શાહિદ કપૂરની OTT પર થશે એન્ટ્રી, નેટફ્લિક્સ માટે સાઈન કરી ફિલ્મ
શાહિદ કપૂર
બૉલીવુડના સુપસ્ટાર ધીરે-ધીરે OTT તરફ આગેકુચ કરી રહ્યાં છે. અભિનેતા અજય દેવગન (Ajay Devgn) અને હ્રિતિક રોશન (Hrithik Roshan) પણ OTT માટે તૈયાર થનારી ફિલ્મો માટે ડિઝનીપ્લસ હૉટસ્ટાર સાથે વાતચીત કરી રહ્યાં છે. ત્યારે OTT માટે ફિલ્મ સાઈન કરનાર એક્ટર્સની યાદીમાં વધુ એક અભિનેતાનું નામ જોડાયું છે. આ નામ છે અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor)નું. તેણે નેટફ્લિક્સ સાથે એક એક્શન-થ્રિલર ફિલ્મ સાઈન કરી છે.
ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં સમાચાર મળ્યા હતા કે, અભિનેતા શાહિદ કપૂર 2020માં એક્શન ફિલ્મો તરફ વળશે. તાજેતરમાં સમાચાર મળ્યાં છે કે, આ એક્શન ફિલ્મ વૅબ પર એટલે કે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પિપિંગ મુનના અહેવાલ પ્રમાણે, શાહિદ કપૂરે નેટફ્લિક્સ માટે એક્શન-થ્રિલર ફિલ્મ સાઈન કરી છે. હજી સુધી ફિલ્મનું નામ નક્કી કરવામાં નથી આવ્યું. પણ કહેવાય છે કે આ ફિલ્મની વાર્તા 1988માં માલદીવના ટાપુઓમાં તત્કાલીન રાષ્ટ્રપતિ મૈમૂન અબ્દુલ ગૈમ વિરુદ્ધ 200 શ્રીલંકન આતંકવાદીઓના જૂથ દ્વારા કરવામાં આવેલા બળવાને રોકવા માટે ભારત સરકારે શરૂ કરેલા ઓપરેશન કેક્ટસને પગલે મદદ કરવામાં આવી હતી તેના પર આધારિત હશે. ફિલ્મમાં શાહિદ બ્રિગેડિયર ફારુખ બુલસરાની ભૂમિકા નિભાવશે. જેણે ભારતીય સૈન્યના પેરાશૂટ બ્રિગેડ અને રેજિમેન્ટના પેરાટ્રોપર્સને આદેશ આપ્યો હતો. આ રોમાંચક લશ્કરી કામગીરીમાં જેણે પડોશી દેશમાં સ્થિરતાને પુન: સ્થાપિત કરવા ભારત તરફથી ઝડપી અને નિર્ણાયક પગલા લીધા હતાં.
ADVERTISEMENT
'કમિને', 'હૈદર', 'રંગુન' અને 'પટાકા' જેવી ફિલ્મોમાં ફિલ્મમેકર વીશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj)ને અસિસ્ટ કરનાર આદિત્ય નિબાંલકર (Aditya Nimbalkar) ફિલ્મનું દિગ્દર્શન કરશે અને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરશે. અમર બુટાલા ફિલ્મને પ્રોડયુસ કરશે.
શાહિદ કપૂર અભિનિત એક્શન-થ્રિલર ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષના મધ્યમાં શરૂ થાય તેવી અપેક્ષા છે. તે પહેલા અભિનેતા જર્સીની રિમેકનું શૂટિંગ પતાવશે. શાહિદે નેટફ્લિક્સ સાથે મલ્ટિ-ફિલ્મ ડીલ કરાર કર્યા હોવાના અહેવાલ છે અને આ પ્રોજેક્ટ તેની પહેલી ફિલ્મ હશે. નેટફ્લિક્સ દ્વારા નવેમ્બર મહિનામાં આ વિશેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

