અઢાર માર્ચે ઝીટીવી પર ઝી સિને અવૉર્ડ્સ ૨૦૨૩ આવી રહ્યો છે
શાહિદ કપૂર
શાહિદ કપૂરને ઇન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ થયાં છે અને તેણે એને સેલિબ્રેટ કર્યું છે. અઢાર માર્ચે ઝીટીવી પર ઝી સિને અવૉર્ડ્સ ૨૦૨૩ આવી રહ્યો છે. આ અવૉર્ડ શોમાં શાહિદે પર્ફોર્મન્સ આપ્યો હતો. તેણે ઇન્ડસ્ટ્રીમાં ૨૦૦૩માં આવેલી ‘ઇશ્ક વિશ્ક’થી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને અદ્ભુત પાત્રો ભજવ્યાં છે. આ સાથે જ તેણે તેનાં પૉપ્યુલર ગીતો મૌજા હી મૌજા, ગંદી બાત, શામ શાનદાર જેવાં ઘણાં ગીતો પર પર્ફોર્મ કર્યું હતું. આ શોમાં તેના માટે એક વિડિયો ક્લિપ પણ પ્લે કરવામાં આવી હતી. ત્યાર બાદ શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘શરૂઆતના દિવસોમાં હું અંધેરીમાં રહેતો હતો. મને મોટા ડિઝાઇનર્સ વિશે કંઈ ખબર નહોતી. અવૉર્ડ ફંક્શનમાં હાજરી આપવા માટે મારી પાસે સારાં કપડાં નથી એવું મને લાગતું હતું. હું હવે પોતાને જોઉં છું તો મને લાગે છે કે હું એટલો બધો પણ ખરાબ નહોતો દેખાતો. મારા માટે આ મારી લાઇફની બેસ્ટ મોમેન્ટ હતી. મને આજે દેખાય છે કે શરૂઆતના દિવસોમાં હું કેવો હતો. મારી લાઇફમાં કેટલું બધું થયું છે એ જર્ની મને યાદ આવી ગઈ. ૨૦ વર્ષથી હું આ કામ કરી રહ્યો છું એ માટે હું ખૂબ જ આભારી છું. મારા કામને પસંદ કરનાર અને મને જોનાર અને ફ્રૅટર્નિટીના તમામ લોકોનો હું આભાર માનું છું.’