જેના નંબર પરથી ફોન આવ્યો તે કહે છે કે ફોન ખોવાઈ ગયો છે
શાહરુખ ખાન
સલમાન ખાન બાદ હવે ગુરુવારે શાહરુખ ખાનને બાંદરા પોલીસ-સ્ટેશનમાં કૉલ કરીને ૫૦ લાખ રૂપિયાની ખંડણી માટે ધમકી આપવામાં આવી છે. આ સંદર્ભે બાંદરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ધમકીનો એ કૉલ છત્તીસગઢના રાયપુરથી આવ્યો હોવાનું શોધી કાઢ્યું હતું. બાંદરા પોલીસની એક ટીમ રાયપુર ગઈ છે.
છત્તીસગઢના સિવિલ લાઇનના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અજયકુમારે આ વિશે કહ્યું હતું કે ‘મુંબઈ પોલીસ પંડરી પોલીસ-સ્ટેશને આવી હતી અને જણાવ્યું હતું કે મુંબઈના બાંદરા પોલીસ-સ્ટેશનમાં શાહરુખ ખાનને ધમકી આપવામાં આવી અને એ સામે ખંડણી માગવામાં આવી હોવાનો ગુનો નોંધાયો છે. મુંબઈ પોલીસ એ આરોપીને નોટિસ આપી રહી છે. આરોપીનું નામ મોહમ્મદ ફૈઝાન ખાન હોવાનું જણાઈ આવ્યું છે. તે ઍડ્વોકેટ છે. બાંદરા પોલીસના કહેવા મુજબ શાહરુખ ખાનને પાંચ નવેમ્બરે ફોન કરવામાં આવ્યો હતો, જ્યારે ફૈઝાન ખાને એમ કહ્યું છે કે તેનો ફોન બીજી નવેમ્બરે જ ખોવાઈ ગયો છે. અમે પણ એ બાબતે તપાસ કરી રહ્યા છીએ અને મુંબઈ પોલીસ પણ એ વિશે તપાસ કરી રહી છે.’