આજે આપણે એવા કેટલાક સાંઈભક્તોને મળવાના છીએ જેમને સાંઈબાબાના પરમ ભક્ત બનાવવા માટે મનોજકુમારની આ ફિલ્મે ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.
૧૯૭૭માં રિલીઝ થયેલી ‘શિર્ડી કે સાંઈબાબા’
મનોજકુમાર આજે આપણી વચ્ચે નથી રહ્યા પણ તેમની ફિલ્મો હિન્દી સિનેજગતમાં હંમેશાં અમર રહેશે. તેમની ફિલ્મોની વાત થતી હોય ત્યારે ૧૯૭૭માં રિલીઝ થયેલી ‘શિર્ડી કે સાંઈબાબા’ને કેમ ભુલાય? આ એ જ ફિલ્મ હતી જે સુપરડુપર હિટ તો રહી જ હતી, પણ સાથે એની રિલીઝ બાદ શિર્ડી જનારા દર્શનાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. માત્ર મહારાષ્ટ્રમાંથી જ નહીં, દેશના ખૂણેખાંચરેથી લોકો શિર્ડી સુધી આવવા માંડ્યા હતા. ઘણા લોકો એવા હતા જેમને સાંઈબાબા વિશે જાણ તો હતી, પણ તેમના વિશે વિશેષ માહિતી નહોતી. તો કેટલાક એવા પણ હતા જેમને આ ફિલ્મ જોયા બાદ મનમાં શિર્ડી આવવાની ઇચ્છા જાગી હતી. આજે આપણે એવા કેટલાક સાંઈભક્તોને મળવાના છીએ જેમને સાંઈબાબાના પરમ ભક્ત બનાવવા માટે મનોજકુમારની આ ફિલ્મે ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.
પ્રેગ્નન્સી વખતે ફિલ્મ જોઈ અને હું ભક્ત બની ગઈ
ADVERTISEMENT
પ્રેગ્નન્સી દરમ્યાન ટીવી પર ‘શિર્ડી કે સાંઈબાબા’ જોયું અને હું તેમની ભક્ત બની ગઈ એવું કહેતાં મુલુંડનાં ૪૧ વર્ષનાં ભૂમિકા દાણી કહે છે, ‘જ્યારે હું બીજી વખત પ્રેગ્નન્ટ હતી ત્યારે હું મારા પિયરમાં હતી. મને ડ્રૉઇંગ કરવાનો શોખ છે, ફ્રી ટાઇમમાં હું ડ્રૉઇંગ કરું છું. પ્રેગ્નન્સી દરમ્યાન એક દિવસ મને સાંઈબાબાનો ખૂબ તેજસ્વી ફોટો ગૂગલ પર દેખાયો જેને મેં મારા કાગળ પર દોર્યો. હું તેમનો ફોટો જોઈને ખૂબ પ્રભાવિત થઈ ગઈ અને મને તેમના વિશે જાણવાની તાલાવેલી જાગી. કેમ કે અમારા ઘરમાં સાંઈબાબાને કોઈ ફૉલો કરતા નથી. મને તેમના વિશે કોઈ વિશેષ જ્ઞાન હતું નહીં એટલે મેં તેમના વિશે ઘણું બધું સર્ચ કરવાનું શરૂ કરી દીધું હતું. એટલામાં મારા હાથમાં ‘શિર્ડી કે સાંઈબાબા’ની ફિલ્મ આવી ગઈ. મેં એ જોઈ અને ફિલ્મ જોયા બાદ હું એટલી બધી આતુર થઈ ગઈ કે મને શિર્ડી જવાની ઇચ્છા થઈ આવી. મનોમન મેં તેમને મારા ગુરુ સ્વીકારી લીધા. જોકે મારા માટે શિર્ડી જવું સરળ નહોતું છતાં ઘણી કોશિશ બાદ હું શિર્ડી ગઈ અને ત્યાં ગયા બાદ હું શિર્ડીના મંદિરમાં સાંઈબાબાની મૂર્તિની સામે ઊભી રહીને ધ્રુસકે-ધ્રુસકે ખુશીનાં આંસુએ રડવા માંડી હતી. મને એવું લાગતું હતું કે હું બસ અહીં જ બેસી રહું. મને મંદિરની અંદર અને બહાર પણ એટલા બધા પરચા મળ્યા જે ચમત્કારથી ઓછા નહોતા.’
