક વર્ક્સના સ્થાપક અને પ્રમોટર સિદ્ધાર્થ ક્યપ (Siddharth Kasyap)ની. સિદ્ધાર્થની આ કંપની સ્વતંત્ર સંગીતને પ્રોત્સાહન આપે છે. વર્ષ 2017થી એસકે મ્યુઝિક વર્ક્સે 32થી વધુ મ્યુઝિક વીડિયોઝ આપ્યા છે. `મ્યુઝિક મલંગ`, `મેરી અભિવ્યક્તિ`, `સોલફુલ વાઇબ્સ`, `એ રૂમ ઍન્ડ એ માઇક`, `સાઝમાતાઝ`, `રૉક ઑન હિન્દુસ્તાન` જેવા વિવિધ જેનરના પ્લેલિસ્ટ મ્યુઝિક કમ્પોઝર સિદ્ધાર્થ આપ્યા છે. તાજેતરમાં જ સિદ્ધાર્થે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તો ચાલો તેમના જ શબ્દોમાં જાણીએ કેવી છે તેમની સંગીતમય સફર...
શું છે જે તમને મ્યુઝિક કમ્પોઝર તરીકે પ્રેરણા આપે છે?
ADVERTISEMENT
મને પ્રેરણા આપે છે અવાજ (સાઉન્ડ્સ). હવાનો અવાજ, વહેતા પાણીનો અવાજ કે પછી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ. આ તમામ અવાજને લયબદ્ધ રીતે એક સાથે લાવી મ્યુઝિક બનાવીએ એ પ્રોસેસ અદ્ભુત છે અને તે મને પ્રેરકબળ પૂરું પાડે છે.
તમારા મતે મ્યુઝિક કમ્પોઝ કરવાની પ્રોસેસમાં સૌથી પડકારજનક પાસું કયું?
એ તો મ્યુઝિક કમ્પોઝર પર છે કે તે કેટલો મોટો પડકાર ઝીલવા માગે છે. ઇમોશન સમજવા જરૂરી છે. જ્યારે કોઈ ફિલ્મ માટે સંગીત બનાવતા હોઈએ ત્યારે જુદું વલણ અપનાવવું પડતું હોય છે અને જ્યારે કોઈપણ ગીત કમ્પોઝ કરતાં હોઈએ ત્યારે જુદું. ગીતના બોલ શું છે તે પ્રમાણે સ્કોર તૈયાર કરવો પડે છે. એવું મ્યુઝિક તૈયાર કરવું કે જે તે ગીતના શબ્દોમાં રહેલી લાગણી શ્રોતાઓ સુધી પહોંચાડે તે સૌથી પડકારજનક પાસું છે.
તમારો સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ કયો હતો અને અમે તેમાંથી શું શીખ્યા?
મારા માટે સૌથી મુશ્કેલ પ્રોજેક્ટ હતો ‘પરફેક્ટ અમાલગમનેશન’ શૉ. આ શૉમાં મારે ૧૩ મ્યુઝિશન્સ જે ૩૫-૪૦ જુદા-જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડે છે તેને લયબદ્ધ કરવાના હતા. આ ઇન્સ્ટ્રુમેન્ટલ શૉ હતો. અમે ભારતના અલગ-અલગ ભાગના સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટલ રજૂ કરવાના હતા. મારા માટે સૌથી મોટું લર્નિંગ આ પ્રોજેક્ટમાંથી પેશન્સ અને આશાવાદ હતું. પોઝિટિવ એટિટ્યુડ કઈ રીતે કેળવવો તે પણ હું શીખ્યો.
સંગીતનું તમારું મનપસંદ જેનર કયું?
હું જે જેનરને શીખતો હોઉં – એક્સપ્લોર કરતો હોઉં તે જેનર મારું ફેવરેટ હોય છે. હું અગાઉ નવા સમયના સંગીત સાથે ક્યારે પણ આટલો બધો નજીક આવ્યો ન હતો, હાલ તેને એક્સપ્લોર કરી રહ્યો છું એટલે તે ફેવરેટ છે તેમ કહી શકાય.
તમારા મતે સફળ સંગીતનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ કયો છે?
આજના પરિપેક્ષ્યમાં જોઈએ તો ગીતની હૂકલાઇન અથવા કોઈ હૂકફ્રેઝ જેની સાથે લોકો કનેક્ટ કરી શકે.
તમારા ફેવરેટ મ્યુઝિક કમ્પોઝર કોણ છે?
મારા ફેવરેટ મ્યુઝિક કમ્પોઝર છે મારા મેન્ટર લક્ષ્મીકાંત-પ્યારેલાલ જોડીના પ્યારેલાલજી, તેઓ મારા ઑલ ટાઈમ ફેવરેટ મ્યુઝિક કમ્પોઝર છે. શંકર જયકિશન, ઓપી નૈયર, આર.ડી. બર્મનથી શંકર અહેસાન લોય, હું આ તમામ સંગીતકારોના ગીતો સાંભળીને હું મોટો થયો છું, માટે આ તમામ ફેવરેટ છે.
સોશિયલ મીડિયા પર ઓળખ બનાવવી મુશ્કેલ છે, તેની રીચ વધારવા શું કરવું?
આપણી વિશિષ્ટતા શું છે તેને સમજી અને તેને જાળવી રાખવી ખૂબ જરૂરી છે. વધુ લોકો સુધી પહોંચવાની લાલચમાં આપણી વિશેષતા છોડવી જોઈએ નહીં.
આગામી સમયમાં કયા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે?
અમે ડિસેમ્બરમાં પણ એક નવું ટ્રેક લઈને આવી રહ્યા છીએ. સાથે જ જાન્યુઆરીમાં આઝાદીના અમૃત મહોત્સવ પર મોહિત ચૌહાણ સાથે પણ એક ગીત પર કામ કરવાના છીએ.
આ પણ વાંચો: વૉરિયર ફિલ્મમાં દેખાશે વિકી?
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019માં સિદ્ધાર્થ કશ્યપને પેરિસ સ્થિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ મ્યુઝિશિયન દ્વારા આયોજિત `ઇન્ટરનેશનલ સ્ટ્રીમિંગ કોન્ફરન્સ`માં તેમના `પરફેક્ટ અમાલગમેશન` માટે ઍવોર્ડ મળ્યો છે. તેમની પ્રતિભા માટે તેમને ‘મિડ-ડે ગૌરવ આઇકોન’માં ‘આઇકોનિક કમ્પોઝર ફૉર કન્ટેમ્પરરી ફ્યૂઝન’નો ઍવોર્ડથી પણ એનાયત કરાયો હતો.