અક્ષયની ખેલ ખેલ મેં અને જૉનની વેદા સાવ ફસડાઈ પડી
પાર્ટી તો બનતી હૈ : ‘સ્ત્રી 2’ ગુરુવારે રિલીઝ થઈ છે ત્યારથી એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. એને જોતાં ફિલ્મની ટીમે સક્સેસ-પાર્ટી રાખી હતી જેમાં શ્રદ્ધા કપૂર, વરુણ ધવન, રાજકુમાર રાવ અને તેની વાઇફ પત્રલેખા, ક્રિતી સૅનન અને અભિષેક બૅનરજી પણ હાજર રહ્યાં હતાં. આ ફિલ્મના કલાકારોના ચહેરા પર સફળતાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’એ બૉક્સ-ઑફિસ પર તોફાન મચાવ્યું છે. બુધવારે રાતે પેઇડ પ્રીવ્યુ શોની સાથે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી. ૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે શુક્રવાર સુધીમાં ૧૦૦.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી ‘સ્ત્રી’ની સીક્વલ છે. આ બન્ને ફિલ્મોને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં હૉરરની સાથે હ્યુમરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બૅનરજી અને અપારશક્તિ ખુરાના પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી મધ્ય પ્રદેશના ચંદેરી ગામની છે જ્યાં માથા વગરના પ્રાણીનો આતંક છે. એનો આતંક તો અક્ષયકુમારની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ અને જૉન એબ્રાહમની ફિલ્મ ‘વેદા’ પર પણ ભારે પડી રહ્યો છે. ગુરુવારે આ ત્રણેય ફિલ્મો રિલીઝ થઈ છે. હજી તો રવિવારે પણ ‘સ્ત્રી 2’ અન્ય ફિલ્મો પર ભારે પડશે અને સોમવારે રક્ષાબંધન હોવાનો ફાયદો પણ આ ફિલ્મને મળી શકે છે. પહેલા દિવસે ‘સ્ત્રી 2’ સૌથી વધુ બિઝનેસ કરનારી બીજી ફિલ્મ બની છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો બુધવારે પેઇડ પ્રીવ્યુના ૯.૪૦ કરોડ, ગુરુવારે ૫૫.૪૦ અને શુક્રવારે ૩૫.૩૦ કરોડની સાથે કુલ મળીને ૧૦૦.૧૦ કરોડનો વકરો થયો છે.
ADVERTISEMENT
બીજી તરફ ‘ખેલ ખેલ મેં’ અને ‘વેદા’ લોકોની અપેક્ષાએ ખરી નથી ઊતરી. આ બન્ને ફિલ્મો બે દિવસમાં ૧૦ કરોડનું કલેક્શન પણ નથી કરી શકી. ‘ખેલ ખેલ મેં’એ બે દિવસમાં ૭.૬૫ કરોડ રૂપિયા અને ‘વેદા’એ ૮.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
બે દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયા
ટૉપ પાંચ ફિલ્મો બિઝનેસ (રૂપિયામાં)
પઠાન ૧૨૩ કરોડ
ઍનિમલ ૧૧૩.૧૨ કરોડ
જવાન ૧૧૧.૭૩ કરોડ
ટાઇગર ૩ ૧૦૧ કરોડ
‘KGF ઃ ચૅપ્ટર 2’ ૧૦૦.૭૪ કરોડ