હવે ‘જવાન’ના ૬૪૩.૮૭ કરોડ રૂપિયાના લાઇફટાઇમ કલેક્શનને આંબીને ભારતની હાઇએસ્ટ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બનશે કે નહીં એના પર નજર
‘સ્ત્રી 2’
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવને ચમકાવતી ‘સ્ત્રી 2’એ રવિવારે ૫૦૦ કરોડ રૂપિયાનો માઇલસ્ટોન પાર કરી લીધો છે એટલું જ નહીં, આ ફિલ્મ શાહરુખ ખાનની ‘જવાન’ની લગોલગ ચાલી રહી છે. ‘જવાન’એ અઢારમા દિવસે ૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ‘સ્ત્રી 2’એ ૧૪ ઑગસ્ટની રાતના પેઇડ પ્રીવ્યુઝ ઉપરાંતના ૧૮ દિવસમાં આ સીમાચિહ્ન સર કર્યું છે.
૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને ‘સ્ત્રી 2’ હવે ‘જવાન’, ‘ગદર 2’, ‘પઠાન’, હિન્દી ‘બાહુબલી 2’ અને ‘ઍનિમલ’ની કક્ષામાં આવી ગઈ છે. આ ઉપરાંત ‘સ્ત્રી 2’એ હિન્દી ‘બાહુબલી 2’એ ૭ વર્ષ પહેલાં રચેલો ત્રીજા વીક-એન્ડના કલેક્શનનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. હિન્દી ‘બાહુબલી 2’એ ત્રીજા વીક-એન્ડમાં ૪૨.૫૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે ‘સ્ત્રી 2’એ ત્રીજા વીક-એન્ડમાં ૪૮.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
ADVERTISEMENT
રવિવારના અંતે ‘સ્ત્રી 2’એ ભારતમાં કુલ ૫૦૨.૩૫ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કર્યું છે. હવે એ જોવાનું છે કે ‘જવાન’ના ભારતના ૬૪૩.૮૭ કરોડ રૂપિયાના લાઇફટાઇમ કલેક્શનને આંબીને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની શકે છે કે નહીં.