બિગ બજેટ અને લાર્જર ધૅન લાઇફ ફિલ્મો કરવા પાછળનું આવું કારણ જણાવ્યું શાહરુખ ખાને
શાહરુખ ખાન
શાહરુખ ખાને થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં પોતાની કરીઅરને લગતી અન્ય વાતોની સાથે ૨૦૦૨ની હિટ ફિલ્મ ‘દેવદાસ’ વિશે મજેદાર વાતો કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘દેવદાસ’ એ વખતની સૌથી મોંઘી ફિલ્મ હતી. રિપોર્ટ મુજબ એનું બજેટ ૫૦ કરોડ રૂપિયાનું હતું. હોસ્ટે પૂછ્યું કે ‘દેવદાસ’ જેવી ‘મોટી ફિલ્મ’ તેની કરીઅર માટે કેટલું મહત્ત્વ ધરાવે છે ત્યારે શાહરુખ ખાને જણાવ્યું હતું કે આ ફિલ્મ ઑલમોસ્ટ કૅન્સલ થવાના આરે હતી. શાહરુખ ખાને કહ્યું હતું, ‘એવો સમય આવી ગયો હતો કે અમે આ ફિલ્મ નહોતા કરવાના અને હું આગળ પણ વધી ગયો હતો, પરંતુ હું મારી કરીઅરમાં આ પ્રકારની ફિલ્મો કરવા અત્યંત ઉત્સુક હતો.’
‘મોટી ફિલ્મો’ કરવા પાછળનું કારણ આપતાં શાહરુખ ખાને જણાવ્યું હતું કે ‘મેં ફિલ્મો કરવાની શરૂઆત કરી ત્યાં સુધીમાં મારાં માતા-પિતા ચાલ્યાં ગયાં હતાં. તેઓ નહોતાં. ખબર નહીં, પણ મને હંમેશાં લાગે છે કે હું મોટી ફિલ્મો કરીશ તો મારાં મમ્મી-પપ્પા એ સ્વર્ગમાંથી જોઈ શકશે.’ શાહરુખ ખાને પોતાના આ વિચારને ‘બાલિશ વિચાર’ ગણાવતાં કહ્યું હતું કે ‘મને હજી લાગે છે કે મારી મમ્મી સ્ટાર છે. અને એ સાચું છે. મને તો ત્યાં સુધી લાગે છે કે હું જાણું છે કે તે કયો સ્ટાર છે. એટલે મને લાગ્યું હતું કે હું ‘દેવદાસ’ કરીશ તો એ તેને ગમશે. એનાં વખાણ કરશે.’

