કહ્યું કે મને મારા પાર્ટનર સાથે સમય પસાર કરવાનું ખૂબ ગમે છે
શ્રદ્ધા કપૂર રાહુલ મોદી સાથે
શ્રદ્ધા કપૂર સ્ટારર ‘સ્ત્રી 2’ OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ ચૂકી છે. ‘સ્ત્રી 2’ આ વર્ષની સૌથી હિટ ફિલ્મ તો છે જ, શ્રદ્ધા કપૂરની કરીઅરની પણ સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ છે. લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં શ્રદ્ધા કપૂરે પોતાની લવ લાઇફ વિશે વાત કરી છે. એક મૅગેઝિન સાથે વાત કરતાં શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘મને મારા પાર્ટનર સાથે સમય પસાર કરવાનું ખૂબ ગમે છે; તેની સાથે ફિલ્મ જોવી, ડિનર પર જવું અને ટ્રાવેલ કરવાનું મને ગમે છે. હું એવા લોકો પૈકીની છું જેમને બધી વસ્તુઓ એકસાથે કરવામાં પણ આનંદ આવે છે અને કંઈ ન કરતા હોઈએ ત્યારે ફુરસદની પળો માણવી પણ ગમે છે.’
જોકે શ્રદ્ધા કપૂરે પોતાના પાર્ટનરનું નામ લીધું નહોતું. લગ્ન વિશેના સવાલના જવાબમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે ‘લગ્નમાં વિશ્વાસ કરવો કે નહીં એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે યોગ્ય સાથી અને સાચા માણસનું સાથે હોવું જરૂરી છે. કોઈ લગ્ન કરવા ઇચ્છતું હોય તો એ સારી બાબત છે, પણ કોઈને લગ્ન ન કરવાં હોય તો એ પણ એટલું જ સાચું છે.’
શ્રદ્ધા કપૂરનું નામ સ્ક્રીનરાઇટર રાહુલ મોદી સાથે ચર્ચાતું આવ્યું છે. રાહુલ મોદી ‘તૂ જૂઠી મૈં મક્કાર’નો રાઇટર અને અસોસિએટ ડિરેક્ટર હતો, જેમાં શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર લીડ રોલમાં હતાં.