શ્રદ્ધા અનેકગણી વધી ગઈ
કાંદિવલીમાં રહેતાં ૬૪ વર્ષના વિજય ચંદારાણા કહે છે, ‘અમે પહેલાં ટાઉનમાં રહેતા હતા ત્યાં સાંઈબાબાનું મંદિર હતું. ત્યાં હું આવતાં-જતાં દર્શન કરી આવતો હતો, પરંતુ તેમની જીવનયાત્રાથી લઈને તેમના ચમત્કાર વિશે બહુ ઓછી માહિતી હતી. મને ફિલ્મનો આમ પણ બહુ શોખ. ૧૯૭૭માં હું થિયેટરમાં ‘શિર્ડી કે સાંઈબાબા’ ફિલ્મ જોવા ગયો. ફિલ્મ જોઈને બહાર આવ્યો ત્યારે જાણે મારી સાથે ચમત્કાર થયો હોય એવું લાગ્યું. મારી આસ્થા અને વિશ્વાસ અનેકગણાં વધી ગયાં. દર ગુરુવારે હું મંદિરની બહાર ગરીબોને ઈડલી-ચટણી ખવડાવતો. આજે પણ સાંઈબાબાના મંદિરની બહાર કોઈ ગરીબ દેખાય તો હું કંઈક ને કંઈક તેની ઝોળીમાં નાખી આવું છું. જ્યારે મને તેડું આવે ત્યારે હું શિર્ડી પહોંચી જાઉં છું. મને જ્યારે બાબાની યાદ આવે કે પછી કોઈ મૂંઝવણ હોય તો હું આ ફિલ્મ ચાલુ કરીને બેસી જાઉં. આપોઆપ રસ્તો મળી જાય છે. આજ સુધીમાં મેં લગભગ ૧૦૦ વખત આ ફિલ્મ જોઈ હશે.’
ફિલ્મ જોયા બાદ હું શિર્ડી જવા માટે ખૂબ એક્સાઇટેડ હતી
બોરીવલીમાં રહેતાં ૬૦ વર્ષનાં ગિરા દેસાઈ સંઝગિરિ કહે છે, ‘સાંઈબાબા વિશે ઘણું સાંભળ્યું હતું પણ વધારે માહિતી હતી નહીં. હું હાઈ સ્કૂલમાં હતી ત્યારે મેં આ ફિલ્મ જોઈ હતી. ફિલ્મ જોયા બાદ મને અંદરથી શિર્ડી જવાની એટલી બધી ઇચ્છા થવા લાગી કે ક્યારે મોકો મળે ને હું શિર્ડી જાઉં. જોકે એ સમયે શિર્ડી સુધી પહોંચવું કઠિન હતું અને બીજું કહું તો એ સમયે વધુ લોકો શિર્ડી જતા પણ નહોતા. મારે જવું હતું પણ જવાયું જ નહીં. હંમેશાં મારા મનનાં એક ખૂણે શિર્ડી જવાની ઇચ્છા રહેતી હતી જે લગ્ન બાદ પૂરી થઈ હતી. મારા હસબન્ડ સાંઈભક્ત હતા એટલે અમે લગ્ન બાદ ત્યાં ગયાં. ૧૯૮૫ની આસપાસની વાત છે જ્યારે શિર્ડી સુધી પહોંચવાની સુવિધા બરોબર ન નહોતી. અમે ટ્રેન, ત્યાર બાદ ઘોડાગાડી અને પછી પગપાળા શિર્ડી પહોંચ્યાં હતાં. ત્યારથી મને બાબાને જાણવાની એટલી બધી તાલાવેલી વધી ગઈ હતી કે બાબાની હયાતી દરમ્યાન જે ભક્તો તેમની સાથે હતા તેમના પરિવારના સભ્યોની પેઢીને શોધી-શોધીને હું મળું છું અને બાબા વિશે જેટલી માહિતી મળે એટલી ભેગી કરું છું.’
