તે એક સારો ઍક્ટર હોવાની સાથે એટલો જ સારો ડબિંગ આર્ટિસ્ટ પણ છે. તેણે હાલમાં જ ‘ધ લેજન્ડ ઑફ હનુમાન’ માટે રાવણનો અવાજ આપ્યો છે.
શરદ કેળકર
શરદ કેળકરનું કહેવું છે કે ફિલ્મમેકર્સ આજે પ્રોજેક્ટના માર્કેટિંગ પાછળ લાખો રૂપિયા ખર્ચી કાઢશે, પરંતુ એના સારા ડબિંગ પાછળ પૈસા નહીં ખર્ચે. તે એક સારો ઍક્ટર હોવાની સાથે એટલો જ સારો ડબિંગ આર્ટિસ્ટ પણ છે. તેણે હાલમાં જ ‘ધ લેજન્ડ ઑફ હનુમાન’ માટે રાવણનો અવાજ આપ્યો છે. તેણે અગાઉ બાહુબલી જેવાં ઘણાં પાત્રોને અવાજ આપી એને યાદગાર બનાવી હતી. આ વિશે વાત કરતાં શરદ કેળકરે કહ્યું કે ‘આ ખૂબ જ ફ્રસ્ટ્રેટિંગ છે, કારણ કે જે પ્રોજેક્ટ હિન્દી માર્કેટમાં સારું કામ કરી શકે એ નિષ્ફળ જઈ રહ્યા છે, કારણ કે મેકર્સ હવે ડબિંગ પ્રોસેસમાં વધુ પૈસા ખર્ચવા નથી માગતા. ઇન્ડસ્ટ્રીમાં આજે વૉઇસ-મૉડ્યુલેશન અને વૉઇસ ઍક્ટિંગને જોઈએ એવું અપ્રિસિએશન નથી મળતું. મને આ વાતનો ખૂબ જ ગુસ્સો છે. મેં ઇંગ્લિશમાં અથવા તો સાઉથની ઘણી સારી કન્ટેન્ટ જોઈ છે. એ હિન્દી માર્કેટમાં ખૂબ જ સફળ રહી શકે એવી છે, પરંતુ હિન્દી ડબિંગને કારણે એ નિષ્ફળ ગઈ છે. ઘણી વાર ડબિંગ એટલું ગંદું હોય છે કે દર્શકોને સારો એક્સ્પીરિયન્સ નથી મળતો. ત્યાર બાદ તેઓ રડે છે કે હિન્દી બેલ્ટમાંથી એટલું કલેક્શન નથી આવતું. ડબિંગ એટલું ગંદું હોય છે કે લોકો એને જોવા પાછળ પૈસા નથી ખર્ચ કરતા. મારો પૉઇન્ટ એ છે કે મેકર્સ માર્કેટિંગ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ ફિલ્મ ન ચાલે તો પછી રડે છે. હું એક ઉદારહણ આપું છું. ‘અવેન્જર્સ : એન્ડગેમ’માં નિનાદ કામતે થાનોસનો અવાજ આપ્યો હતો. એને ખૂબ જ વખાણવામાં આવ્યું હતું. તે ઇન્ડિયાનો બેસ્ટ વૉઇસ આર્ટિસ્ટ છે. સ્ટુડિયોએ તેની પાછળ પૈસા ખર્ચ્યા અને તેમને રિઝલ્ટ મળ્યું. જો સારું ઇન્વેસ્ટમેન્ટ હશે તો રિઝલ્ટ પણ સારું મળશે.’

