‘મન્નત’નું આ રિનોવેશન ઓછાંમાં ઓછાં બે વર્ષ સુધી ચાલશે અને એથી આ સમય દરમ્યાન શાહરુખ તેના પરિવાર સાથે ભાડાના ઘરમાં જશે.
શાહરુખખાન સપરિવાર
બૉલીવુડમાં કિંગ ખાન તરીકે જાણીતો શાહરુખ ખાન ટૂંક સમયમાં મુંબઈમાં બૅન્ડસ્ટૅન્ડ ખાતે આવેલા તેના આલીશાન બંગલા ‘મન્નત’ને ખાલી કરીને સપરિવાર બાંદરા વિસ્તારમાં આવેલા લક્ઝરી ડુપ્લેક્સમાં ભાડે રહેવા જઈ રહ્યો છે. શાહરુખે બાંદરાના પાલી હિલમાં જૅકી ભગનાણી અને તેની બહેન દીપશિખા પાસેથી બે લક્ઝરી ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ ભાડે લીધા છે. આ બન્ને અપાર્ટમેન્ટ ‘પૂજા કાસા’ નામના બિલ્ડિંગમાં છે.
બૅન્ડસ્ટૅન્ડ ખાતે આવેલા શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ની હાલની અંદાજિત કિંમત આશરે ૨૦૦ કરોડ રૂપિયા છે. આ ઘર પર્યટકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. શાહરુખ અને તેમનો પરિવાર લગભગ ૨૫ વર્ષથી આ બંગલામાં રહે છે. મળતી માહિતી પ્રમાણે ‘મન્નત’માં મોટા પાયે રિનોવેશનનું કામ થવાનું છે એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ મુજબ ‘મન્નત’માં રિનોવેશનનું કામ ૨૦૨૫ના મે મહિનામાં શરૂ થશે અને બંગલાના કેટલાક ભાગને એક્સટેન્ડ કરવામાં આવશે. આ સિવાય ‘મન્નત’માં વધુ બે માળનું બાંધકામ થવા જઈ રહ્યું છે. શાહરુખે બંગલાના એક્સટેન્શન માટે કોર્ટથી મંજૂરી મેળવી છે. હકીકતમાં ‘મન્નત’ ‘ગ્રેડ III’ હેરિટેજ પ્રૉપર્ટી છે, તેથી એમાં કોઈ પણ ફેરફાર કરવા માટે કોર્ટ અને મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની મંજૂરી લેવી જરૂરી છે.
‘મન્નત’નું આ રિનોવેશન ઓછાંમાં ઓછાં બે વર્ષ સુધી ચાલશે અને એથી આ સમય દરમ્યાન શાહરુખ તેના પરિવાર સાથે ભાડાના ઘરમાં જશે. શાહરુખની કંપની રેડ ચિલીઝે પાલી હિલના ‘પૂજા કાસા’ બિલ્ડિંગમાં બે ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ ભાડે લીધા છે. બન્ને અપાર્ટમેન્ટનું કુલ ભાડું ૨.૯ કરોડ રૂપિયા પ્રતિ વર્ષ છે. પ્રોડ્યુસર વાશુ ભગનાણીના દીકરા જૅકી ભગનાણી અને તેની બહેન દીપશિખા સાથે શાહરુખે ૩૬ મહિનાના કરાર પર સહી કરી છે. શાહરુખે ત્રણ વર્ષ માટે બન્ને લક્ઝરી ડુપ્લેક્સ લીઝ પર લીધાં છે અને આ માટે તે કુલ ૮.૭૦ કરોડ રૂપિયાનું ભાડું ચૂકવશે. આ ડુપ્લેક્સમાં શાહરુખ અને તેનો પરિવાર તો રહેશે જ અને સાથે ઑફિસ સેટઅપ માટે પણ આ ઘરમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય બિલ્ડિંગની સુરક્ષા પણ વધારવામાં આવશે.