ફિલ્મ જોયા બાદ હું પગપાળા શિર્ડી ગઈ
‘શિર્ડી કે સાંઈબાબા’ ફિલ્મમાં એક સીન હતો જેમાં રાજેન્દ્રકુમાર ડૉક્ટર હોય છે અને તેઓ ચમત્કારમાં માનતા નથી, માત્ર સાયન્સ પર જ તેમને વિશ્વાસ છે. જ્યારે તેઓ નજરોનજર તેમના દીકરાની સાથે ચમત્કાર થતો જુએ છે ત્યારે તેમને વિશ્વાસ થઈ જાય છે. આ ઘટનાને મળતી આવતી એક ઘટના એક ભક્ત સાથે પણ થઈ હતી. કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં રહેતાં અને વ્યવસાયે ડૉક્ટર ૪૦ વર્ષનાં નંદિની મહેતા ધંજલ કહે છે, ‘એક ડૉક્ટરને સાયન્સ પર વધારે વિશ્વાસ હોય છે. મને પણ એવું જ હતું. જોકે હું સાંઈબાબાને માનતી તો હતી પરંતુ મારા પેરન્ટ્સની જેમ નહીં. બસ, ઘરમાં મૂકેલા ફોટોને પગે લાગી લેતી. ક્યારેય શિર્ડી નહોતી ગઈ. મારી મમ્મી રીટા મહેતા ઘણાં વર્ષોથી સાંઈબાબાની ભક્ત છે, પણ હું એટલું બધું તેમના વિશે જાણતી નહોતી. મને યાદ છે કે હું મેડિકલનો અભ્યાસ કરતી હતી ત્યારે ટીવી પર ‘શિર્ડી કે સાંઈબાબા’ મૂવી આવી હતી. મેં પ્રથમ વખત ત્યારે આ ફિલ્મ જોઈ અને મને એવું લાગવા માંડ્યું કે અરે હજી સુધી હું અહીં કેમ નથી ગઈ. મારે જવું જ જોઈએ. પણ કહેવાય છેને કે બાબા બોલાવે તો જ જવાય. મારા માટે પણ એવું જ થયું. કોઈ ને કોઈ કારણસર મારાથી જવાયું જ નહીં. થોડાં વર્ષ પછી મારી મમ્મી શિર્ડીની પદયાત્રામાં જવાની હતી. મને થયું કે મારે પણ તેની સાથે કંપની આપવા જવું જોઈએ અને પછી હું પણ તેમની સાથે જોડાઈ ગઈ હતી. મેં ત્યારે પાલખી ખભા પર ઉપાડી હતી. બદ્નસીબે મારો પગ મોચવાયો અને હું નીચે પડી. પગમાં ભારે સોજો ચડ્યો. ઊભા પણ ન થવાય. ત્યારે થયું કે આ વખતે પણ શિર્ડી નહીં જવાશે. મનોમન સાંઈબાબાને પ્રાર્થના કરી. બીજા દિવસે જાણે ચમત્કાર થયો હોય એમ બધો સોજો ગાયબ... અને મેં ફરી ચાલવાનું શરૂ કર્યું. શિર્ડી પહોંચીને બાબાનાં દર્શન કર્યાં અને જાણે વર્ષોની તપસ્યા પૂરી થઈ હોય એવું લાગ્યું.’

